ઇઝરાયલના જન્મની રક્તરંજિત કહાણી : કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો યહૂદીઓનો એકમાત્ર દેશ?

  • અનઘા પાઠક
  • બીબીસી મરાઠી સંવાદદાતા
જેરૂસલેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલે 14 મે 1948ના દિવસે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી.

બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને સાથી રાષ્ટ્રોનો વિજય થયો હતો, પરંતુ બ્રિટને યુદ્ધમાં ભારે ખુવારી સહન કરી હતી.

તેના માટે હવે દુનિયાભરમાં ફેલાયેલાં પોતાનાં સંસ્થાનો (કૉલોની) પર રાજ ચલાવવાનું મુશ્કેલ હતું.

તેથી તેણે એક પછી એક સંસ્થાનોમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું.

મે 1948માં બ્રિટને પેલેસ્ટાઇન છોડ્યું અને ત્યારબાદ અહીં આરબો અને યહૂદીઓ વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.

આરબો અને યહૂદીઓ ઘણાં વર્ષોથી પોતપોતાની માતૃભૂમિ માટે લડી રહ્યા હતા.

અંગ્રેજોની વિદાય પછી આ પ્રદેશ કોની માલિકીનો ગણાય તે સવાલ હતો.

આ સંઘર્ષમાં બંને પક્ષ એક સરખા ન હતા. આરબોની સરખામણીમાં યહૂદીઓ ઓછી સંખ્યામાં હતા,

પરંતુ તેઓ આ દિવસ માટે ઘણાં વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા. તેથી તેઓ ઇઝરાયલની રચનાનું સ્વપ્ન સાકાર કરવા માટે લડી લેવા સજ્જ હતા.

ઇઝરાયલે 14 મે 1948ના દિવસે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી.

લગભગ 2000 વર્ષ પછી યહૂદીઓનું એક સ્વતંત્ર રાષ્ટ્ર સર્જાયું હતું અને તે ચારે બાજુથી મુસ્લિમ દેશોની વચ્ચે ઘેરાયેલું હતું.

આરબોનું સંખ્યાબળ વધારે હતું, પરંતુ તાલીમ, નેતૃત્વ અને વ્યૂહરચનામાં યહૂદીઓ આગળ હતા.

ઇઝરાયલનાં પાંચ પડોશી રાષ્ટ્રો- ઇજિપ્ત, સીરિયા, જૉર્ડન, લેબનન અને ઇરાકે સાથે મળીને ઇઝરાયલ પર હુમલો કરી દીધો.

ઇઝરાયલની સ્થાપનાને હજુ માત્ર એક દિવસ થયો હતો અને તેના માટે અસ્તિત્વની લડાઈ શરૂ થઈ ગઈ.

આરબો ઇઝરાયલને દુનિયાના નકશા પરથી મિટાવી દેવા માગતા હતા, જ્યારે ઇઝરાયલ પોતાની જમીન પરથી તમામ આરબોને હાંકી કાઢીને પોતાની સરહદ વિસ્તારવા માગતું હતું.

આ સાથે એક સંઘર્ષની શરૂઆત થઈ જે 73 વર્ષ પછી હજુ પણ ચાલુ છે.

કોઈ પણ દેશની રચના કેવી રીતે થાય છે? કાં તો અગાઉથી તે પ્રદેશ અસ્તિત્વમાં હોય છે, અથવા તો એક દેશના વિભાજનમાંથી બે દેશ રચાતા હોય છે.

પરંતુ જ્યારે કોઈ નિશ્ચિત સરહદ ન હોય અને એક જ ધર્મના લોકો વિશ્વના વિભિન્ન ભાગોમાંથી આવીને તે પ્રદેશમાં વસવાટ શરૂ કરે ત્યારે તેઓ એક દેશ કેવી રીતે બનાવે? ઇઝરાયલની સ્થાપના વિશે આ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો હતો.

ઇઝરાયલના જન્મની કહાણી બહુ જટિલ અને અસ્પષ્ટ છે. આ લેખમાં કેટલીક જટિલ બાબતોને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ થયો છે.

આ લેખમાં ઇઝરાયલના ઇતિહાસ, ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષનાં મૂળ અને ઇઝરાયલ તથા આરબ રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધોની સમજણ પણ આપવામાં આવશે.

જેરૂસલેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

20મી સદીની શરૂઆતમાં બેથલેહમ

ઇઝરાયલની કહાણી 1095માં જેરૂસલેમથી શરૂ થાય છે.

નવેમ્બરની એક ઠંડી સવારે ફ્રાન્સના ક્લેરમોન્ટ શહેરમાં પોપ અર્બન દ્વિતિયે એક ભાષણ આપ્યું જેના કારણે યુરોપનો ચહેરો બદલાઈ ગયો.

તેમણે ભાષણમાં શું કહ્યું હતું? આ ભાષણના કારણે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે લડાઈની શરૂઆત થઈ જે 200 વર્ષ સુધી ચાલુ રહી.

ખ્રિસ્તીઓ તેને ક્રુસેડ (ધર્મયુદ્ધ) તરીકે ઓળખે છે જ્યારે મુસ્લિમો તેને જેહાદ કહે છે.

લૅટિન ચર્ચે 'પવિત્ર ભૂમિ' અને 'પવિત્ર શહેર'ને કબજે કરવા માટે 1095થી 1271 સુધી મુસ્લિમો સામે યુદ્ધ કર્યું હતું.

અહીં પવિત્ર ભૂમિ એટલે આજના ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જૉર્ડન, સીરિયા અને લેબનનનો કેટલોક હિસ્સો, જ્યારે પવિત્ર શહેર એટલે ઇઝરાયલ.

આ દરમિયાન ધર્મતંત્ર અને રાજ્ય વચ્ચે પણ યુદ્ધ ચાલતું હતું. ચર્ચનું વિભાજન થવાના કારણે ધર્મતંત્રમાં અસ્થિરતા આવી.

પોપ અર્બન દ્વિતીયે તેમાંથી રસ્તો શોધી કાઢ્યો. તેમણે કેટલાક 'વિદેશી, પાપી અને દુષ્ટ' દુશ્મનો સામે યુદ્ધની જાહેરાત કરી અને તેના માટે ખ્રિસ્તીઓને સંગઠિત કર્યા.

લગભગ એક લાખ ખ્રિસ્તી પુરુષો, મહિલાઓ અને બાળકોએ જેરૂસલેમ પહોંચવા નીકળી પડ્યા.

તેમણે નાનાં-નાનાં જૂથોમાં સાડા ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ શરૂ કર્યો.

સૌથી જૂનાં શહેરો પૈકી એક છે જેરૂસલેમ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ધ લૅન્ડ ઑફ હૉલી'માં મધ્યકાલીન ઇતિહાસના વિદ્વાન ડૉ. થૉમસ એસ્બ્રિજ જણાવે છે, "લોકોની આ ટુકડીઓ યુરોપમાંથી પસાર થતી ત્યારે તેમને જ્યાં યહૂદીઓ દેખાયા ત્યાં તેમના પર હુમલો કર્યો અને મારી નાખ્યા."

તે સમયે જેરૂસલેમ પર મુસ્લિમ શાસકોનું રાજ હતું અને તેમનું શાસન લગભગ 400 વર્ષથી અસ્તિત્વમાં હતું.

આ પ્રદેશમાં યહૂદીઓ બહુ ઓછી સંખ્યામાં હતા, છતાં તેમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું.

ખ્રિસ્તી ક્રુસેડરનું પ્રથમ જૂથ જેરૂસલેમ પહોંચ્યા બાદ ચાર વર્ષની અંદર જેરૂસલેમને કબજે કરવામાં આવ્યું.

ત્યાર પછી તેમણે જેરૂસલેમ અને આસપાસના પ્રદેશમાં લગભગ 100 વર્ષ (1099થી 1187) સુધી રાજ કર્યું.

અંતે સલાદ્દીનના મુસ્લિમ યોદ્ધાઓએ તેમને હરાવ્યા અને મુસ્લિમોએ ફરી એક વખત પવિત્ર ભૂમિને પોતાના કબજામાં લીધી.

જેરૂસલેમ એ વિશ્વના સૌથી જૂનાં શહેરો પૈકી એક છે.

આ શહેર પર અનેક જાતિઓએ શાસન કર્યું છે.

ઇ.સ. પૂર્વે 1700માં જેરૂસલેમ પર કેનેનાઇટ્સનું રાજ હતું.

ત્યાર પછી ઇજિપ્તના ફેરોએ શાસન કર્યું અને તેમના પછી ઇઝરાયલીઓ આવ્યા જેઓ આજના યુગના યહૂદીઓના પૂર્વજો ગણવામાં આવે છે.

ઇ.સ. પછીના 1000 વર્ષના પ્રથમ ભાગમાં ઇઝરાયલી લોકોનાં બે રાજ્ય હતાં. તેમાં આજના ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જૉર્ડન, લેબનન અને સિરિયાનો હિસ્સો સામેલ છે. પ્રાચીન ઇઝરાયલ અને જુડાનું રાજ્ય. જેરૂસલેમ એ જુડાના રાજ્યની રાજધાની હતી.

હિબ્રુ બાઇબલ અને બીજા કેટલાક ધાર્મિક ગ્રંથોમાં ઇઝરાયલના પ્રાચીન રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેના ઐતિહાસિક પૂરાવા બહુ ઓછા છે.

થોડા સમય પછી આ પ્રદેશ પર બેબિલોનવાસીઓ, પર્સિયનો, ગ્રીક (જ્યારે મહાન સિકંદરે આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું), રોમન, બાયઝેન્ટાઇન અને અંતમાં મુસ્લિમ શાસકોનું રાજ સ્થપાયું હતું.

'પોતાની ધરતી પર પાછા ફરશે યહૂદીઓ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પવિત્ર ચર્ચા

સત્તાધીશો બદલાતા રહ્યા અને છેલ્લે આ પ્રદેશ ઑટોમન સામ્રાજ્ય હેઠળ આવતો હતો.

1918માં પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટને સૌથી પહેલા આ સામ્રાજ્યને ખતમ કરી દીધું.

ઉપર જે પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને ઇઝરાયલની ભૂમિ અથવા પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉલ્લેખ અનુક્રમે હિબ્રુ બાઇબલ અને બાઇબલમાં થયેલો છે.

યહૂદીઓ માને છે કે જુડાઈઝમનો ઉદ્ભવ આ સ્થળે થયો હતો, અહીં જ ધર્મના નિયમો ઘડાયા હતા અને ઇશ્વરે આ ભૂમિ યહૂદીઓને સોંપી હતી.

આ ધાર્મિક માન્યતાઓ ઉત્પત્તિ અને હિજરતની વાર્તાઓ પર આધારિત છે જેનો ઉલ્લેખ હિબ્રુ બાઇબલમાં થયો છે.

આ ધાર્મિક ગ્રંથોમાં એવી આગાહી પણ કરવામાં આવી હતી કે એક દિવસ 'યહૂદીઓ પોતાની ભૂમિ (ઇઝરાયલની ભૂમિ) પર પાછા આવશે.'

યહુદી રાષ્ટ્રનો સિદ્ધાંત પણ આ આગાહી પર આધારિત છે. આ કારણોથી જ યહૂદીઓને પોતાનો દેશ સ્થાપવા માટે આ જ જમીન જોઈતી હતી.

રસપ્રદ વાત એ છે કે અહીં વસતા આરબ મુસ્લિમોને દુનિયા પેલેસ્ટાઇનવાસી તરીકે ઓળખે છે, પરંતુ સૌથી પહેલા આ પ્રદેશને ગ્રીક લેખકોએ પેલેસ્ટાઈન તરીકે ઓળખાવ્યો હતો અને રોમન શાસકોએ પણ તે નામનો જ ઉપયોગ કર્યો હતો. ઑટોમન શાસન સુધી આમ જ ચાલતું રહ્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયાનો નકશો બદલાઈ ગયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં થયા મહત્ત્વપૂર્ણ ફેરફારો

પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના અત્યારના સંઘર્ષની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ પછી થઈ હતી.

આ પ્રદેશ જ્યારે ઑટોમન સામ્રાજ્યનો હિસ્સો હતો ત્યારે પડોશની દેશો ઇજિપ્ત અને સીરિયાએ તેના પર વારંવાર હુમલા કર્યા હતા.

1840માં ઑટોમન સમ્રાટોએ બ્રિટનને મધ્યસ્થી કરવા અને આ હુમલા બંધ કરાવવા વિનંતી કરી. બ્રિટન આ માટે સહમત થયું, પરંતુ બદલામાં કેટલોક ફાયદો પણ લીધો.

તેના કારણે આ પ્રદેશમાં અમુક અંશે શાંતિ સ્થપાઈ અને તેનો સામાજિક તથા આર્થિક વિકાસ થયો.

ઑટોમન સામ્રાજ્ય પહેલેથી યુરોપ સાથે વ્યાપારી સંબંધો ધરાવતું હતું. યુરોપીયનો સાથે સતત સંપર્કમાં રહેવાના કારણે અહીં કેટલાંક પરિવર્તન પણ આવ્યાં. ત્યાં સુધી આ વિસ્તારમાં યહૂદીઓની વસતી નગણ્ય હતી.

આ જ સમયગાળામાં યુરોપમાં ઝાયનિસ્ટ આંદોલન વેગ પકડી રહ્યું હતું.

આ એક રાજકીય ચળવળ હતી જેનો હેતુ એક સ્વતંત્ર યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરવાનો હતો. હિબ્રુ બાઇબલમાં જેરૂસલેમ માટે 'ઝાયન' શબ્દનો ઉપયોગ કરાયો છે.

પ્રથમ વિશ્વયુદ્ધના કારણે આ પ્રદેશમાં ઘણું પરિવર્તન આવ્યું. તે સમયનું સૌથી મોટું મુસ્લિમ સામ્રાજ્ય રહેલું ઑટોમન સામ્રાજ્ય આ યુદ્ધમાં કૂદી પડ્યું અને તેણે રશિયા, ફ્રાન્સ અને બ્રિટન સામે એક લશ્કરી જેહાદ શરૂ કરી.

ઑટોમને ઇજિપ્ત પર હુમલો કરીને સુએઝ કેનાલને કબજે કરી લીધી જે તે સમયે બ્રિટિશ શાસન હેઠળ હતી.

ત્યાર પછીની કહાણી ઘણી લાંબી છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે યુદ્ધમાં ઑટોમન સામ્રાજ્યનો પરાજય થયો.

જર્મની પહેલેથી હારી ગયું હતું. આખરે ઑટોમન સામ્રાજ્યના કેટલાક ટૂકડા પાડીને તેમાંથી બ્રિટનના નિયંત્રણ હેઠળના પેલેસ્ટાઇન અને સીરિયા, તથા ફ્રાન્સના નિયંત્રણ હેઠળ લેબેનોનની રચના કરવામાં આવી.

પેલેસ્ટાઇન હવે બ્રિટનના સીધા અંકુશ હેઠળ હતું તેથી યહૂદીઓ માટે સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપવાની યુરોપિયન માગણી પ્રબળ બનવા લાગી.

બાલ્ફર ઘોષણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

યહૂદી લોકો માટે પવિત્ર દીવાલ

પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટોમન સામ્રાજ્ય પરાજયની અણી પર હતું ત્યારે બ્રિટને બાલ્ફર ઘોષણાની જાહેરાત કરી.

તે યુરોપમાં ચાલતી ઝાયનિસ્ટ ચળવળનું પરિણામ હતું. સ્વતંત્ર યહૂદી રાષ્ટ્ર માટેની માગણીને અહીંથી પ્રથમ સત્તાવાર માન્યતા મળી.

પરંતુ બાલ્ફર ઘોષણામાં એવું શું હતું?

"પેલેસ્ટાઇનમાં યહૂદી લોકો માટે એક અલગ દેશ સ્થાપવાને મહામહિમની સરકાર સમર્થન આપે છે. આ હેતુ પાર પાડવા માટે તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એવું માનવામાં આવે છે કે પેલેસ્ટાઇનમાં હાલમાં વસવાટ કરતા બિન-યહૂદી સમુદાયોના નાગરિક કે ધાર્મિક અધિકારોને હાનિ પહોંચે તેવી રીતે કંઈ કરવામાં નહીં આવે.

બીજા દેશોમાં યહૂદીઓને જે અધિકારો કે રાજકીય દરજ્જો મળે છે તે રીતે પણ કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે."

આ ઘોષણાપત્રની જાહેરાત પછી લીગ ઓફ નૅશન્સે બ્રિટનને યહૂદીઓ માટે એક રાષ્ટ્ર સ્થાપવા અને તે પ્રદેશનો વહીવટ કરવા જણાવ્યું.

અહીં આવીને વસવાટ કરનારા યહૂદીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો. 1920 અને 1940 વચ્ચે યહૂદીઓ અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા.

ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે લાખો યહૂદીઓની કતલ કર્યા પછી હજારો યહૂદીઓ જીવ બચાવીને આ પ્રદેશમાં આવી ગયા હતા.

બાલ્ફર ઘોષણામાં જણાવાયું હતું કે યહૂદીઓ માટે એક 'રાષ્ટ્રીય વતન'ની રચના કરવામાં આવશે.

આ પ્રદેશ બ્રિટિશ શાસન હેઠળ હતું, તેથી અહીં વસવાટ કરનારા યહૂદીઓને લાગ્યું કે ગમે ત્યારે ઇઝરાયલની સ્થાપના થશે અને એવું જ થયું.

બ્રિટને બાલ્ફર ઘોષણા શા માટે જાહેર કરી અને તેમણે યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર રચવાનું વચન શા માટે આપ્યું?

ઇઝરાયલ-આરબ સંઘર્ષના અભ્યાસુ અને જેરૂસલેમ નામે એક મરાઠી પુસ્તક લખનારાં લેખક નીલુ દામ્લે કહે છે કે, "તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેઓ આમ કરવા માટે દબાણ હેઠળ હતા."

દામ્લે કહે છે, "ઝાયનિસ્ટ ચળવળ લગભગ 1890ના દાયકામાં બ્રિટનમાં શરૂ થઈ હતી. આ ચળવળમાં સામેલ યહૂદીઓ બ્રિટનના શાહુકારો હતા. આ ચળવળના જાણીતા અગ્રણી રૉથચીલ્ડ તે સમયના વિખ્યાત ધનાઢ્ય હતા. યુરોપના ઘણા સંપત્તિવાન પરિવારો આ ચળવળમાં જોડાયેલા હતા. તેમને નારાજ કરવાનું બ્રિટનને પોસાય તેમ ન હતું, ખાસ કરીને યુદ્ધના સમયમાં સરકારને તેમના ભંડોળની જરૂર હતી ત્યારે તેમને નાખુશ કરી શકાય તેમ ન હતા."

પરંતુ આ ઘોષણા તમારી માલિકીનું ન હોય તે કોઈને ગિફ્ટમાં આપવા સમાન હતી, તેમ દામ્લે કહે છે.

"પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાયલની સ્થાપના થશે તેવું વચન આપવામાં બ્રિટને કંઈ ગુમાવવાનું ન હતું. તેમણે કોઈ ભોગ આપ્યો ન હતો."

ઇઝરાયલની સ્થાપના અને આરબ દેશો દ્વારા આક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલની સ્થાપના પછી ફાટી નીકળ્યું યુદ્ધ

નાઝી દુષ્પ્રચાર વધુને વધુ ઉગ્ર બનવા લાગ્યો તેથી યુરોપમાંથી યહૂદીઓ જીવ બચાવીને ભાગવા લાગ્યા.

પરંતુ બીજા દેશોના દરવાજા તેમના માટે બંધ હતા. યહૂદીઓના માઇગ્રેશનના કારણે પેલેસ્ટાઇનમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ હતી, તેથી બ્રિટને પણ યહૂદીઓનો પ્રવેશ અટકાવ્યો. ત્યાર પછી યહૂદીઓ આ પ્રદેશમાં ગેરકાયદે પ્રવેશવા લાગ્યા.

યહૂદીઓ અને આરબો વચ્ચે 1920 અને 1940 દરમિયાન સંઘર્ષ ચાલતો હતો. આ દરમિયાન ઘણી વખત રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે પેલેસ્ટાઇન પણ તેનાથી બચી ન શક્યું.

તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે યહૂદીઓનું એક સૈન્ય બનાવવાની દરખાસ્ત કરી જે બ્રિટન તરફથી લડે, પરંતુ બ્રિટિશ સરકાર અને મિલિટરીએ આ દરખાસ્ત ફગાવી દીધી. આરબોને અંગ્રેજ તરફથી લડવામાં રસ ન હતો.

તેમના નેતા અને જેરૂસલેમના મુફ્તીએ નાઝી જર્મની સાથે હાથ મિલાવ્યા.

આ દરમિયાન હગાના તરીકે ઓળખાતું યહૂદીઓનું એક સ્થાનિક અર્ધલશ્કરી દળ તૈયાર કરાયું હતું.

આરબોએ અંગ્રેજો સામે બળવો શરૂ કર્યો. જાફનામાં હુમલા કરવામાં આવ્યા.

બ્રિટને બળવો ડામી દેવા સૈન્ય બોલાવ્યું જેમાં 5,000થી વધુ આરબોએ જીવ ગુમાવ્યા. જેરૂસલેમના મુફ્તી અલ-હુસૈની જીવ બચાવીને ફ્રેન્ચ શાસિત સિરિયા નાસી ગયા.

બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી 1947માં બ્રિટન પેલેસ્ટાઇનના પ્રશ્નને યુનાઇટેડ નૅશન્સ (યુએન)માં લઈ ગયું.

યુએને એક સ્વતંત્ર યહૂદી રાષ્ટ્ર અને એક સ્વતંત્ર આરબ રાષ્ટ્ર રચવા તથા જેરૂસલેમ પર આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રાખવાનું સૂચન કર્યું.

યુએનની સામાન્ય સભામાં આ દરખાસ્ત મંજૂર થઈ અને એવું કહેવામાં આવ્યું કે યહૂદીઓને પેલેસ્ટાઇનમાં પ્રવેશતા અટકાવી ન શકાય.

બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન બહુ કપરી સ્થિતિમાં હતું. પેલેસ્ટાઇનમાં યહૂદીઓએ 1948માં પોતાની સ્વતંત્રતા જાહેર કરી અને ઇઝરાયલની સ્થાપના થઈ.

બે હજાર વર્ષ પછી યહૂદીઓને પોતાનો દેશ મળ્યો હતો. અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓએ તાત્કાલિક ઇઝરાયલને માન્યતા આપી.

બ્રિટને પેલેસ્ટાઇનમાંથી વિદાય લીધી. તે સાથે જ યહૂદીઓ અને આરબો વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. જૉર્ડન, સીરિયા, ઇરાક, લેબનન અને ઇજિપ્તે પેલેસ્ટાઇનના આરબોની આગેવાની લીધી. આ પાંચ દેશોએ સાથે મળીને ઇઝરાયલ પર હુમલો કર્યો.

ઇઝરાયલની સ્થાપનાને હજુ એક દિવસ પણ પૂરો નહોતો થયો ત્યાં તેના પર હુમલો થયો.

નવજાત રાષ્ટ્રની વસતી માત્ર આઠ લાખની હતી. અગાઉ આ દેશ અસ્તિત્વમાં જ ન હતો, તેથી કોઈ બીજા દેશ સાથે શસ્ત્રોના કરાર થયા હોવાનો સવાલ જ ન હતો. ઇઝરાયલી સૈન્યની સરખામણીમાં આરબોની સંયુક્ત સૈન્યશક્તિ ઘણી વધારે હતી.

પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે સાથી રાષ્ટ્રો વતી લડી ચૂકેલા અને કેટલાક વ્યૂહાત્મક યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલા સેનાના જનરલો યહૂદી હતા. તેઓ હવે ઇઝરાયલ વતી લડી રહ્યા હતા.

જૂનમાં યુએનની દરમિયાનગીરી પછી ઇઝરાયલ અને આરબ દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી. ઇઝરાયલને પોતાની જાતને શક્તિશાળી બનાવવાની તક મળી ગઈ. રશિયા જેવા મોટા દેશો પાછલા દરવાજે તેને મદદ કરી રહ્યા હતા.

ઇઝરાયલની તુલનામાં આરબ સેના વચ્ચે સંકલનનો અભાવ હતો. પાંચ આરબ દેશોના સૈન્ય સાથે મળીને પણ ઇઝરાયલનું અસ્તિત્વ મિટાવી ન શક્યા. પરંતુ તેમણે ઇઝરાયલનો કેટલોક પ્રદેશ કબજે કરી લીધો. જૉર્ડને વેસ્ટ બૅંકનો કબજો લીધો, ઇજિપ્તે ગાઝા પટ્ટીને અંકુશમાં લીધી. તેમણે પૂર્વ જેરૂસલેમ પણ ગુમાવ્યું.

ઇઝરાયલ પશ્ચિમ જેરૂસલેમ અને પેલેસ્ટાઇનના બીજા ભાગો પર નિયંત્રણ ટકાવી શક્યું. આ પ્રથમ આરબ-ઇઝરાયલ યુદ્ધ હતું.

1949માં ઇઝરાયલે જૉર્ડન, ઇજિપ્ત, સીરિયા અને લેબનન સાથે યુદ્ધવિરામની સંધિ કરી.

તેનો અર્થ એવો થયો કે આ પ્રદેશના જુદા જુદા ભાગો પર જેમનું નિયંત્રણ છે તે યથાવત્ રહેશે.

પરંતુ તેમણે યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડી. યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

નકબા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલના યહૂદીઓ અને આસપાસના આરબ દેશો વચ્ચે થયું ભીષણ યુદ્ધ

14 મે 1948નો દિવસ ઉજવણીનો દિવસ ગણાય કે શોકનો દિવસ તેનો આધાર તમે ગાઝા પટ્ટીના કયા ભાગમાં રહો છો તેના પર રહેલો છે.

પેલેસ્ટાઇનના લોકો તેને નકબા કહે છે. તેઓ 14 મે નહીં, પરંતુ 15 મેને પેલેસ્ટાઇનના ઇતિહાસમાં સૌથી કાળા દિવસ તરીકે ઓળખે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

15 મે, 1948ના રોજ લોકો તાળાં મારી ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા

ઇતિહાસકાર બેની મોરિસ તેમના પુસ્તક 'ધ બર્થ ઓફ ધ રિવાઇઝ્ડ પેલેસ્ટિનિયન રેફ્યુજી પ્રૉબ્લેમ'માં લખે છે, "14 મે 1948 પછીના દિવસે ઇઝરાયલી સેનાથી ભયભીત સાડા સાત લાખ પેલેસ્ટિનિયન નિરાશ્રિતોએ પોતાનું ઘર છોડીને પલાયન કર્યું. ઘણાને બળજબરીથી ભગાવી દેવાયા હતા. ઘણા લોકો પોતાના ઘરની ચીજવસ્તુઓ જેમની તેમ છોડીને ભાગી ગયા. કેટલાકે પોતાના ઘરના દરવાજે તાળાં માર્યાં અને નાસી ગયા. તેઓ તે તાળાં ખોલવા માટે ક્યારેય પાછા આવી ન શક્યા. તેમણે તે દિવસની યાદમાં માત્ર ચાવીઓ સાચવી રાખી છે."

પરંતુ ઇઝરાયલ આ વાત માનવા તૈયાર નથી. તે કહે છે કે પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલી સેનાના કારણે નહીં પરંતુ આરબ દેશોના આક્રમણથી ડરીને ભાગી ગયા હતા.

યુદ્ધવિરામની સંધિઓનો ઉપયોગ કરીને ઇઝરાયલે આ લોકોને તેમના ઘરે પાછા આવવા ન દીધા.

આ લોકોનાં ઘર કબજે કરવામાં આવ્યાં. આ પેલેસ્ટાઇનવાસીઓએ પડોશના દેશોમાં શરણાર્થી કૅમ્પ સ્થાપ્યા.

ઇઝરાયલી અને આરબ સૈન્ય વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે વિવાદનાં મૂળ

ઇઝરાયલના હાથે આરબોના પરાજયના કારણે રાજકીય સ્તરે ઊથલપાથલ મચી ગઈ. આ પ્રદેશમાં તે ઊથલપાથલની અસર આજે પણ અનુભવી શકાય છે.

આરબ દેશો આ પરાજયના ફટકામાંથી ક્યારેય બહાર આવી ન શક્યા. ઇઝરાયલ પણ એ ભૂલવાનું ન હતું કે તેના પડોશી દેશોએ તેને દુનિયાના નકશા પરથી ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષને ખબર હતી કે હજુ યુદ્ધ થશે.

ઇઝરાયલના હાથે પરાજય સહન કરનારા દેશોમાં સૈન્ય બળવા થવા લાગ્યા. સીરિયામાં સતત સત્તાપલટો થતો રહ્યો.

ઇઝરાયલ સામે લડનારા ઇજિપ્તના એક સૈન્ય અધિકારીએ અમુક યુવાન અધિકારીઓની મદદથી ઇજિપ્તના રાજાને સત્તા પરથી હઠાવવા બળવો કર્યો. આ અધિકારી હતા ગમાલ અબ્દુલ નાસર, જેઓ 1956માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતા.

તે જ વર્ષે તેમણે બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયલ સાથે ડખો કર્યો અને સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કર્યું. આ પગલાના કારણે તેઓ આરબ દેશોના નાયક બની ગયા.

સુએઝ નહેરના રાષ્ટ્રીયકરણ બાદ ફ્રાન્સ, બ્રિટન અને ઇઝરાયલે સાથે મળીને ઇજિપ્ત પર હુમલો કર્યો, પરંતુ આખરે તેમણે પીછેહઠ કરવી પડી. ઇજિપ્ત રાજદ્વારી રીતે આ યુદ્ધ જીતી ગયું હતું.

આગ હજુ સળગી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષમાં હજારોએ જીવ ગુમાવ્યા

ઇઝરાયલ કોઈ પણ મોટી શસ્ત્ર સહાય વગર 1948નું યુદ્ધ જિત્યું હતું. તેથી તેણે પોતાની સૈન્ય શક્તિ વધારવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે સખત મહેનત કરી અને 1965 સુધીમાં એક શક્તિશાળી સૈન્ય તૈયાર કર્યું.

તેમણે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા જેવા દેશો પાસેથી શસ્ત્રો મેળવ્યાં.

ઇઝરાયલમાં દસ લાખથી વધારે યહૂદીઓ હતા, તેથી તેમનું માનવ સંસાધન વધી રહ્યું હતું.

ઇઝરાયલ આવનારા માઇગ્રન્ટે કેટલાક સમય માટે સેનામાં ફરજ બજાવવી ફરજિયાત હતી.

બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપિયન યહૂદીઓ નાઝી જર્મનીમાં અત્યાચારનો ભોગ બન્યા હતા અને તેઓ નિરાશ્રિત થયા હતા. તેના કારણે ઇઝરાયલની નવી પેઢી માનવા લાગી કે તે યહૂદીઓ નબળા હતા.

પશ્ચિમનાં શક્તિશાળી રાષ્ટ્રો માનતા હતા કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળે તો પણ ઇઝરાયલનો હાથ ઉપર રહેશે.

અમેરિકન સૈન્યના વડાએ કહ્યું હતું કે ઇઝરાયલ એકલા હાથે આરબ દેશોની સામુહિક શક્તિનો સામનો કરવાનો આવે તો પણ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તે લડી શકશે.

તેલ અવીવમાં 1967માં ફરજ પર મુકાયેલા એક બ્રિટિશ અધિકારીએ નોંધ કરી હતી કે ઇઝરાયલી સૈન્યએ લીડરશિપ, તાલીમ, સંરક્ષણ ઉપકરણો અને લૉજિસ્ટિક્સમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.

બીબીસીના મધ્ય-પૂર્વના એડિટર જેરેમી બોવેન લખે છે, "ઇજિપ્તના નાસર ઇઝરાયલ સામે બદલો લેવા માગતા હતા. પરંતુ તેમની સેના તથા તેમના મિત્ર દેશ સીરિયાની સેના પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ ન હતી. તેમણે માત્ર મોટા દાવા કર્યા. નાસર આરબ વિશ્વનું નેતૃત્વ કરવા માંગતા હતા, પરંતુ આ દેશો વચ્ચે મતભેદ હતા."

"આરબો રાષ્ટ્રવાદ અને એકતા અંગે બહુ મોટા દાવા કરતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ વિભાજિત હતા. સીરિયા અને ઇજિપ્તના નેતાઓએ ફરિયાદ કરી કે જૉર્ડન અને સાઉદી અરેબિયાના આરબો તેમની વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે."

માત્ર છ દિવસની અંદર મધ્ય-પૂર્વની રાજનીતિ બદલાઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલે યુદ્ધમાં ગુમાવેલા વિસ્તારોનો ફરી કબજો મેળવ્યો

ઇઝરાયલ અને સીરિયા વચ્ચેનો સરહદી વિવાદના કારણે તણખો થયો અને યુદ્ધ ફાટી નીકળ્યું.

બીબીસીના મધ્ય-પૂર્વના એડિટર જેરેમી બોવેન લખે છે કે, "સીરિયાએ પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓને આશરો આપ્યો હતો. આ ઉગ્રવાદીઓ ઇઝરાયલ પર વારંવાર હુમલો કરતા હતા. તેના કારણે સેંકડો ઇઝરાયલી નાગરિકોના જીવ ગયા હતા."

"ઇઝરાયલ આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવા માગતું હતું. તેથી ઉગ્રવાદીઓએ જ્યારે ઇઝરાયલી સરહદમાં ઘુસણખોરી કરી ત્યારે તેને ત્રાસવાદી હુમલો ગણાવવામાં આવ્યો અને ઇઝરાયલે તેના જવાબમાં આકરી કાર્યવાહી કરી."

જૉર્ડનના કિંગ શાહ હુસેન ઇઝરાયલ સાથે ગુપ્ત મંત્રણા કરી રહ્યા હતા.

તેઓ માનતા હતા કે ઇઝરાયલ તેમના દેશ સામે આકરી કાર્યવાહી નહીં કરે.

પરંતુ નવેમ્બર 1966માં ઇઝરાયલી સેના જૉર્ડનના નિયંત્રણ હેઠળના વેસ્ટ બૅંકમાં સામુઆ ગામમાં પ્રવેશી.

શાહ હુસેનને ભારે આંચકો લાગ્યો. તેમણે યુએસ સિક્રેટ સર્વિસને જણાવ્યું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઇઝરાયલ સાથે ગુપ્ત મંત્રણા કરે છે અને ઇઝરાયલના પ્રતિનિધિઓએ તેમને સવારે જ જણાવ્યું હતું કે ઇઝરાયલ ક્યારેય વેસ્ટ-બૅંકમાં વળતો હુમલો નહીં કરે.

શાહ હુસેને વેસ્ટ બૅંકમાં માર્શલ લૉ લગાવી દીધો. હવે તેમને ખાતરી હતી કે વેસ્ટ બૅંકમાં રહેતા પેલેસ્ટાઇનવાસીઓ ગુસ્સામાં આવીને તેમને સત્તા પરથી દૂર કરશે.

તેમને એવો ભય પણ હતો કે જૉર્ડનની સેનાના નાસરતરફી અધિકારીઓ તેમની સામે બળવો કરશે અને તે સમયે જે અંધાધૂંધી થશે તેમાં ઇઝરાયલ હુમલો કરીને વેસ્ટ બૅંક કબજે કરી લેશે.

વિવાદાસ્પદ વિસ્તારોમાં ઇઝરાયલ આક્રમક રીતે આગળ વધી રહ્યું હતું. જે વિસ્તારોમાં સૈન્ય ન હતું ત્યાં તેમણે ઘાસ કાપવા માટે સૈન્યના ટ્રેક્ટરો દોડાવ્યાં.

બીજી તરફ સીરિયા અને ઇઝરાયલ પર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યાં હતાં.

7 એપ્રિલ 1967ના દિવસે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલની શક્તિની સામે સીરિયાએ મદદ માગવી પડી.

જેરેમી બોવેન લખે છે, "એક બ્રિટિશ ડિપ્લોમેટે જણાવ્યું તે રીતે ઇઝરાયલી સેનાની સામે આરબ સેનાઓ બહુ નબળી સ્થિતિમાં હતી."

"ગુસ્સે ભરાયેલા પેલેસ્ટાઇનના યુવાનો પૂછતા હતા કે ઇજિપ્તનું સૈન્ય ક્યાં છે? ઇઝરાયલ પર વળતો હુમલો કરવા નાસર પર દબાણ વધી રહ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મધ્ય-પૂર્વના રાજકારણમાં આવેલા પરિવર્તનમાં મહત્ત્વનું સોપાન સાબિત થયું આ યુદ્ધ

ઇજિપ્તના આર્મી જનરલ ફિલ્ડ માર્શલ અમીરે પોતાનાં દળોને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું.

પરંતુ ઇજિપ્તનું અડધાથી વધુ સૈન્ય પહેલેથી યમન સામે યુદ્ધમાં વ્યસ્ત હતું.

ઇજિપ્તની સેનાના ચીફ ઑફ ઑપરેશન્સ અનવર અલ કદીએ અમીરને આ વાત સમજાવી.

જનરલ અનવરે કહ્યું કે આપણે લડવાની જરૂર નથી. આપણે માત્ર આપણી શક્તિ દેખાડવાની છે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ નાસર પોતાની ઇમેજ બનાવવા માંગતા હતા. તેઓ દેખાડવા માંગતા હતા કે તેઓ એક આરબ દેશના બહાદુર નેતા છે જેઓ યહૂદી રાષ્ટ્રનો મુકાબલો કરી શકે છે.

તેમણે પોતાની સેનાને સિનાઈ સરહદે મોકલી અને ઇઝરાયલને તિરાનની ખાડીમાં અટકાવ્યું.

આધુનિક યુદ્ધવિમાનો ઉડાવતાં પાઇલટો વચ્ચે ઊભેલા નાસરના ફોટોગ્રાફ દુનિયાભરમાં પહોંચી ગયા.

તેઓ પોતાની જાતને એક મજબૂત નેતા તરીકે દર્શાવવા માંગતા હતા.

જૉર્ડનના શાહ માટે મુશ્કેલ સ્થિતિ પેદા થઈ. તેમનો એકમાત્ર હેતુ અંધાધૂંધીની વચ્ચે પોતાની સત્તા ટકાવી રાખવાનો હતો. તેથી તેમણે ખચકાટ સાથે નાસર સાથે એક સમજૂતિ કરી.

યુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં હતાં અને દરેક પક્ષ પોતાની ક્ષમતા દેખાડી રહ્યો હતો.

આરબ રેડિયો સ્ટેશન અને ઇઝરાયલી અખબારોએ દરરોજ એકબીજાને ધમકાવવાનું શરૂ કર્યું. પરંતુ અંતે ઇઝરાયલ પર દબાણ વધી ગયું.

સરકારે મોટી સંખ્યામાં મૃત્યુની અપેક્ષા રાખીને કોફિન એકત્ર કરવાનું શરૂ કર્યું.

ઇમરજન્સીની સ્થિતિ જોઈને ધાર્મિક નેતાઓએ જાહેર બગીચાઓને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યાં.

વડા પ્રધાન લેવી એશ્કોલને યુદ્ધનાં પરિણામોની ચિંતા સતાવવા લાગી. 28 મેએ તેમણે આપેલા ભાષણના કારણે લોકોની ગુંચવણ વધી ગઈ. તેઓ ભાષણ આપતા હતા ત્યારે અંદરથી હચમચી ગયા હોય તેમ લાગતું હતું. તેઓ વ્યવસ્થિત રીતે બોલી પણ શકતા ન હતા.

આ ભાષણ પછી ઇઝરાયલના સૈન્ય અધિકારીઓએ એક મિટિંગમાં પોતાના વડાપ્રધાનની ટીકા કરી.

બ્રિગેડિયર જનરલ એરિયલ શેરોને કહ્યું, "તમે આજે આપણા હાથમાં રહેલું સૌથી મોટું હથિયાર ગુમાવ્યું છે. તે હથિયાર હતું દુશ્મનોના મનમાં આપણા વિશે ભય પેદા કરવાનું."

યુદ્ધ લડવા માટે નિર્ણય લેવાયો. ઇરાકી સેના જૉર્ડનની ખીણ અને ઇઝરાયલ તરફ આવી ગઈ હતી. નાસરની ધારણા હતી કે 4 અથવા 5 મેના દિવસે ઇઝરાયલ હુમલો કરશે અને યુદ્ધ શરૂ થશે.

5 જૂને સવારે પોણા આઠ વાગ્યે તેલ અવીવમાં નેતાઓ ચિંતાતુર બેઠા હતા. ઇઝરાયલી ફાઇટર વિમાનોએ જૉર્ડન, સીરિયા અને બીજાં સ્થળોએ ઍરપોર્ટોને ઉડાવી દેવા માટે ઉડાણ ભરી.

ઇઝરાયલી ઍરફોર્સ આ માટે ઘણાં વર્ષોથી તૈયારી કરી રહ્યું હતું. તેમણે પોતાનું હોમવર્ક એટલું સચોટ રીતે કર્યું હતું કે તેમણે આરબ જનરલોના અવાજને ઓળખવા માટે એક અલગ સિસ્ટમ પણ વિકસાવી હતી.

આરબ દેશોની સેનાઓ ભેગી થઈ ત્યારે તેમના ઉપર બૉમ્બમારો શરૂ થયો.

માત્ર પાંચ દિવસની અંદર ઇઝરાયલે ઇજિપ્ત, જૉર્ડન અને સીરિયાની સેનાઓનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો.

તેણે ઇજિપ્ત પાસેથી ગાઝાપટ્ટી અને સિનાઇનું રણ આંચકી લીધું. સીરિયા પાસેથી ગોલાન હિલ્સ અને વેસ્ટ બૅંકનો કબજો મેળવ્યો તથા જૉર્ડન પાસેથી પૂર્વ જેરૂસલેમ આંચકી લીધું.

બે હજાર વર્ષ કરતાં વધુ સમયમાં યહૂદીઓએ પહેલી વખત જેરૂસલેમની પવિત્ર ભૂમિનો કબજો મેળવ્યો હતો.

આ વખતે પણ પેલેસ્ટાઇનના લોકોએ પોતાનાં ઘર છોડીને ભાગવું પડ્યું હતું. તેમનો હત્યાકાંડ કરવામાં આવ્યો, પરંતુ 1948ની સરખામણીમાં આ વખતે ઓછું લોહી વહ્યું હતું.

નાસરે રાજીનામું આપ્યું, પરંતુ લોકોના વિરોધ બાદ તેમણે રાજીનામું પાછું ખેંચ્યું. તેઓ પોતાના મૃત્યુ સુધી ઇજિપ્તના રાષ્ટ્રપતિપદે રહ્યા.

તેમના પછી રાષ્ટ્રપતિ બનેલા અનવર સદાતે ઇઝરાયલ સાથે ઐતિહાસિક શાંતિ કરાર કર્યા જેના કારણે તેમના પોતાના સુરક્ષા કર્મચારીઓએ જ તેમની હત્યા કરી નાખી.

ઇજિપ્તના આર્મી જનરલ અમીરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. તેમના પરિવારનો આરોપ હતો કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.

જૉર્ડનના શાસક શાહ હુસેને પૂર્વ જેરૂસલેમ ગુમાવ્યું હતું, પરંતુ તેમણે સત્તા ટકાવી રાખી.

જૉર્ડન અને ઇઝરાયલે 1994માં એક શાંતિ કરાર કર્યા.

સીરિયાના ઍરફોર્સ કમાન્ડર હાફીઝ અસાદે 1970માં દેશની સત્તા કબજે કરી અને 2000માં તેમના મૃત્યુ પછી તેમના પુત્ર બશર અલ-અસાદે સત્તા સંભાળી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો