ઉત્તર કોરિયાએ જાપાની સમુદ્રમાં બે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જાપાને ચિંતા વ્યક્ત કરી

કિમ જોંગ

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન,

ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન દ્વારા કરાઈ રહેલાં મિસાઇલ પરીક્ષણો પર અમેરિકાની પ્રતિક્રિયા મહત્ત્વની બનશે

ઉત્તર કોરિયાએ જાપાનના દરિયામાં બે બેલિસ્ટિક મિસાઈલ ફાયર કરી હોવાની માહિતી અમેરિકા અને જાપાને આપી છે. અમેરિકામાં જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ આવી પ્રથમ ઘટના ઘટી છે.

પ્યોંગયાંગ પર બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ પર પ્રતિબંધ છે.

યુએન સિક્યૉરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન્સ અંતર્ગત બેલિસ્ટિક મિસાઈલનો સમાવેશ ભયસૂચક હથિયારોમાં થાય છે.

જાપાને કહ્યું છે કે તેની દરિયાઈ હદમાં મિસાઇલનો કોઈ કાટમાળ મળ્યો નથી.

પીળા સમુદ્રમાં બે નૉન-બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયાના બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ આ પરીક્ષણને તેમના દેશ અને સંબંધિત વિસ્તારની સુરક્ષા માટે જોખમરૂપ ગણાવ્યું છે.

દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફે બે 'અજાણ્યાં પ્રક્ષેપ'ને છોડાયાં હોવાનું જણાવ્યું છે.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડન દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરાઈ નથી.

ગત વર્ષે રાતે યોજેલી પરેડમાં બેલિસ્ટિક મિસાઈલ, હથિયારોનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA/KCNA

ઇમેજ કૅપ્શન,

પ્યોંગયાંગ પર જાપાની સમુદ્રમાં છોડાયેલી બેલિસ્ટિક મિસાઈલનાં પરીક્ષણો પર પ્રતિબંધ છે

ઑક્ટોબર, 2020માં ઉત્તર કોરિયામાં રાત્રિના સમયે ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું, જેમાં દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સામેલ થયા હતા. પરેડનું આયોજન વર્કર્સ પાર્ટીનો 75મો સ્થાપનાદિન ઊજવવા માટે કરાયું હતું.

સામાન્યપણે નવી મિસાઇલો અને હથિયારોના પ્રદર્શન માટે ઉત્તર કોરિયામાં સૈન્યપરેડનું આયોજન કરાય છે. જાણકાર જણાવે છે કે આ પરેડ દરમિયાન ઇન્ટરકૉન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઈલના પ્રદર્શનને આ વાતની પુષ્ટિ તરીકે જોઈ શકાય છે.

પાછલાં બે વર્ષોમાં પહેલી વાર દેશમાં કોઈ મોટી સૈન્યપરેડનું આયોજન થયું હતું. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી થોડા દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પોતાનાં હથિયારોનું પ્રદર્શન કર્યું છે.

વર્ષ 2018માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી પ્રથમ શિખરવાર્તા બાદ ઉત્તર કોરિયાએ પરેડમાં બેલિસ્ટિક મિસાઈલનું પ્રદર્શન નહોતું કર્યું.

ઉત્તર કોરિયા પાસેથી મળેલી તસવીરોમાં પરેડ દરમિયાન કિમ જોંગ ઉન ગ્રૅ રંગના વેસ્ટર્ન સૂટમાં દેખાયા.

આ આયોજન નિમિત્તે તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, "આત્મરક્ષા અને હુમલાઓનો ઉત્તર વાળવા" ઉત્તર કોરિયા પોતાની સેનાને "મજબૂત બનાવવાનું" કામ ચાલુ રાખશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો