પીએમ મોદીના પ્રવાસ પછી પણ બાંગ્લાદેશમાં હિંસા યથાવત્, કુલ 12 લોકોનાં મોત

સુરક્ષા દળો

ઇમેજ સ્રોત, MUNIR UZ ZAMAN/GETTY

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પછી પણ બાંગ્લાદેશમાં બ્રાહ્મણબરિયા રવિવારે ત્રીજા દિવસે પણ અશાંત રહ્યું.

બ્રાહ્મણબરિયાના સ્થાનિક હૉસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે રવિવારે બે લોકોનાં મોત થયા હતા.

બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધી એકંદરે 12 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

બ્રાહ્મણબરિયા સદર હૉસ્પિટલના તબીબ શૌકત હુસૈને બીબીસીને જણાવ્યું કે હડતાલ દરમિયાન થયેલી અથડામણોમાં ઘાયલ થયેલા બે લોકોને હૉસ્પિટલ લવાયા હતા પણ તેમનું મોત નીપજ્યું હતું.

તેમણે આ સિવાસ અન્ય કોઈ જાણકારી આપવા ઇન્કાર કરી દીધો હતો.

હિફાઝત-એ-ઇસ્લામ

ઇમેજ સ્રોત, MASUK HRIDOY

સ્થાનિક સંવાદદાતાનું કહેવું છે કે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

મોદીની બાંગ્લાદેશ મુલાકાતના વિરોધ બાદ આ સંગઠને રવિવારે બંધનું એલાન કર્યું હતું અને હડતાલ પાળવાની જાહેરાત કરી હતી.

સ્થાનિક સંવાદદાતા મસુક હૃદયે બીબીસીને જણાવ્યું કે હડતાલના સમર્થકોએ વિવિધ સરકારી પ્રતિષ્ઠાનો પર હુમલો કરીને ત્યાં તોડફોડ કરી અને તેને આગચંપી કરી હતી.

હુમલાખોરે કથિત રીતે ભૂમિ કાર્યાલય, સાર્વજનિક પુસ્તકાલય અને જિલ્લા શિલ્પકલા અકાદમી સહિતની કેટલાંક સરકારી અને ખાનગી ભવનોમાં આગચંપી કરી હતી.

યાત્રી ટ્રેન પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

મસુકે વધુમાં જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ એક યાત્રી ટ્રેન પર પણ હુમલો કર્યો જેમાં કેટલાંક ઘાયલ થઈ ગયા.

સમાચાર એજન્સી રૉયટર્સની રિપોર્ટ અનુસાર હિફાઝત-એ-ઇસ્લામના સંખ્યાબંધ સમર્થકોએ રવિવારે પૂર્વિય બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને એક ટ્રેન પર હુમલા કર્યા.

ઘટના બાદ બ્રાહ્મણબરિયા જતી-આવતી ટ્રેનો કદ કરી દેવાઈ હતી.

બાંગ્લાદેશમાં સૌથી વધુ હિંસા બ્રાહ્મણબરિયા અને ચિત્તાગોંગના હાટહઝારીમાં થઈ છે.

શનિવારે બ્રાહ્મણબરિયામાં પોલીસ અને સુરક્ષાદળો સાથે પ્રદર્શનકારીઓની અથડામણોમાં ઓછામાં ઓછા 5 પ્રદર્શનકારીઓનાં મોત થયા હતા.

સ્થાનિક પત્રકારે જણાવ્યું કે છઠ્ઠી વ્યક્તિનું મોત રવિવારે થયું. પરંતુ બીબીસી સ્વતંત્ર સૂત્રોથી આ દાવાઓની પુષ્ટિ નથી કરી શક્યું.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.