એમેઝોનના કેટલાક કર્મચારીઓ પ્લાસ્ટિકની બૉટલમાં પેશાબ કરે છેઃ કંપનીએ સ્વીકાર્યું

એમેઝોન ડિલિવરી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

એમેઝોને પહેલા એ વાતને નકારી હતી કે તેના કર્મચારીઓ બૉટલમાં પેશાબ કરે છે પરંતુ પછી પુરાવા મળી આવ્યા હતા

એમેઝોનના કેટલાક કર્મચારીઓએ પ્લાસ્ટિકની બૉટલમાં પેશાબ કરવો પડે છે તેવા પુરાવા સાંપડ્યા પછી એમેઝોને પણ આ વાત સ્વીકારી છે.

એમેઝોનના ડ્રાઇવરોને કેટલીક વખત આ રીતે પેશાબ કરવાની ફરજ પાડવામાં આવે છે તે વાતને શરૂઆતમાં ખોટી રીતે નકાર્યા પછી કંપનીએ એક અમેરિકન રાજકારણી સમક્ષ માફી માગી છે.

વિસ્કોન્સિન ડેમૉક્રેટિક પાર્ટીના માર્ક પૉકને ટ્વિટર પર આ અંગે આરોપ મુક્યો હતો અને હવે એમેઝોને આ આરોપ સાચો હોવાની વાત સ્વીકારી છે.

ઈ-કૉમર્સ કંપનીએ વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે, "અમે રિપ્રેઝન્ટેટિવ (ડેમૉક્રેટ) પૉકોનની માફી માગીએ છીએ."

"ટ્વીટ (જેમાં એમેઝોને માહિતીનો ઇનકાર કર્યો છે) ખોટી હતી. તેમાં ડ્રાઇવરોની મોટી સંખ્યાને ધ્યાનમાં નથી લીધી અને માત્ર અમારા વિતરણકેન્દ્રો પર ખોટી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું."

કંપનીએ ઉમેર્યું હતું કે તેના તમામ લૉજિસ્ટિક્સ-કેન્દ્રો પર ડઝનબંધ ટૉઇલેટ છે અને કર્મચારીઓ તેનો 'ગમે ત્યારે' ઉપયોગ કરી શકે છે.

આ ઉપરાંત પૉકને ઍલાબામા ખાતે એક મોટા કેન્દ્રમાં યુનિયન રચવાના કામદારોના પ્રયાસોનો વિરોધ કરવા બદલ પણ એમેઝોનની ટીકા કરી હતી.

ગયા સપ્તાહમાં તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું, "કર્મચારીઓને કલાકદીઠ 15 ડૉલર ચૂકવવાથી તમે પ્રગતિશીલ વર્કપ્લેસ નથી બની જતા, ખાસ કરીને જ્યારે તમે યુનિયન બનાવવાનું મુશ્કેલ બનાવી દો અને કામદારોને પાણીની બૉટલમાં પેશાબ કરવાની ફરજ પાડો ત્યારે."

ત્યારબાદ એમેઝોનના સત્તાવાર એકાઉન્ટમાંથી જવાબ અપાયો હતો,

"બૉટલમાં પેશાબ કરવો પડે તે તમે નહીં માનો. માનશો? જો એવું હોત તો કોઈ અમારી સાથે કામ કરતું ન હોત."

"સત્ય એ છે કે અમે વિશ્વભરમાં દસ લાખથી વધુ કર્મચારીઓ ધરાવીએ છીએ જેમને પોતાના કામ બદલ ગર્વ છે અને તેમને પહેલા દિવસથી જ ઉત્તમ પગાર અને આરોગ્ય સુવિધાઓ મળે છે."

"નિર્દયી" પદ્ધતિ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

લૉસ એન્જીલિસમાં એમેઝોનના કર્મચારીઓએ એલેબામાં કંપનીના કર્મચારીઓ માટે સમર્થન દેખાડ્યું

ત્યાર બાદ કેટલાંક મીડિયા સંસ્થાનોએ એમેઝોનના અસંખ્ય કર્મચારીઓને ટાંક્યા હતા જેમણે જણાવ્યું હતું કે તેમની પાસે કામ કરતી વખતે પ્લાસ્ટિકની બૉટલમાં પેશાબ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

તેમણે સેન્ટર ખાતે તથા ડિલિવરી સ્ટાફમાં એક નિર્દયી કાર્યપદ્ધતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

'ધ ઇન્ટરસેપ્ટ'ના અહેવાલમાં જણાવ્યું હતું કે તેને કેટલાક આંતરિક દસ્તાવેજો મળ્યા છે જે દર્શાવે છે કે એમેઝોનના ઍક્ઝિક્યુટિવ્સને આવી બધી પ્રવૃત્તિની જાણ હતી.

એમેઝોનના કર્મચારીઓના નિવેદન અને પ્રકાશને એકત્ર કરેલા દસ્તાવેજી પુરાવા અનુસાર આવી સ્થિતિમાં પેશાબ કરવાની પરંપરા "બહુ વ્યાપક" હતી અને તેમના ઉપરી અધિકારીઓએ નક્કી કરેલા "ક્વોટાનું પાલન કરવાના દબાણના કારણે હતી." કેટલાક કિસ્સામાં "કર્મચારીઓએ બૅગમાં મળત્યાગ પણ કરવો પડ્યો હતો," તેમ આઉટલેટે જણાવ્યું હતું.

ઉદાહરણ તરીકે કૅલિફોર્નિયામાં મૅન્ટેકાસ્થિત 26 વર્ષીય મહિલા મેરી બ્રાઉન એમેઝોન ડિલિવરી કૉન્ટ્રાક્ટર માટે ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ કરતાં હતાં. તેમણે 'ઇન્ટરસેપ્ટ'ને જણાવ્યું કે, આવું "થાય છે" કારણ કે કામની પ્રસ્થાપિત રિધમના કારણે આમ કરવું પડે છે.

"નહીંતર અમે અમારી નોકરી ગુમાવીશું કારણ કે ઘણા બધાં પૅકેજ ડિલિવર થયાં વગર રહી જશે."

એમેઝોને શું કહ્યું?

ઇમેજ સ્રોત, DENIS CHARLET/Getty

ઇમેજ કૅપ્શન,

એમેઝોન કંપનીએ જણાવ્યું કે આ સમસ્યા "તમામ સેક્ટરની જૂની સમસ્યા" છે અને તેમણે ખાતરી આપી કે "તેઓ તેનો ઉકેલ લાવવાનું પસંદ કરશે."

એમેઝોને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું, "અમે જાણીએ છીએ કે ડ્રાઇવરોને ટ્રાફિકના કારણે અથવા ગ્રામીણ રૂટના કારણે શૌચાલય શોધવામાં મુશ્કેલી પડી હોઈ શકે છે. ખાસ કરીને કોવિડ દરમિયાન આ સ્થિતિ હતી જ્યારે ઘણાં જાહેર શૌચાલય બંધ હતાં."

કંપનીએ જણાવ્યું કે આ સમસ્યા "તમામ સૅક્ટરની જૂની સમસ્યા" છે અને તેમણે ખાતરી આપી કે "તેઓ તેનો ઉકેલ લાવવાનું પસંદ કરશે."

પોકને શનિવારે એમેઝોનને માફી ફગાવી હતી અને ટ્વીટ કરીને જણાવ્યું હતું, :

"આ મારી વાત નથી. આ તમારા કર્મચારીઓની વાત છે, જેમની સાથે તમે સન્માન અને ગૌરવપૂર્વક વ્યવહાર નથી કરતાં. તમે તમારા તમામ કર્મચારીઓ માટે કામની યોગ્ય સુવિધા તૈયાર નથી કરી તેનો સ્વીકાર કરો અને ત્યાર પછી તેનો કાયમ માટે ઉકેલ લાવો અને અંતે હસ્તક્ષેપ વગર યુનિયન કરવા દો. "

એલાબામાસ્થિત બેસેમેર ખાતે એમેઝોનના કામદારોએ ગયા સપ્તાહમાં એક ઐતિહાસિક મતદાન કરાવ્યું હતું જેમાં એ નક્કી થશે કે તેઓ રિટેલ, હોલસેલર અને ડિપાર્ટમેન્ટ સ્ટોર યુનિયનનું પ્રતિનિધિત્વ ઇચ્છે છે કે નહીં.

એમેઝોને આ પહેલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

આગામી સપ્તાહ સુધી પરિણામો આવે તેવી શક્યતા નથી. તેઓ 'હા'માં વોટ આપશે તો અમેરિકામાં એમેઝોનનું પ્રથમ યુનિયન બનશે.

એમેઝોન અમેરિકામાં બીજી જગ્યાએ યુનિયન ન બનાવવા દેવામાં સફળ રહ્યું છે. જોકે, મોટા ભાગની યુરોપિયન ફેસિલિટી ખાતે યુનિયન રચાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો