અફઘાનિસ્તાન: લશ્કરગાહમાં રસ્તે રઝળે છે મૃતદેહો, લોકોને શહેર છોડી દેવા અપીલ

અફઘાન સેનાએ વળતો હુમલો શરૂ કર્યો છે. હજારો લોકો ફસાયા છે અને અનેક લોકો લશ્કરગાહ છોડી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, ELISE BLANCHARD/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

અફઘાન સેનાએ વળતો હુમલો શરૂ કર્યો છે. હજારો લોકો ફસાયા છે અને અનેક લોકો લશ્કરગાહ છોડી ચૂક્યા છે.

"તાલિબાનોને અમારી પર સહેજ પણ દયા નથી અને સરકાર બૉમ્બમારો બંધ નહીં કરે." આ શબ્દો છે દક્ષિણ અફઘાનિસ્તાનમાં જે હજારો લોકો યુદ્ધમાં સપડાયાં છે અને લશ્કરગાહ છોડી દેવા મજબૂર બન્યાં છે એ પૈકીની એક વ્યક્તિનાં.

બીબીસી સુરક્ષાના કારણસર લોકોનાં નામ જાહેર કરી રહ્યું નથી.

લશ્કરગાહમાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચે અનેક દિવસોથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે.

એક સ્થાનિકે બીબીસીની અફઘાન સેવાને એક વૉટ્સઍપ મુલાકાતમાં કહ્યું "રસ્તા પર મૃતદેહો રઝળે છે. એ સામાન્ય લોકોનાં છે કે તાલિબાનોનાં એ અમને નથી ખબર."

એમણે કહ્યું અનેક પરિવારો ઘર છોડીને હેલમંદ નદી નજીક આશરો લઈ રહ્યાં છે.

અન્ય એક સ્થાનિકે પણ બીબીસીને કહ્યું "શેરીઓમાં મૃતદેહો રઝળે છે."

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન,

હેરાતમાં રૉકેટ લૉન્ચર સાથે એક પોલીસકર્મી

અફઘાનિસ્તાનની સેનાએ સ્થાનિકોને લશ્કરગાહ છોડી દેવાની અપીલ કરી છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર અફઘાનિસ્તાન આર્મીએ લશ્કરગાહમાં તાલિબાન સામે વળતો હુમલો શરૂ કર્યો છે.

એક વિદ્યાર્થીએ બીબીસીને કહ્યું કે, " અમે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. મેદાન પર તાલિબાનની આગ છે અને આકાશમાંથી ઍરફોર્સ દારૂગોળો વરસાવી રહ્યું છે."

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, "લોકો ઘરો છોડી ચૂક્યા છે. દુકાનો બંધ છે, ક્ષતિગ્રસ્ત સરકારી અને લશ્કરી વાહનો રસ્તા પર પડ્યા છે. ગર્વનરના ઘર અને રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશકના ઘરથી નજીક યુદ્ધની સ્થિતિ છે. સરકારે કહ્યું હતું કે તે વધારે સૈનિકો મોકલે છે પણ એ જોવા નથી મળ્યા."

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે અફઘાનિસ્તાનને લઈને ગંભીર માનવીય સંક્ટની ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે મંગળવારે કહ્યું હતું કે લશ્કરગાહમાં 40 નાગરિકો મૃત્યુ પામ્યાં છે અને 100 નાગરિકો ઘાયલ થયા છે.

આ દરમિયાન અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને "અફઘાનિસ્તાન મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કટોકટીનું સત્ર બોલાવવાની અપીલ કરી છે."

એમણે કહ્યું કે, " આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાની હિંસા અને અત્યાચાર રોકવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. "

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું ભારત અસ્થાયી સભ્ય છે અને હાલ ઑગસ્ટ મહિનાનું અધ્યક્ષપદ ભારત પાસે છે.

તાલિબાનની આગેકૂચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વૉશિંગ્ટનસ્થિત 'ફાઉન્ડેશન ઑફ ડિફેન્સ ઑફ ડેમૉક્રસી' અનુસાર અમેરિકન સૈન્યના પરત ફરવાની જાહેરાત બાદ તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોની સંખ્યા ત્રણ ગણી વધીને 221 થઈ ગઈ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શહેરો તરફ આગેકૂચ કરી રહ્યું છે અને પ્રત્યેક કલાકે સ્થિતિ વધારે ભયાનક બની રહી છે.

અફઘાનિસ્તાનના એક મુખ્ય શહેર લશ્કરગાહમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે લડાઈ ફાટી નીકળી છે. લશ્કરગાહ તાલિબાનના કબજામાં જનારું પહેલું પ્રાંતીય પાટનગર બનશે એવી ભીતિ પણ સેવાઈ રહી છે.

અમેરિકા અને અન્ય વિદેશી સેનાની પરત ફરવાની જાહેરાત બાદ તાલિબાન ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાનું આધિપત્ય વધારવાની કોશિશ કરી રહ્યું છે.

વીડિયો કૅપ્શન,

અફઘાનિસ્તાનમાં ત્રણ મહત્ત્વના શહેરોના કબજા માટે તાલિબાન અને અફઘાન દળો વચ્ચે ભીષણ લડાઈ

તાલિબાનનું કહેવું છે કે એમણે શહેરનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જોકે, અફઘાન સરકારનું કહેવું છે કે તેઓ લશ્કરગાહને તાલિબાનના હાથમાં નહીં જવા દે.

સમાચાર સંસ્થા એએફપી સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને લખે છે કે લશ્કરગાહમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચેના હિંસક સંઘર્ષમાં છેલ્લા 24 કલાકમાં 40 નાગરિકો મૃત્યુ પામ્યાં છે અને 100 નાગરિકો ઘાયલ થયા છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ સુરક્ષામાં થઈ રહેલી ચૂક માટે અમેરિકન દળોના અચાનક પરત ફરવાના નિર્ણયને જવાબદાર ગણાવ્યો છે.

લગભગ અડધા અફઘાનિસ્તાન પર તાલિબાન અગાઉથી કબજો કરી ચૂક્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ઈરાન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પણ સામેલ છે.

વૉશિંગ્ટનસ્થિત સંસ્થા 'ફાઉન્ડેશન ઑફ ડિફેન્સ ઑફ ડેમૉક્રસી' અનુસાર અમેરિકાની સેનાના પરત ફરવાની જાહેરાત બાદ તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોની સંખ્યા ત્રણ ગણી વધીને 221 થઈ ગઈ છે. અફઘાન સરકાર આવનારા વર્ષ સુધીમાં પડી ભાંગે એવી અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે.

લશ્કરગાહના દક્ષિણમાં હેલમંદ પ્રાંતમાં ઉગ્રવાદીઓ દ્વારા ભારે હુમલા કરાઈ રહ્યા છે. તાલિબાને અહીં એક ટીવી સ્ટેશન કબજે કરી લીધું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ હિજરત કરવી પડી રહી છે.

ચારેકોર લડાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તાલિબાનનું સંપૂર્ણ ધ્યાન હવે અફઘાનિસ્તાનના શહેરો પર કબજો જમાવવાનું છે

"જ્યાં જુઓ ત્યાં લડાઈ ચાલી રહી છે," એક તબીબે બીબીસીને આ જાણકારી આપી છે.

આ વિસ્તારમાં ઉગ્રવાદીઓનો સામનો કરવા માટે સંખ્યાબંધ અફઘાન સૈનિકોને મોકલવામાં આવ્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષો બાદ લશ્કર પાછું બોલાવ્યા બાદ તાજેતરના મહિનાઓમાં તાલિબાને અહીંના કેટલાય પ્રાંતોમાં આગેકૂચ કરી છે.

અમેરિકા અને બ્રિટિશ મિલિટરી માટેના કૅમ્પનું હેલમંદ કેન્દ્રસ્થળ હતું. ત્યાં તાલિબાનનો કબજો અફઘાન સરકાર માટે મોટો ઝાટકો ગણાશે.

જો લશ્કરગાહનો કબજો અફઘાનિસ્તાનની સરકારના હાથમાંથી તાલિબાન પાસે જશે તો 2016 બાદ તાલિબાને જીતેલું તે પ્રથમ પ્રાંતીય પાટનગર બનશે.

જે ત્રણ પાટનગરો પર હુમલો કરાયો, તેમાં લશ્કરગાહની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. તાલિબાન લડવૈયાઓ હેરાત, લશ્કરગાહ અને કદંહારના અમુક હિસ્સાઓમાં પહેલાંથી જ પ્રવેશી ચૂક્યા છે.

રવિવારે તાલિબાને કંદહાર ઍરપૉર્ટ પર રૉકેટથી હુમલા કર્યા હતા અને તેની કામગીરી બંધ કરકવાની ફરજ પડી હતી. રવિવારે કંદહાર ઍરપૉર્ટ પર ત્રણ રૉકેટ હુમલા કરવામાં આવ્યા હતા.

અફઘાન લશ્કરના કમાન્ડરે ચેતવણી આપી છે કે જો તાલિબાન આ પ્રદેશ જીતી લેશે તો વૈશ્વિક સુરક્ષા માટે તે મોટું જોખમ હશે.

મેજર જનરલ સામી સદાતે બીબીસીને કહ્યું, "આ અફઘાનિસ્તાનની લડાઈ નથી. આ આઝાદી અને સર્વસત્તાવાદ વચ્ચેની લડાઈ છે."

સોમવારે અફઘાન પ્રસારણમંત્રીએ કહ્યું કે હેલમંદમાં આવેલા 11 રેડિયો સ્ટેશન અને ચાર ટેલિવિઝન સ્ટેશને પ્રસારણ બંધ કરી દીધું છે કેમ કે ત્યાં તાલિબાની હુમલા થઈ રહ્યા છે, એટલે જોખમ છે.

શનિવારે લશ્કરગાહમાં તાલિબાની લડવૈયાઓ રાજ્યપાલના કાર્યાલયની નજીક પહોંચી ગયા હતા.

જોકે, રાત સુધીમાં એમને પાછા ધકેલી દેવામાં આવ્યા.

તાલિબાન લશ્કરગાહમાં આટલે સુધી પહોંચી ગયું હોય એવું તાજેતરમાં બીજી વાર બન્યું છે.

બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન,

લગભગ અડધા અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે

તાલિબાનનું સમગ્ર ધ્યાન હવે અફઘાન શહેરો પર છે. સ્થિતિ બદલાઈ રહી છે પરંતુ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહ હાલ સૌથી નબળી સ્થિતિમાં લાગે છે. અહીં અમેરિકા અને બ્રિટનના કેટલાક સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

તાલિબાન સમર્થક સોશિયલ મીડિયા એકાઉન્ટોથી એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં તાલિબાન લડવૈયાઓ શહેરની મધ્યમાં જોવા મળી રહ્યા છે.

તાલિબાનીઓને પાછળ ખદેડવા માટે અફઘાન વિશેષ દળોને મોકલવામાં આવ્યાં છે, પરંતુ એક સ્થાનિક નિવાસીએ અમને જણાવ્યું કે જો આવું થાય છે તો પણ તાલિબાનનું આટલું આગળ વધવું તેમની તાકાત દર્શાવે છે.

માનવામાં આવે છે કે ચરમપંથીઓએ સામાન્ય લોકોનાં ઘરોમાં શરણ લીધી છે. જેમને હવે હઠાવવા મુશ્કેલ છે. આગળ હજુ વધુ લોહિયાળ જંગ જોવા મળી શકે છે.

તાલિબાન સતત મજબૂત થઈ રહ્યું છે અને તેના કારણે આ શહેરો પર માનવીય સંકટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

આવનારો સમય અફઘાનિસ્તાન માટે ખૂબ મહત્ત્વનો સાબિત થઈ શકે છે કારણ કે હાલ એ વાતનો અંદાજો પણ નથી લગાવી શકાતો કે અફઘાન સેના તાલિબાન સામે કેટલું ટકી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો