ક્લાઇમેટ ચેન્જ : આઈપીસીસીનો રિપોર્ટ માનવજાત માટે 'જોખમની ચેતવણી'

આગ અને ફાયર ફાઇટર

ઇમેજ સ્રોત, EPA

સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે ગ્લોબલ વૉર્મિંગ તીવ્ર બની રહ્યું છે અને તેના માટે સ્પષ્ટ રીતે માનવજાત જ કારણભૂત છે.

ઇન્ટર ગવર્ન્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી)એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં 2030 સુધીમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને એ વધારો એક દાયકા પહેલાં જ થઈ જશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વધતા ઉષ્ણતામાનને કારણે સમગ્ર વિશ્વમાં ઋતુઓ સંબંધી ભયંકર આપદાઓ આવશે.

બરફની ચાદરો પીગળવાની, સમુદ્રની વધતી સપાટી અને વધતી અમ્લતા જેવા અપરિવર્તનીય ફેરફારોનો સામનો વિશ્વ પહેલાંથી જ કરી રહ્યું છે.

આઈપીસીસીનાં વડા વેલેસી મેસન-ડેલોમોટે જણાવ્યું છે કે કેટલાક ફેરફારો એકસો કે હજારો વર્ષ સુધી ચાલતા રહેશે. ઉત્સર્જનમાં ઘટાડા વડે જ તેની ગતિ ધીમી કરી શકાશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાયુમંડળને ગરમ કરતા ગૅસનું ઉત્પાદન જે રીતે થઈ રહ્યું છે તેને કારણે માત્ર બે દાયકામાં જ ઉષ્ણતામાનની મર્યાદા તૂટી ગઈ છે.

આ અભ્યાસ સાથે જોડાયેલા શોધકર્તાઓ માને છે કે વર્તમાન હાલતને ધ્યાનમાં લેતાં, આ સદીના અંત સુધીમાં સમુદ્રનું જળસ્તર લગભગ બે મીટર જેટલું વધી જવાની આશંકાનો ઇનકાર નહીં કરી શકાય.

જોકે, તેની સાથે એવી આશા પણ છે કે ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરીને વધતા ગરમાટાને સ્થિર કરી શકાય છે.

ઇમેજ સ્રોત, Reuters

સંયુક્ત રાષ્ટ્રસંઘની આઈપીસીસીનાં 42 પાનાંનો આ અહેવાલને નીતિ ઘડતા લોકો માટે સારાંશ ગણવામાં આવે છે.

આ રિપોર્ટ, આગામી મહિનાઓમાં રજૂ થનારા તબક્કા વાર રિપોર્ટ્સની પહેલી કડી છે, જે ગ્લાસગોમાં યોજાનારા જળવાયુ સંમેલન, COP26) માટે મહત્વની હશે.

2013 પછીનો આ એવો પહેલો રિપોર્ટ છે કે જેમાં જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા વિજ્ઞાનનું વ્યાપક રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેશનું કહેવું છે કે "આઈપીસીસી વર્કિંગ ગ્રૂપનો પહેલો રિપોર્ટ માનવજાત માટે જોખમનો સંકેત છે."

વીડિયો કૅપ્શન,

શું 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે?

એન્ટોનિયો ગુટરેશે એમ પણ જણાવ્યું હતું કે જળવાયુ સંબંધી કટોકટીને સાથે મળીને નિવારી શકાય તેમ છે, પરંતુ તેમાં કોઈ વિલંબની હવે શક્યતા નથી અને હવે કોઈ બહાનું કાઢવાથી કામ ચાલવાનું નથી એવું આ રિપોર્ટ સ્પષ્ટ જણાવે છે.

એન્ટોનિયો ગુટરેશે આગામી જળવાયુ સંમેલનને સફળ બનાવવાની અપીલ વિવિધ દેશોના નેતાઓ તથા તમામ પક્ષકારોને કરી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની આઈપીસીસીએ 14,000થી વધારે વૈજ્ઞાનિક દસ્તાવેજોનો અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે.

આગામી દાયકાઓમાં જળવાયુ પરિવર્તનને કારણે દુનિયા કઈ રીતે બદલાશે તેના વિશેનો આ સૌથી તાજો રિપોર્ટ છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ બહુ મોટા સમાચાર હોવાની સાથે "આશાનો એક નાનકડો ટુકડો પણ છે."

આ રિપોર્ટ મહત્ત્વનો શા માટે?

ઇમેજ સ્રોત, REUTERS/YVES HERMAN

પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે સરકારો માટે ઉત્સર્જનમાં ઘટાડા સંબંધે આ રિપોર્ટ એક મોટી ચેતવણી સમાન છે. જળવાયુ પરિવર્તનના વિજ્ઞાન બાબતે આઈપીસીસીએ અગાઉ 2013માં અભ્યાસ કર્યો હતો અને વિજ્ઞાનીઓ માને છે કે એ પછી તેઓ ઘણુંબધું શીખ્યા છે.

ગત વર્ષોમાં દુનિયાએ રેકૉર્ડતોડ ઉષ્ણતામાન, જંગલમાં આગ અને વિનાશક પૂરની ઘટનાઓ જોઈ છે. આઈપીસીસીના કેટલાક દસ્તાવેજો દર્શાવે છે કે માણસોને કારણે થયેલા ફેરફારે પર્યાવરણની હાલત એટલી ખરાબ કરી છે કે તેને હજારો વર્ષની મહેનત પછી પણ સરખું કરી શકાય તેમ નથી.

આઈપીસીસીની આ રિપોર્ટનો ઉપયોગ બ્રિટનના ગ્લાસગો ખાતે નવેમ્બરમાં યોજાનારા COP26 સંમેલનમાં પણ કરવામાં આવશે.

જળવાયુ પરિવર્તનને નિયંત્રણમાં લાવવા બાબતે સહમતી સધાઈ જાય તો સંયુક્ત રાષ્ટ્રસંઘનું COP26 સંમેલન એક મહત્ત્વની ઘટના બની શકે છે.

196 દેશોના નેતાઓ સાથે મળીને એક મોટા લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરશે અને એ માટેના ઉપાયો માટે સહમતી દર્શાવશે.

એ સંમેલનનું નેતૃત્વ કરી રહેલા બ્રિટનના મંત્રી આલોક શર્માએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે પોતાને વિનાશથી બચાવવાનો લગભગ બધો સમય હવે દુનિયા ગુમાવી ચૂકી છે અને જળવાયુ પરિવર્તનનો પ્રભાવ અત્યારે યથાવત્ છે.

વીડિયો કૅપ્શન,

માણસનું શરીર કેટલી હદ સુધી ગરમી સહન કરી શકે?

લીડ્સ યુનિવર્સિટીના જળવાયુ પરિવર્તનના નિષ્ણાત પ્રોફેસર પીયર્સ ફૉર્સ્ટર કહે છે, "આજે આપણે જે બધું અનુભવી રહ્યા છીએ તે વિશેનું ઘણું વ્યક્ત કરવા માટે આ રિપોર્ટ સક્ષમ છે. ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનથી કેટલું નુકસાન થઈ રહ્યું છે અને એ અત્યંત ખતરનાક બનતું જાય છે એ વાત પણ આ રિપોર્ટ સ્પષ્ટપણે જણાવી શકે તેમ છે."

તેમણે એલબીસીને કહ્યું હતું, "આ રિપોર્ટ બહુ બધા માઠા સમાચાર લઈને આવશે, જે જણાવશે કે આપણે ક્યાં છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. તેની સાથે આ રિપોર્ટ આશાનો એક દસ્તાવેજ પણ છે, જે મને લાગે છે કે જળવાયુ પરિવર્તન વિશે વાતચીત માટે સારી વાત છે."

નિષ્ણાતોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે ધરતીનું ઉષ્ણતામાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધે તો પણ તેનું પરિણામ અત્યંત ગંભીર હોઈ શકે છે.

ઔદ્યોગિકીકરણ પહેલાના સ્તરથી વૈશ્વિક ઉષ્ણતામાન અત્યારે 1.2 ડિગ્રી વધી ચૂક્યું છે.

2015માં થયેલા પેરિસ જળવાયુ કરાર હેઠળ વિશ્વનું સરેરાશ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી વધારે નહીં વધવા દેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તાપમાન દોઢ ડિગ્રીથી ઉપર વધવા દેવાશે નહીં.

સ્વૈચ્છિક સલાહકાર સંગઠન ઍનર્જી ઍન્ડ ક્લાઇમેટ ઇન્ટલિજન્સ યુનિટના રિચર્ડ બ્લૅક કહે છે, "આગામી દાયકાઓમાં ઉત્સર્જનમાં ઘટાડાની કોઈ યોજના અત્યાર સુધી નહીં બનાવનારા દેશો માટે COP26 પહેલાં પ્રકાશિત કરાયેલો આ અહેવાલ આંખો ઉઘાડનારો છે."

રિપોર્ટ પાસેથી ઘણી આશા

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક નિરીક્ષકો માને છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં વિજ્ઞાનમાં ઘણા મહત્ત્વના સુધારા થયા છે.

આઈપીસીસીની બેઠકમાં સામેલ થયેલા વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના ડૉક્ટર સ્ટીફન કૉર્નિલિયસ કહે છે, "આપણાં મૉડલ્સ બહેતર બની ગયાં છે. આપણે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિશે વધુ સારી સમજ ધરાવતા થયા છીએ. એ જ રીતે તેઓ ભવિષ્યના તાપમાનનું આકલન કરવા સક્ષમ છે અને પાછલાં વર્ષોની સરખામણીએ તેઓ વધારે સારા થયા છે."

"એ ઉપરાંત પાછલાં કેટલાંક વર્ષોમાં કોઈ વિજ્ઞાનનું સમર્થન કરતી બાબતોમાં વધારો થયો છે. હવે આપણે જળવાયુ પરિવર્તન અને મોટી મોસમી ઘટનાઓ વચ્ચેના સંબંધ વિશે જણાવી શકીએ તેમ છીએ."

2013માં પ્રકાશિત આઈપીસીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 1950 પછી જળવાયુ પરિવર્તનનું "મુખ્ય કારણ માણસ બની રહ્યો છે."

આગામી રિપોર્ટ્સમાં સંદેશો વધુ આકરો હશે. એ અહેવાલમાં, ઓદ્યોગિકીકરણ પૂર્વેના સ્તરના વૈશ્વિક તાપમાનની સરખામણીએ તેમાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારાની ચેતવણી આપવામાં આવે એ શક્ય છે.

ઇમેજ સ્રોત, Reuters

નિષ્ણાતોનું કહેવું છે કે ઉષ્ણતામાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો જળવાયુ પરિવર્તન પર તેનો અત્યંત ગંભીર પ્રભાવ પડશે.

માણસનો પ્રભાવ સમુદ્ર, વાયુમંડળ અને આપણા ગ્રહનાં અન્ય પાસાંઓ પર કઈ રીતે પડી રહ્યો છે તે વિશે પણ આઈપીસીસી આ વખતે જણાવશે તેવી આશા છે.

સૌથી વધુ ચિંતા સમુદ્રના વધતા જળસ્તર વિશેની છે. આઈપીસીસીના પાછલાં અનુમાનના સંદર્ભમાં આ વિષય વિવાદિત છે, કારણ કે તેને ઘણા વિજ્ઞાનીઓએ ફગાવી દીધાં હતાં.

લંડનમાં યુસીએલના પ્રોફેસર આર્થર પીટરસન કહે છે, "સમુદ્રના જળસ્તરની ઉપલી સીમા જણાવવા બાબતે અગાઉ તેઓ ઇચ્છુક ન હતા, પણ અમને લાગે છે કે એ બાબતે ચેતવણી આપવાનો સમય આવી ગયો છે."

પાછલા કેટલાક મહિનાઓમાં જંગલમાં દવ લાગવાની અને પૂર આવવાની ઘટનાઓમાં થયેલા ઝડપી વધારા માટે જળવાયુ પરિવર્તનને કારણભૂત ગણવામાં આવે છે.

ઉષ્ણતામાન વધવાને કારણે મોસમે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોવાની જે ઘટનાઓ બની રહી છે તેને પણ આગામી રિપોર્ટ્સમાં સામેલ કરવામાં આવશે.

શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, EPA

પર્યાવરણ વિશ્લેષક રોજર હેરાબિન કહે છે કે આઈપીસીસીએ વૈજ્ઞાનિક શોધોનું મૂલ્યાંકન કર્યું છે. તેનો અર્થ એ થાય કે તમામ દેશોની સરકારો આ શોધમાં સામેલ છે.

તેઓ જણાવે છે કે આઈપીસીસીએ છેલ્લે 2013માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો અને શોધકર્તાઓ માને છે કે એ પછી ઘણુંબધું બન્યું છે.

રોજર હેરાબિન કહે છે, "લૂ અને મુશળધાર વરસાદનાં તમામ કારણોમાં એક કારણ જળવાયુ પરિવર્તન પણ હોઈ શકે છે, એ વાત સ્વીકારવા તેઓ અગાઉ તૈયાર ન હતા."

"જૂનમાં અમેરિકામાં ભયંકર ગરમીનો પ્રકોપ હતો. એ જળવાયુ પરિવર્તન વિના શક્ય જ નથી તેની હવે તેમને ખાતરી હશે."

"તેઓ કહે છે કે દુનિયા રોજેરોજ વધુને વધુ ગરમ થતી જાય છે. ખાસ કરીને ઉત્તર યુરોપમાં ગરમાટો વધી રહ્યો છે. મોસમનું ચક્ર બદલાશે તો દુષ્કાળમાં પણ વધારો થશે."

"આઈપીસીસીએ જેનો અભ્યાસ કર્યો હતો એ દસ્તાવેજો દર્શાવે છે કે સમુદ્રનું સ્તર વધવાનું સેંકડો કે સંભવતઃ હજારો વર્ષો સુધી ચાલુ રહેશે, કારણ કે ગરમી ઊંડા સમુદ્ર સુધી પહોંચી ચૂકી છે."

"આ શોધ એ વાતને પણ સમર્થન આપે છે કે રાજકીય નેતાઓ ઔદ્યોગિકીકરણ પહેલાંના સમયના વૈશ્વિક તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસના સ્તરે રોકવામાં સક્ષમ થશે તો મોટી પાયમાલીને રોકી શકાશે."

શું છે આઈપીસીસી?

ઇમેજ સ્રોત, Reuters

આઈપીસીસી સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સંસ્થા છે અને તેની રચના જળવાયુ પરિવર્તનના વિજ્ઞાનનું આકલન કરવા માટે 1988માં કરવામાં આવી હતી.

આઈપીસીસી વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારા સંબંધી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ કરાવે છે, જેથી તે એ હિસાબે પોતાની નીતિઓ ઘડી શકે.

જળવાયુ પરિવર્તન બાબતે તેના પહેલા વ્યાપક મૂલ્યાંકનનો પ્રથમ રિપોર્ટ 1992માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

એ શ્રેણીમાં હાલનો આ છઠ્ઠો રિપોર્ટ છે. તે ચાર ભાગમાં વિભાજિત છે અને પહેલો રિપોર્ટ જળવાયુ પરિવર્તનના ભૌતિક વિજ્ઞાન પર આધારિત છે.

તેના પ્રભાવ અને નિરાકરણની સમીક્ષા બાકીના હિસ્સાઓમાં હશે.

વિશ્વની 195 સરકારોના વિજ્ઞાનીઓ અને પ્રતિનિધિઓના અભ્યાસ તથા સૂચનોને આધારે તેનો સારાંશ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો