ઇઝરાયલ-ગાઝાના સંઘર્ષમાં બંને પક્ષે કરાઈ રહેલા દાવાઓમાં કયો ખોટો, કયો સાચો?

  • બીબીસી મૉનિટરિંગ
  • સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ
ઇઝરાયલ અને પેલસ્ટાઇન વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, REUTERS/IBRAHEEM ABU MUSTAFA

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો પૈકી કોના દાવા સાચા?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયનો વચ્ચે જ્યારથી સંઘર્ષ વધ્યો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રામક કન્ટેન્ટનું જાણે પૂર આવી ગયું છે.

અમે બંને પક્ષો તરફથી કરાઈ રહેલા આવા જ કેટલાક ખોટા અને નકલી દાવાઓની તપાસ કરી. જેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.

રૉકેટ ફાયરિંગનો વીડિયો સીરિયાનો છે, ગાઝાનો નહીં

ઇમેજ સ્રોત, YOUTUBE

ઇમેજ કૅપ્શન,

આ વીડિયો ખરેખર સીરિયાના યુદ્ધનો છે

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના એક પ્રવક્તાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરવાની સાથે દાવો કર્યો હતો કે હમાસ 'સઘન વસ્તીવાળા વિસ્તારમાંથી' રૉકેટ છોડી રહ્યું છે.

ઓફિર ગેંડેલ્મૅને ટ્વીટ કર્યું, "આ 250 પૈકી 30 ટકા ગાઝા પટ્ટીની અંદર જ પડ્યાં. જેના કારણે પેલેસ્ટાઇનિયન લોકો જ મર્યા."

પરંતુ તેમણે જે વીડિયો શૅર કર્યો હતો, તે જૂનો છે અને સીરિયાનો છે.

વર્ષ 2018માં આ વીડિયો સીરિયાના ડેરા શહેરમાં વિદ્રોહી જૂથો વિરુદ્ધ ત્યાંની સરકારની સૈન્ય કાર્યવાહી દરમિયાન લેવાયો હતો.

ટ્વિટરે આ ટ્વીટને 'મેનિપુલેટેડ મીડિયા' એટલે કે નકલી વીડિયો જાહેર કર્યો છે. સાથે જ ટ્વિટરે આ વિડિયોના ફૅક્ટ ચેક સાથે જોડાયેલી લિંક પણ શૅર કરી, જેનાથી એ વાત સાબિત થાય છે કે વીડિયો સીરિયાના યુદ્ધનો છે.

ટીકાઓ બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પ્રવક્તા ઓફિર ગેંડેલ્મૅને ટ્વીટ ડિલીટ કરી દીધું.

'ઇઝરાયલી સુરક્ષાદળો'ના નામે ચલાવાઈ રહેલા વાઇરલ ટ્વીટ નકલી છે

ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સના હૅંડલ દ્વારા કરાયેલાં ટ્વીટના સ્ક્રીનશૉટ બતાવીને ટ્વિટર પર કેટલાક યુઝર એવી પોસ્ટ શૅર કરી રહ્યા હતા, જેમાં એવું કહેવાઈ રહ્યું હતું કે 'અમને માત્ર જીવ લેવાનું પસંદ છે' અને 'હાલમાં જ કેટલાંક બાળકો પર બૉમ્બ ફેંક્યા' છે.

આ સ્ક્રીનશૉટ સત્ય દર્શાવતા નથી. અને આવી તસવીરો ઇન્ટરનેટ પર ફ્રીમાં ઉપલબ્ધ ટૂલ્સથી કોઈ પણ બનાવી શકે છે.

ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સે ક્યારેય આવાં નિવેદનો ન તો પોતાના આધિકારિક ટ્વિટર હૅંડલ પર આપ્યાં છે અને ના કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર.

જે ટ્વિટર હૅંડલથી આ ટ્વીટ કરાયા હતા, તેનું પેલેસ્ટાઇન તરફી વલણ અને ઇઝરાયલવિરોધી ભાવનાઓ સ્પષ્ટપણે દેખાતી હતી.

આ ટ્વિટર યુઝરે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ વ્યંગ્ય લેખ લખે છે.

'નકલી જનાજા'નો વીડિયો ગાઝાનો નથી

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

જૉર્ડનમાં 'નકલી જનાજા'નો એક વીડિયો ગાઝાનો ગણાવીને સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરાયો

ઇઝરાયલી સોશિયલ મીડિયા પર સક્રિય કેટલાક લોકોએ એક વીડિયો શૅર કરવાની સાથોસાથ દાવો કર્યો પેલેસ્ટાઇનિયન લોકો એક જનાજાનું નાટક કરી રહ્યા હતા.

આ જે વ્યક્તિનો કથિત જનાજો હતો, તેઓ ગાઝામાં ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા.

ઇઝરાયલ સમર્થક આ યુઝરનો દાવો હતો કે પેલેસ્ટાઇનિયન લોકો આવું વિશ્વની સંવેદનાઓ પોતાના પ્રત્યે આકર્ષિત કરવા માટે કરી રહ્યા હતા.

વીડિયોમાં કિશોરોનું એક જૂથ પોતાના ખભા પર કંઈક લઈને ચાલી રહ્યો હતો, જે કોઈનો મૃતદેહ હોય તેવું લાગી રહ્યું હતું અને તે કફનમાં લપેટાયેલો હતો.

જેવો તેમને સાઇરનનો અવાજ સંભળાય છે, તેઓ મૃતદેહને જમીન પર જ મૂકીને ભાગી જાય છે. પોતાની જાતને એકલો ભાળીને કથિત મૃતદેહ પણ ખડો થઈ જાય છે અને ત્યાંથી ભાગવા માંડે છે.

અમે પોતાની તપાસમાં જાણ્યું કે આ વીડિયો માર્ચ, 2020માં પણ પોસ્ટ કરાયો હતો. એ પોસ્ટમાં એ રિપોર્ટ પણ શૅર કરાયો હતો જેના પરથી એવી ખબર પડે છે કે જૉર્ડનમાં છોકરાઓનો એક સમૂહ કડક કોરોના લૉકડાઉનથી બચવા માટે આ જનાજાનું નાટક કરી રહ્યો હતો.

આ વીડિયો ક્લિપને ઇઝરાયલ સમર્થક યુઝરોએ પ્રમુખ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'પૅલીવુડ' હૅશટૅગ સાથે સેંકડો વખત શૅર કર્યો.

'પૅલીવુડ' શબ્દ પેલેસ્ટાઇનિયન સિનેમાઉદ્યોગ માટે વપરાય છે.

'અલ અક્સા મસ્જિદમાં આગ' લાગવાવાળો વીડિયો નકલી હતો

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

એવા વીડિયો શૅર કરાયા જેમાં અલ અક્સા મસ્જિદમાં આગ લાગવાનો દાવો કરાયો હતો

કેટલાક પેલેસ્ટાઇનિયન સમર્થક લોકોએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે તેમાં પૂર્વ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ બળી રહી છે.

આ લોકોનો એવો દાવો છે કે અલ-અક્સા મસ્જિદમાં લાગેલી આગ માટે ઇઝરાયલ જવાબદાર છે.

આ વીડિયો અસલી છે પરંતુ તેમાં જોડવામાં આવેલાં કેટલાંક વધારાનાં ફૂટેજને અલગ-અલગ ઍંગલથી જોવા પર એ સ્પષ્ટ થાય છે કે આગ મસ્જિદમાં નહોતી લાગી પરંતુ તેની પાસે આવેલા એક ઝાડમાં લાગી હતી.

જૂના જેરૂસલેમ શહેરમાં રહેલી મસ્જિદ અલ અક્સા ઇસ્લામનાં સૌથી પવિત્ર સ્થળો પૈકી એક મનાય છે.

પરંતુ આ જગ્યા યહૂદી ધર્મ પાળનારા લોકો માટે પણ આટલી જ પવિત્ર છે. યહૂદીઓ તેને ટૅમ્પલ માઉન્ટ કહે છે.

વીડિયોમાં નવયુવાન યહૂદી ઇઝરાયલી લોકોના એક સમૂહને વેસ્ટર્ન વૉલ પાછળ પેલેસ્ટાઇનિયનવિરોધી ગીત ગાતા સાંભળી શકાય છે. વીડિયોમાં દૂર ધુમાડો ઊઠતો દેખાય છે.

ઇમેજ સ્રોત, TWITTER/ARIEH KOVLER

ઇમેજ કૅપ્શન,

મસ્જિદ પરિસરમાં રહેલા એક ઝાડમાં આગ લાગી હતી, જે કારણે કેટલાક લોકોને લાગ્યું કે મસ્જિદમાં આગ લાગી છે

આ આગ લાગવાને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે અને તેના પર વિવાદની સ્થિતિ છે.

ઇઝરાયલી પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પેલેસ્ટાઇનિયન લોકોએ ત્યાં ફટાકડા ફેંક્યા હતા, જેના કારણે આ આગ લાગી હતી.

પરંતુ પેલેસ્ટાઇનિયન પક્ષનું કહેવું છે કે ઇઝરાયલી અધિકારીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો, જેના કારણે આ આગ લાગી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે એ ઝાડા અલ અક્સા મસ્જિદથી માત્ર દસ મીટર દૂર આવેલું હતું.

આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મસ્જિદને કોઈ નુકસાન થયું નહોતું.

ગાઝાની સડકો પર મિસાઇલ દર્શાવનાર વીડિયો નકલી

ઇમેજ સ્રોત, FACEBOOK/MIVZAK LIVE

ઇમેજ કૅપ્શન,

હમાસના નિયંત્રણવાળા વિસ્તારોમાં 'ટ્રક પર મિસાઇલ'વાળો વીડિયો ખરેખર ઇઝરાયલના એક યુદ્ધાભ્યાસનો છે

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં દાવો કરાયો હતો કે પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ ટ્રકથી ફાયર કરાતી મિસાઇલ ગાઝાની સડકો પર લઈને જઈ રહ્યું છે.

આ વીડિયોમાં એક બાળકનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.

ઇઝરાયલ સમર્થક આ ટ્વિટર હૅંડલ અમેરિકાથી ઑપરેટ થઈ રહ્યો હતો. યુઝરે દાવો કર્યો હતો, "એક વાર ફરી આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે હમાસ યહૂદીઓની હત્યા કરવા માટે સામાન્ય શહેરીજનોનો ઉપયોગ કરી રહ્યું છે. તેઓ એ વાત જાણે છે કે ઇઝરાયલ માસૂમ લોકોને નુકસાન નહીં પહોંચાડે અને બદલાની કાર્યવાહી નહીં કરે."

જોકે અમને તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો 25 નવેમ્બર, 2018ના રોજ ફેસબુક પર અપલોડ કરાયો હતો. ફેસબુક પોસ્ટમાં એવી જાણકારી હતી કે ઇઝરાયલના ગૈલીમાં અબૂ સ્રેન શહેરનો આ વીડિયો છે.

સોશિયલ મીડિયા પર આવા દાવાઓની તપાસ કરનારા વિશેષજ્ઞ એરિક ટોલર માને છે કે આ વીડિયો ફુટેજ મિસાઇલોનાં મૉડલ છે જેનો ઉપયોગ ઇઝરાયલના સૈનિક અભ્યાસ દરમિયાન કરાયો હતો.

જે ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો પોસ્ટ કરાયો હતો, તેમણે બાદમાં તે ડિલીટ કરી દીધો અને 'ખોટી જાણકારી' માટે માફી માગી.

ઇમેજ સ્રોત, MohFW, GoI