ચીનમાં મીડિયાનું એ સત્ય જેના કારણે મારે ચીન છોડી દેવું પડ્યું : બીબીસી સંવાદદાતાની જુબાની

  • જોન સડવર્થ
  • બીબીસી ન્યૂઝ
જોન સડવર્થ
ઇમેજ કૅપ્શન,

ચીનમાં વિદેશી પત્રકારો પર કેમ દબાણ કરાઈ રહ્યું છે?

ચીનમાં રિપોર્ટિંગની ભયંકર વાસ્તવિકતા છેલ્લે સુધી મારો પીછો કરતી રહી.

મારો પરિવાર જ્યારે કોઈ પણ જાતની તૈયારી વગર, જેમ તેમ પૅકિંગ કરીને ફટાફટ ત્યાંથી નીકળી જવા માટે ઍરપૉર્ટ જવા રવાના થયો ત્યારે સાદાં કપડાંમાં પોલીસ અમારા ઘરના બહાર ઊભી હતી. તેઓ અમારા પર નજર રાખી રહ્યા હતા. અમે ચેક-ઇન કર્યું ત્યાં સુધી અમારા પર તેમની નજર રહી.

અમને અપેક્ષા હતી તે મુજબ છેલ્લે સુધી ચીનની પ્રોપગેન્ડા મશીનરી પૂરજોશથી કાર્યરત્ હતી. ચીનમાં મારે કોઈ પ્રકારના જોખમનો સામનો કરવો પડ્યો તે વાતને તેમણે સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી. વાસ્તવમાં મેં તે જોખમો વિશે પૂરતી સ્પષ્ટતા કરી હતી.

કૉમ્યુનિસ્ટ પાર્ટીનું નિયંત્રણ ધરાવતા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું, "વિદેશમંત્રીએ જણાવ્યું કે તેમને એ વાતની માહિતી ન હતી કે સડવર્થની સુરક્ષાને કોઈ ખતરો છે."

"માત્ર એટલું જ કે બનાવટી અહેવાલો બદલ શિનઝિયાંગના લોકોએ કદાચ તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી હોત."

આ પ્રકારનાં નિવેદનો ચીનના અદાલતી તંત્રની વાસ્તવિકતા દર્શાવે છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થક મીડિયા એક સ્વતંત્ર અદાલત તરીકે તેને પશ્ચિમી દેશોની એક ગેરમાન્યતા તરીકે નકારી કાઢે છે.

ચીનના વિદેશ વિભાગે ડેઇલી પ્રેસ બેઠકના મંચ પરથી પોતાનો હુમલો ચાલુ રાખીને ગુરુવારે બીબીસીના અહેવાલોને બનાવટી ગણાવીને તેમની ટીકા કરી હતી.

તેમણે શિનઝિયાંગથી એક કાર પ્લાન્ટ સંચાલિત કરવાના ફોક્સવેગનના નિર્ણય અંગે તાજેતરમાં અમે લીધેલા એક ઇન્ટરવ્યૂની વીડિયો ક્લિપ ચલાવી અને કહ્યું કે, "શું આ ચીનના લોકોના ગુસ્સાને ભડકાવનારો અહેવાલ નથી?"

નિશ્ચિત રીતે આ દાવો માની શકાય તેવો નથી. કારણ કે મોટી સંખ્યામાં ચીનના લોકો અમારા અહેવાલ જોઈ શકતા નથી. લાંબા સમયથી અહીં અમારા અહેવાલોનું પ્રસારણ રોકવામાં આવ્યું છે.

પરંતુ આ બધાના કારણે અહીં મારી પોસ્ટિંગનો ભયાનક અને ડરામણો અંત આવ્યો છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે મારો કિસ્સો છેલ્લા કેટલાંક વર્ષોમાં ચીનમાંથી વિદેશી મીડિયાની વિદાયની એક લાંબી યાદીમાં સામેલ છે. માહિતી અને વિચારોની સામે ચીન એક મોટી લડાઈ ચલાવે છે અને આ બધું તેના ભાગરૂપે છે.

મીડિયાનું સમરાંગણ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ચીનમાં પત્રકારો પર પ્રતિબંધો મુકાઈ રહ્યા હોવાનો આરોપ છે

વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)માં ચીનને સ્વીકૃતિ આપવાની માંગ દરમિયાન ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે પોતાના ભાષણમાં એક વખત કહ્યું હતું કે "આર્થિક સ્વતંત્રતાથી સ્વતંત્રતાની આદત વિકસે છે."

ત્યાર પછી તેમણે કહ્યું હતું કે "અને સ્વતંત્રતાની આદતો લોકતંત્રની આશા પેદા કરે છે."

ચીન આર્થિક રીતે મજબૂત બનતું જશે તેમ તેમ ત્યાં સ્વતંત્રતા પણ વધતી જશે એવું માનવું એ ખુલ્લી આંખે જોવામાં આવેલું એક સ્વપ્ન જ હતું. 2012માં મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું તો ચીનના સમાચાર વિશ્લેષણ અને એકૅડેમિક ચર્ચામાં ઘણી વખત આ વાત સાંભળવા મળતી હતી.

પરંતુ તે વર્ષે હું અહીં આવ્યો ત્યારે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ શી જિનપિંગને દેશના સૌથી શક્તિશાળી હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા અને આ ઘટનાએ સમગ્ર અનુમાનને સંપૂર્ણપણે અનુભવહીન સાબિત કરી દીધું.

એ વાતમાં કોઈ શંકા નથી કે વૈશ્વિક વ્યાપારની પેટર્નમાં ભારે ફેરફારોએ ચીનને બદલી નાખ્યું છે. પરંતુ આર્થિક અને સામાજિક પરિવર્તનના તોફાને તેને વધારે ઉજાગર કર્યું છે. ચીનમાં હવે લોકશાહીની આશા પહેલાં કરતાં ઘણી દૂર જણાઈ રહી છે.

રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગે અહીંની પહેલેથી સખત રાજકીય વ્યવસ્થાનો ઉપયોગ કરીને સમાજના લગભગ દરેક પાસા પર નિયંત્રણ જમાવ્યું. તેમનાં દસ વર્ષના કાર્યકાળમાં મીડિયાનું મેદાન એક સમરાંગણ તરીકે ઊપસી આવ્યું છે.

દસ્તાવેજ ક્રમાંક નવને એક ઉચ્ચ સ્તરીય લિક તરીકે ગણાવવામાં આવ્યું. થોડા જ સમયમાં તે લડાઈમાં પશ્ચિમી મૂલ્યોની સાથે પ્રેસની સ્વતંત્રતાને મુખ્ય લક્ષ્ય બનાવવામાં આવ્યું.

બીબીસીના અનુભવ પરથી જાણવા મળે છે તેમ કોઈ પણ વિદેશી મીડિયા શિનઝિયાંગની હકીકત દર્શાવે, કોરોના વાઇરસ અને અહીં તેના ઉદભવને રોકવા વિશે સવાલ કરે, અથવા હૉંગ કૉંગ માટે ચીનની યોજનાનો વિરોધ કરતા લોકોને અવાજ આપે તો નિશ્ચિત રીતે ચીન તેમને નિશાન બનાવશે.

લોકતંત્રની ચર્ચાને નબળી કરવી

ઇમેજ કૅપ્શન,

પત્રકારોના અધિકારો અને સ્વતંત્ર પત્રકારિતા મામલે ચીન ગભરાયેલું છે?

પરંતુ હું ત્યાંથી નીકળી ગયો ત્યાર પછી પણ ચીને પ્રોપગેન્ડા હેઠળ હુમલા જારી રાખ્યા છે. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે પોતાનો સંદેશ ફેલાવવા માટે તે વિદેશી સોશિયલ મીડિયા નેટવર્કનો છૂટથી ઉપયોગ કરે છે.

સમસ્યા એ છે કે ચીનમાં વિદેશી પત્રકારત્વ માટે અવકાશ સતત ઘટતો જાય છે. બીજી તરફ કૉમ્યુનિસ્ટ પાર્ટી પોતાની મીડિયા રણનીતિમાં ભારે રોકાણ કરી રહી છે. તે ઑપન મીડિયા સુધી આસાન પહોંચનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે.

ઑસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પૉલિસી સંસ્થાનના આંતરરાષ્ટ્રીય સાઇબર નીતિ કેન્દ્રના સંશોધનકર્તાઓ મુજબ આ રિપોર્ટના દસ્તાવેજોને એક રણનીતિ તરીકે અનેક પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવ્યા હતા. આક્રમક શૈલી અપનાવીને એક સાથે અનેક ટ્વિટ કરીને વિદેશી રિપોર્ટિંગની ટીકા કરવામાં આવી હતી. હકીકતમાં ચીનના લોકો જ વિદેશી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી.

સરકારી મીડિયાના પ્રચારકો કોઈ પણ પ્રકારના અવરોધ વગર પોતાનું કન્ટેન્ટ વિદેશમાં પ્રકાશિત અને પોસ્ટ કરે છે. બીજી તરફ ચીનની અંદર મીડિયાની સ્વતંત્રતાને બેરહેમીથી રોકવામાં આવે છે. વિદેશી પ્રસારણો, વેબસાઇટો અને વિદેશી પત્રકારોને પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક પર બ્લોક કરી દે છે.

આવી સ્થિતિમાં ચીનમાંથી મારી વિદાયને ઊભરતા વિચારોની એક અસંયમિત લડાઈના એક નાનકડા ભાગ તરીકે જોઈ શકાય છે.

સચોટ માહિતીના મુક્ત પ્રવાહ માટે આ કોઈ સારી સંભાવના નથી.

ચીનમાં પહોંચ ઓછી થવાથી અમારી એ સમજાવવાની ક્ષમતા ઘટી જશે કે ચીનમાં વાસ્તવમાં શું થઈ રહ્યું છે. બીજી તરફ ચીન લગભગ તમામ જગ્યાએ લોકતાંત્રિક સંવાદને ખતમ કરવા માટે ફ્રી પ્રેસ સંસ્થાઓની શક્તિનો ઉપયોગ કરે છે.

સત્યની દિશામાં લઈ જતા ફૂટપ્રિન્ટ

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન,

ચીનના કેટલાક નાગરિકો સ્વતંત્ર પત્રકારિતાનું સમર્થન કરે છે

આ કોઈ આસાન જવાબ નથી. રાષ્ટ્રપતિ બુશની આદર્શવાદ ભવિષ્યવાણીની વાતો અહીં ઘણા સમય પહેલાંથી ગાયબ થઈ ગઈ હતી. આમ છતાં કેટલીક આશા યથાવત્ છે.

શિનઝિયાંગમાં જે કંઈ થાય છે તેને ચીન જૂઠાણું જણાવીને વારંવાર નકારી કાઢે છે. આમ છતાં તાજેતરના દિવસોમાં હકીકત રજૂ કરતી કેટલીક માહિતી બહાર આવી છે. તે સ્વયં તેના પોતાના આંતરિક દસ્તાવેજો અને પ્રોપગેન્ડા રિપોર્ટ પર આધારિત છે.

મોટી સંખ્યામાં લોકોને કેદ કરવા અંગે એક આધુનિક ડિજિટલ મહાસત્તા મદદ નથી કરી શકતી, પરંતુ કેટલીક ઑનલાઇન ફૂટપ્રિન્ટ ચોક્કસ છોડી શકે છે. તેને ઉજાગર કરવાના પત્રકારત્વના મહત્ત્વના પ્રયાસો દૂર રહીને પણ ચાલુ રહેશે.

હવે હું વિદેશી પત્રકારોની એ લાંબી યાદીમાં સામેલ થયો છું જેમણે તાઈપેઈ અથવા એશિયાનાં અન્ય શહેરોમાં રહીને ચીનના અહેવાલો કવર કરવા મજબૂર થવું પડ્યું છે.

ચીનમાં ભલે વિદેશી પ્રેસની સંખ્યા ઘટી હોય, પરંતુ જેઓ ત્યાં હાજર છે તેઓ નીડર અને મક્કમ છે તેઓ ત્યાંના અહેવાલ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે રાજકીય નિયંત્રણોના ચુસ્ત દાયરાની વચ્ચે એવા કેટલાક ચીની નાગરિકો પણ છે જેઓ વ્યક્તિગત જોખમ ઉઠાવીને સેન્સરશિપની વચ્ચે સિટિઝન જર્નાલિઝમના ઉપાય શોધી કાઢે છે. તેઓ પોતાના શબ્દોમાં પોતાના દેશની વાત રજૂ કરે છે.

વુહાનમાં લૉકડાઉનના પ્રારંભિક દિવસો વિશે આપણે જે જાણીએ છીએ તેમાંથી મોટા ભાગની માહિતી આ સિટિઝન જર્નાલિસ્ટોના કારણે પ્રાપ્ત થઈ હતી. આ લોકો અત્યારે પોતાની નીડરતાની કિંમત ચૂકવી રહ્યા છે.

બીજિંગ ઍૅરપૉર્ટના ડિપાર્ચર હૉલમાં બેઠાં બેઠાં હું આશા રાખું છું કે સાદાં કપડાંમાં ફરતી પોલીસની નજરમાંથી હું કાયમ માટે મુક્ત થયો છું.

વિચારોની નવી વૈશ્વિક લડાઈમાં આપણે ક્યારેય એ ભૂલવું ન જોઈએ કે ચીનના નાગરિકો ત્યાંની હકીકત જણાવવા માટે સતત સૌથી વધુ જોખમોનો સામનો કરે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો