અફઘાનિસ્તાનના હેરાતમાં તાલિબાનને ટક્કર આપનાર ઇસ્માઇલખાનનું હવે શું થશે?

  • બીબીસી મૉનિટરિંગ
  • સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ
પાછલાં બે અઠવાડિયાંમાં મોહમ્મદ ઇસ્માઇલ ખાને હથિયાર ઉઠાવીને તાલિબાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે

ઇમેજ સ્રોત, MASSOUD HOSSAINI/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પાછલાં બે અઠવાડિયાંમાં મહમદ ઇસ્માઇલખાને હથિયાર ઉઠાવીને તાલિબાન વિરુદ્ધ સૈન્યકાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે

'લાયન ઑફ હેરાત'ના નામથી જાણીતા અફઘાનિસ્તાનના મહમદ ઇસ્માઇલખાનને તાલિબાનોએ અટકમાં લીધા છે.

અફઘાનિસ્તાનના મહમદ ઇસ્માઇલખાન હેરાત પ્રાંતની લડાઈમાં મોટો ચહેરો બનીને ઊભર્યા હતા.

રૉયટર્સ અનુસાર, તાલિબાન લડાયકોએ પશ્ચિમી શહેર હેરાત શહેર પર કબજો કર્યા બાદ શુક્રવારે અનુભવી કમાન્ડર મહમદ ઇસ્માઇલખાનને અટકમાં લીધા છે.

પાછલાં બે અઠવાડિયાંમાં ખાને હથિયાર ઉઠાવીને તાલિબાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું.

'વૃદ્ધ સિંહ'

મહમદ ઇસ્માઇલખાન, જેમને તેમના સમર્થક 'વૃદ્ધ સિંહ' કહે છે એક તાઝિક (તઝાકિસ્તાન સાથે સંબંધ ધરાવનાર) છે, અને આ સમૂહના સભ્યોનું તેમને ભારે સમર્થન હાંસલ છે.

તેમનો જન્મ વર્ષ 1946માં હેરાતના શિંદાંદ જિલ્લામાં થયો હતો અને તેઓ ઘણા સમયથી જમાત-એ-ઇસ્લામી રાજકીય દળના પ્રમુખ સભ્ય છે.

1978માં અફઘાન સેનામાં એક કૅપ્ટન તરીકે, તેમણે કાબુલમાં કૉમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ સૌથી મોટા વિદ્રોહની યોજના તૈયાર કરી હતી અને 1979માં અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણ બાદ તેઓ એક પ્રમુખ મુજાહિદ્દીન કમાન્ડર બની ગયા.

1980ના દાયકા દરમિયાન સોવિયેત સેના પરત ફરી ત્યારે, મોટા ભાગે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તેમણે એક મોટી મુજાહિદ્દીન સેનાને નિયંત્રિત કરી.

જ્યારે ઈરાન ભાગી જવું પડ્યું

ઇમેજ સ્રોત, AREF KARIMI/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ખાન 1992થી 1995 સુધી હેરાતના ગવર્નર રહ્યા. તાલિબાને પ્રાંત પર કબજો કર્યા બાદ તેઓ ઈરાન નાસી છૂટ્યા

1992થી 1995 સુધી હેરાતના ગવર્નર રહ્યા. તાલિબાને પ્રાંત પર કબજો કર્યા બાદ તેઓ ઈરાન નાસી છૂટ્યા.

એ બાદ તેમને તાલિબાને કેદ કરી દીધા, પરંતુ વર્ષ 2000માં તેઓ નાસી છૂટવામાં કામયાબ થયા. તે બાદ તેઓ તાલિબાનવિરોધી ઉત્તર ગઠબંધનમાં સામેલ થઈ ગયા.

જ્યારે 2001માં અફઘાનિસ્તાન પર અમેરિકાના આક્રમણે તાલિબાન શાસન સમાપ્ત કરી દીધું, ત્યારે તેઓ ફરીથી એક વખત હેરાતના ગવર્નર બન્યા.

ખાનના સમર્થકો તેમના શાસન દરમિયાન પ્રાંતમાં સાર્વજનિક બુનિયાદી આંતરમાળખા અને સરકારી સેવાઓમાં થયેલા મોટા સુધારાની પ્રશંસા કરે છે. તેમજ તેમના વિરોધી કસ્ટમ ડ્યૂટી મારફતે ભેગાં કરાયેલાં નાણાંને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળતા બદલ તેમની ટીકા કરે છે.

વર્ષ 2005માં હામિદ કરઝઈ સરકારમાં ખાનને જળ અને ઊર્જામંત્રી નીમવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર 2013 સુધી રહ્યા હતા.

વર્ષ 2014માં ખાન અને અબ્દુલ રબ રસૂલ સય્યકે સંયુક્ત ટિકિટ પર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી, પરંતુ તેઓ હારી ગયા.

તેમના જ શબ્દોમાં

ઇમેજ સ્રોત, AREF KARIMI/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પાછલાં અમુક વર્ષોમાં, અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં તાલિબાનની હિંસા વધ્યા બાદ ખાન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાની નિંદા કરતા રહ્યા છે

પાછલાં અમુક વર્ષોમાં અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં તાલિબાનની હિંસા વધ્યા બાદ ખાન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાની નિંદા કરતા રહ્યા છે.

એક સ્થાનિક પ્રાઇવેટ ટીવી ચેનલમાં તેમણે 4 ઑગસ્ટના રોજ એવું કહ્યું કે "હું અફઘાનિસ્તાનના લોકોને સ્પષ્ટપણે જણાવવા માગું છું કે આ યુદ્ધ તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર વચ્ચેનું નથી, આ અફઘાનિસ્તાન રાષ્ટ્ર વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ છે."

"તાલિબાન એક ઉપકરણ છે અને તેઓ ભાડાના સૈનિકોની જેમ કામ કરે છે."

આવી જ રીતે માર્ચ 2017માં 'એરિયાના ન્યૂઝ' સાથે વાત કરતાં ખાને કહ્યું, "તાલિબાનને એ સત્યનો અહેસાસ થઈ જાય તો સારું કે જ્યાં સુધી તમામ અફઘાન લોકો એક સંયુક્ત અફઘાનિસ્તાન બનાવવાનો નિર્ણય એક સાથે નહીં કરે ત્યાં સુધી ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને અન્ય દેશોનું સમર્થન પ્રાપ્ત કરવાથી તેમને કશું હાંસલ નહીં થાય."

જુલાઈ, 2021માં જ્યારે તાલિબાન હેરાતની નજીક પહોંચ્યું ત્યારે પ્રાંતના લોકોના સાહસની સરાહના કરી.

તેમણે કહ્યું, "અમારા લોકો સાચું જ કહી રહ્યા છે કે તેમણે (તાલિબાને) શહેરની નજીક નહોતું આવવું જોઈતું. વિવિધ જિલ્લાના પતનને લીધે તાલિબાન શહેરની એકદમ નજીક આવી ગયું છે. પરંતુ અમારા લોકો, ભાઈઓ અને બહેનોએ ઉઠાવેલાં પગલાંએ (તાલિબાન વિરુદ્ધ વિદ્રોહ) ઘણી મદદ કરી છે."

હેરાતમાં તાલિબાન સામે બાથ ભીડી રહેલા લોકોને પૂરતી મદદ પહોંચાડવામાં અસફળ રહેવા બદલ ખાને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

તેમણે 4 ઑગસ્ટના રોજ એરિયાના ન્યૂઝ ટીવી ચેનલને કહ્યું કે, "તેઓ (સરકાર) પોતાના વાયદા સારી રીતે પૂરા નથી કરતા. ઉદાહરણ તરીકે, હથિયાર અને જે અન્ય સુવિધાઓ તેમણે અમને પહોંચાડવાનો વાયદો કર્યો હતો, તે હજુ સુધી અમને નથી મળ્યાં. હજારો યુવાનો હેરાત શહેરની સુરક્ષા માટે તૈયાર છે."

અન્યો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હેરાતમાં તાલિબાન વિરુદ્ધ સૈન્યઅભિયાનનું કેન્દ્ર સરકાર અને પ્રમુખ અફઘાની નેતાઓએ સ્વાગત કર્યું છે

હેરાતમાં તાલિબાન વિરુદ્ધ સૈન્યઅભિયાનનું કેન્દ્ર સરકાર અને પ્રમુખ અફઘાની નેતાઓએ સ્વાગત કર્યું છે.

'હાઈકાઉન્સિલ ઑફ નેશનલ રિકન્સિલિએશન'ના ચૅરમૅન અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું, "અમે અમારા મુજાહિદ ભાઈ અમીર મહમદ ઇસ્માઇલખાન, નાગરિકો અને સૈન્ય અધિકારીઓના યુદ્ધ નેતૃત્વ અને સાહસની સરાહના કરીએ છીએ. અમે આ મુદ્દે પોતાના લોકોનું પૂરી તાકાત સાથે સમર્થન કરીએ છીએ."

જમાત-એ-ઇસ્લામીના નેતા સલાહુદ્દીન રબ્બાનીએ કહ્યું કે, "હાલ, નાયક અમીર મહમદ ઇસ્માઇલખાનના નેતૃત્વમાં હેરાતમાં થઈ રહેલો વીરોનો પ્રતિરોધ ગર્વની વાત છે અને અમે તેની સરાહના કરીએ છીએ."

"આ પ્રતિરોધ જણાવે છે કે આ સંવેદનશીલ સ્થિતિમાં લોકો પોતપોતાની ગરિમા અને મૂલ્યોનું રક્ષણ કરી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો