અફઘાન લોકોની એ આશા જેનું તરણું ઝાલી તાલિબાન શક્તિશાળી બન્યું

  • અબ્દુલ સૈયદ
  • રિસર્ચર, બીબીસી ઉર્દૂ માટે
તાલિબાન

ઇમેજ સ્રોત, VT Freeze Frame

ઇમેજ કૅપ્શન,

તાલિબાનના સ્થાપક સભ્ય અને મુલ્લા ઓમરના પ્રવક્તા મુલ્લા અબ્દુલ હયી મુત્તમીને પણ આ વિષય પર એક પુસ્તક લખ્યું છે.

અફઘાનિસ્તાનમાં દક્ષિણમાં આવેલા કંદહાર પ્રાંતમાં ઑક્ટોબર 1994માં મૌલવી મુલ્લા મહમદ ઉમરના નેતૃત્વમાં તાલિબાનની રચના કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત મુલ્લા અબ્દુલસલામ ઝઈફે તાલિબાનની રચના વિશે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કંદહાર અને આસપાસની મદરેસામાં ભણતા યુવાનોને એકઠા કરીને જૂથ બનાવાયું હતું.

વીડિયો કૅપ્શન,

Afghanistan માં મોતને હાથમાં લઈને નોકરી કરતાં મહિલાની આપવીતી, કેવી છે તેમની જિંદગી?

તેમના મતે, "મદરેસાના યુવાનોએ દેશમાં અશાંતિ ફેલાવનારા જેહાદી કમાન્ડરો અને તેમને ટેકો આપનારા ઉગ્રવાદીઓ સામે હથિયારો ઉપાડ્યાં હતાં. સુબાઓમાં અડ્ડો જમાવનારા જેહાદીઓને ભૂતપૂર્વ કૉમ્યુનિસ્ટોએ ટેકો આપેલો. તેમાંથી બચેલા લડવૈયાઓ પણ માનવતાને શરમ આવે તેવા જુલમો કરી રહ્યા હતા, તેની સામે હથિયારો ઉપાડવામાં આવ્યાં હતાં."

તાલિબાનના સ્થાપક સભ્ય અને મુલ્લા ઓમરના પ્રવક્તા મુલ્લા અબ્દુલ હયી મુત્તમીને પણ આ વિષય પર એક પુસ્તક લખ્યું છે.

તેઓ કહે છે કે કંદહાર સિવાય અફઘાનિસ્તાનના બીજા પ્રાંતોમાં, પશ્તુન બહુમતીવાળા પ્રાંતોમાં નાના પાયે શાંતિ આંદોલનો ચાલી રહ્યાં હતાં. સ્થાનિક મૌલવીઓએ પોતાની રીતે આ ઝુંબેશ ઉપાડી હતી, પણ તેની સાથે જોડાયેલા લોકો એકબીજા સાથે સંપર્કમાં નહોતા.

કંદહારમાં મુલ્લા ઉમરે પ્રાંતમાં અડ્ડો જમાવીને બેઠેલાં જેહાદી સંગઠનોના મુખ્ય કમાન્ડરોને હાંકી કાઢીને સત્તા અંકે કરી તે પછી બીજા પ્રાંતની મદરેસાનાં જૂથો પણ તેમની સાથે જોડાયાં.

લોકોએ કેમ તાલિબાનને ટેકો આપેલો?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

મુલ્લા ઓમરની તસવીર

મુલ્લા અબ્દુલ હયી મુત્તમીન અને મુલ્લા અબ્દુલસલામ ઝઈફના જણાવ્યા અનુસાર અફઘાન જેહાદી જૂથો એકબીજાં સામે લડી રહ્યાં હતાં તેના કારણે તાલિબાન ફાવી ગયું હતું.

પોતાના હરીફોને તાલિબાન ખતમ કરી નાખશે એમ સમજીને કંદહારનાં જૂથોએ ખાનગીમાં તાલિબાનને બિનશરતી ટેકો આપ્યો હતો.

તાલિબાનોએ આ ગેરસમજને બહુ ઝડપથી દૂર કરી અને બધા જ વંશીય, ભાષાકીય કે સાંપ્રદાયિક ભેદ વિના બધાં સંગઠનોને ખતમ કરી દીધાં.

દક્ષિણમાં તાલિબાનનું આ રૂપ જોયા પછી ઉત્તરના વિસ્તારોમાં જૂથો પરસ્પર દુશ્મનાવટ ભૂલીને તાલિબાનને હરાવવા એક થયાં, પરંતુ તેમના પ્રયત્નો સફળ થયા નહીં.

શરૂઆતથી જ તાલિબાનોને નજીકથી જોનારા અફઘાન પત્રકાર સમી યુસૂફઝઈનું કહેવું છે કે 1990ના દાયકામાં અફઘાનિસ્તાનમાં નામ માત્રની કેન્દ્ર સરકાર હતી એ તાલિબાનની સફળતાનું અસલી કારણ છે.

ઇમેજ કૅપ્શન,

મુલ્લા ઓમરની તસવીર

એ વખતે જેહાદી સંગઠનો એકબીજા સામે લડી રહ્યાં હતાં અને પ્રજા પરેશાન હતી. દેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપાશે એવી આશામાં પ્રજાએ તાલિબાનને ટેકો આપ્યો હતો.

લેખક અને પૂર્વ સંરક્ષણમંત્રી શાહ મહમૂદ મિયાખેલના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લાવવા ઉપરાંત તાલિબાનનાં કેટલાંક નિવેદનોથી પ્રજાને આશા જાગી હતી. તાલિબાન અફઘાનિસ્તાનના પૂર્વ શાસક ઝાહિરશાહને સત્તામાં બેસાડવા ઇચ્છે છે તેવી છાપ ઊભી થઈ હતી.

તેના કારણે એવી અપેક્ષા જાગી હતી કે સાત દાયકા પહેલાં હતું એવું મજબૂત કેન્દ્રીય શાસન અફઘાનિસ્તાનને મળશે.

યુસૂફઝઈનું કહેવું છે કે કાબુલ પર કબજો કર્યા પછી તાલિબાને એકદમ કટ્ટરવાદી સરકારની સ્થાપના કરી, બહારની

દુનિયા માટે અફઘાનિસ્તાનના દરવાજા બંધ કર્યા અને અફઘાન લોકો માટે નવી સમસ્યાઓના દ્વાર ખુલ્યા.

તાલિબાનની કટ્ટરપંથી સરકારથી અફઘાનિસ્તાનના લોકો નિરાશ થવા લાગ્યા. બીજી બાજુ તાલિબાન સત્તામાં આવ્યું એટલે અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત લડાઈના અનુભવી વિદેશી ઉગ્રવાદીઓનો ટેકો તેને મળ્યો. આ ટેકાને કારણે તાલિબાન સેનાની જમાવટ કરી શક્યું અને પકડ મજબૂત થઈ ગઈ.

તાલિબાનના ઉદયમાં પાકિસ્તાનની ભૂમિકા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

દેશમાં હિંસાને કારણે લોકોએ પોતાના ઘર છોડીને હિજરત કરવી પડી રહી છે

સત્તા પર આવ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનની બહાર રહેલા તેમના હજારો સાથીઓને દેશમાં પરત ફરવાનું કહ્યું.

ભારતના કબજાના કાશ્મીરમાં જેહાદી ભાંગફોડ કરી રહેલા ઘણા બધા જેહાદીઓ અફઘાન પરત ફર્યા.

આ ઉપરાંત, અલ-કાયદા સહિત આરબ દેશોના અને મધ્ય એશિયાનાં જેહાદી સંગઠનોના અનુભવી લશ્કરી નિષ્ણાતો પણ તાલિબાન સાથે જોડાઈ ગયા હતા.

વીડિયો કૅપ્શન,

અફઘાનિસ્તાનમાં બુરખા વિનાની આઝાદ મહિલાઓને ક્લિક કરનારાં ફોટોગ્રાફરની કહાણી

આ લશ્કરી નિષ્ણાતોએ તાલિબાનના યુદ્ધમોરચાઓને સંભાળી લીધા અને તેના સભ્યોને લશ્કરી તાલીમ પણ આપી.

તાલિબાન શાસનમાં આ રીતે વિદેશી આતંકવાદીઓ મહત્ત્વની ભૂમિકામાં આવી ગયા.

તેના કારણે તાલિબાન હકીકતમાં પાડોશી પાકિસ્તાનનું "પ્રૉક્સી ગ્રૂપ" છે, એવું વિરોધીઓ કહેવા લાગ્યા. વિશ્વભરના ઉગ્રવાદી જેહાદીઓ અહીં ભેગા થવા લાગ્યા હતા.

વિરોધીઓએ આ બાબતોનો પ્રચાર કર્યો અને તાલિબાન સામે લડવા માટે દુનિયાભરમાંથી મદદ મળવાની શરૂ થઈ.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય એજન્સીઓના અહેવાલો સૂચવે છે કે અલ કાયદા, મધ્ય એશિયના જેહાદી જૂથો અને હજારોની સંખ્યામાં પાકિસ્તાની લડવૈયાઓ હજુ પણ અફઘાન તાલિબાનને સાથ આપી રહ્યાં છે.

વિદેશી લડાયક જૂથોનો સાથ

તાલિબાન વિદેશી જેહાદીઓની હાજરીને નકારે છે, એટલું જ નહીં બહુ સિફતપૂર્વક એવું કહેવાયું છે કે આવાં ત્રાસવાદી જૂથો સાથે તાલિબાના ગઠબંધનના કોઈ પ્રમાણિત દસ્તાવેજી પુરાવા ઊભા થવા દીધા નથી, કે જેથી તેનો ઉપયોગ તાલિબાન સામે થઈ શકે.

પોતાને પાકિસ્તાનપ્રેરિત ગણવામાં આવે છે તે બાબત તાલિબાન માટે આંતરિક રીતે મોટી સમસ્યા છે. આવી છાપને કારણે જ અફઘાનિસ્તાનનો એક મોટો વર્ગ કાયમ તાલિબાનનો વિરોધ કરે છે.

અમેરિકામાં 9/11 હુમલા પછી પાકિસ્તાન સાથે તાલિબાનના સંબંધો ગાઢ બન્યા હતા.

ઉત્તર અફઘાનિસ્તાનનાં જૂથો ઉપરાંત તાલિબાને હવે એક મોટા શક્તિશાળી દુશ્મનનો સામનો કરવાનો હતો. તાલિબાને તેનો સામનો કરવા માટે એક મજબૂત રાજકીય વ્યૂહ અપનાવ્યો.

હક્કાની નેટવર્કની શું ભૂમિકા હતી?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

મુલ્લા ઓમરે હક્કાની નેટવર્કના વડા જલાલુદ્દીન હક્કાનીને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા કબીલાનો ટેકો મેળવવા મોકલ્યા હતા.

એક બાજુ અલ-કાયદા અને પાકિસ્તાનના અન્ય દુશ્મનોને સ્થાનિક અને વિદેશી લડવૈયાઓનો ટેકો હતો, બીજી બાજુ મુલ્લા ઉમરે હક્કાની નેટવર્કના વડા જલાલુદ્દીન હક્કાનીને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા કબીલાનો ટેકો મેળવવા મોકલ્યા હતા.

પાકિસ્તાની સેનાના પૂર્વ વડા જનરલ અસલમ બેગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હક્કાનીએ 2003ની શરૂઆતમાં રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં બેગ અને અન્ય અગ્રણીઓ સાથે મુલાકાત કરીને મુલ્લા ઉમરનો સંદેશ આપ્યો હતો.

9/11 પછી પાકિસ્તાને અમેરિકાને ટેકો આપવો પડે તે મજબૂરી છે તેમ જણાવીને તાલિબાનોને તેના પર ધ્યાન ના આપવા કહેવાયું હતું.

અફઘાનિસ્તાનની રાજનીતિ અને ઇતિહાસ પર નજર રાખનારા પાકિસ્તાનના વરિષ્ઠ રાજકારણી અફરાસીયાબ ખટકનું કહેવું છે કે 1990ના દાયકામાં પાકિસ્તાનને તાલિબાનનું સમર્થન કોઈ ખાનગી વાત રહી નહોતી. તે વખતે તેની વાત જાહેરમાં જ થતી હતી.

તેમનું કહેવું છે કે 9/11 પછી વૈશ્વિક રાજકારણના દબાણને કારણે પાકિસ્તાને જોકે જાહેરમાં તેનો નકાર કર્યો હતો, પણ અત્યારે સહકાર "અનેકગણો વધી ગયો છે".

9/11 પછીના ગાળામાં ઉછરેલી શિક્ષિત યુવા પેઢી તાલિબાનનો વિરોધ કરતી રહી હતી.

પાકિસ્તાન ખાનગીમાં તાલિબાનોને ટેકો આપે છે તે આ યુવાઓ જાણતા હતા અને તેથી તાલિબાનનો કટ્ટર વિરોધ કરતા હતા.

પહેલાંના અને હવેના તાલિબાનમાં ફરક છે?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

બદખ્શાં અને બાજુના તખાર પ્રાંતમાં તાજિક બહુમતી છે. આ બે પ્રાંતો ઉત્તરી ગઠબંધનના મજબૂત ગઢ હતા અને તાલિબાનને તેના પર કબજો કરવામાં સફળતા મળી નહોતી.

તાલિબાને બિન-પશ્તુન કબીલાઓને પોતાની સાથે જોડ્યા તેના કારણે તેની તાકાત વધી છે..

પાકિસ્તાની પત્રકાર અકીલ યુસૂફઝઈ કહે છે કે 1990ના દાયકાની તાલિબાન ઝુંબેશ અને આજના તાલિબાન વચ્ચે મોટો તફાવત એ છે કે 9/11 પછી તાલિબાનોએ બિન-પશ્તુન સમાજના લોકોને આગળ આવવામાં મદદ કરી હતી.

તેઓ માને છે કે આ કારણે ઉત્તરી અફઘાનિસ્તાનમાં પોતાનાં હરીફ જૂથોના ગઢમાં પણ તાલિબાનોનો પ્રભાવ વધ્યો.

અકીલ યુસૂફઝઈના મતે તાલિબાનનું વર્તમાન નેતૃત્વ આ સ્થિતિને જ દર્શાવે છે. જેમ કે તાલિબાન લશ્કરીઆયોગના નાયબ વડા, કારી ફસીહુદ્દીન મૂળ બદખ્શાં પ્રાંતના તાજિક કબીલાના છે.

બદખ્શાં અને બાજુના તખાર પ્રાંતમાં તાજિક બહુમતી છે. આ બે પ્રાંતો ઉત્તરના ગઠબંધનના મજબૂત ગઢ હતા અને તાલિબાનને તેના પર કબજો કરવામાં સફળતા મળી નહોતી. પરંતુ આ વખતે આ બન્ને પ્રાંતના જિલ્લાઓમાં જ તાલિબાને સૌ પ્રથમ કબજો કરી લીધો હતો.

ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાનો ફાવ્યા તેની પાછળ છેલ્લા બે દાયકાની રણનીતિ છે. આ પ્રાંતમાં જુદા-જુદા કબીલાઓ વચ્ચે સામાજિક અને આર્થિક ભેદભાવ હતો તેનો લાભ લઈને તાલિબાને કેટલાંક જૂથોને પોતાની સાથે કરી લીધાં.

ઇન્ટરનેશનલ ક્રાઇસીસ ગ્રૂપ અફઘાનિસ્તાનના યુવા અફઘાન સંશોધક ઇબ્રાહિમ બાહીસ કહે છે કે હવે તાજિક અને ઉઝબેક ઉપરાંત તાલિબાનની સ્થાનિક સંસ્થામાં હજારા સમુદાયના લોકો પણ સામેલ છે. 9/11 પહેલાં હજારા તાલિબાન સામે લડતા રહ્યા હતા.

બદલાયો અભિગમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

કેટલાક હથિયારધારીઓએ કાબુલને તાલિબાનથી બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો

તાલિબાને થોડા સમય પહેલાં તેના ટોચના નેતા મુલ્લા અમીરખાન મુત્તકીનો એક વીડિયો જાહેર કર્યો હતો. હજારા કબીલાના દાયકંડીમાં હજારા સમુદાયના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની મુલાકાતનો આ વીડિયો હતો.

આ વીડિયોમાં મુત્તકી શિયાપંથી હજારાને 'તાલિબાનના ભાઈ' તરીકે સંબોધી રહ્યા છે અને ભવિષ્યમાં તાલિબાન સરકારમાં સમાન પ્રતિનિધિત્વની ખાતરી આપી રહ્યા છે.

અકીલ યુસૂફઝઈના જણાવ્યા અનુસાર તાલિબાન પ્રારંભમાં પ્રાદેશિક રીતે વિચારતું હતું અને લક્ષ્ય અસ્પષ્ટ હતા. એક વર્ષમાં જ કાબુલ સહિત પચાસ ટકા પ્રદેશ પર નિયંત્રણ મળી ગયું અને અચાનક સત્તા આવી ગઈ જેની માનસિક રીતે કોઈ તૈયારી નહોતી.

તાલિબાનોએ હવે પોતાની સત્તાને ટકાવી રાખવા માટે તાકાત એકઠી કરવી જરૂરી હતી.

વિવિધ ક્ષેત્રો માટે પંચોની રચના કરાઈ

ઇમેજ સ્રોત, Alexander Zemlianichenko/Pool via REUTERS

ઇમેજ કૅપ્શન,

અફઘાન શાંતિવાર્તામાં ભાગ લેનારા તાલિબાનના ડેપ્યુટી લીડર મધ્યસ્થ મુલ્લા અબ્દુલ ઘની બરાદર

બાહસ કહે છે કે 1990ના દાયકામાં તાલિબાનની સેના પદ્ધતિસરની નહીં, પણ કબીલાના લડાયક ટુકડીઓ જેવી હતી. પરંતુ 2007 પછી તાલિબાનમાં સુગઠિત સંગઠન તૈયાર થયું હતું.

વ્યક્તિગત નેતાગીરી કે કબીલાના શાસનને બદલે લશ્કરી, રાજકીય, મીડિયા, નાણાકીય અને વિવિધ ક્ષેત્રો માટે પંચોની રચના કરવામાં આવી.

પ્રાંતોમાં અને જિલ્લાઓમાં સંગઠનનાં એકમો શરૂ થયાં અને પોતાના કબજાના વિસ્તારોમાં પ્રાંતીય અને જિલ્લા ગવર્નરોની નિમણૂકો કરાઈ. આ રીતે એક સમાંતર સરકારની રચના કરાઈ હતી.

બાહિસના જણાવ્યા અનુસાર પેટા-લશ્કરી જૂથો હતાં તેને નાબૂદ કરીને તેને સંગઠનના માળખામાં ગોઠવી દેવાયાં. આ માટે તૈયાર નહોતાં તેમને સંગઠનમાંથી હઠાવી દેવાયાં.

'તાલિબાન હવે એક સંગઠિત તાકાત બની ગયું છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અફઘાનિસ્તાનથી પાછા જઈ રહેલા અમેરિકન સૈનિકો

તાલિબાનના ટોચના નેતાઓના વિશ્વાસુ ખાલિદ જદરાન કહે છે કે તાલિબાનની શરૂઆત 1990ના દાયકામાં યુદ્ધ કે રાજકીય વ્યૂહરચનાથી અજાણ યુવા વિદ્યાર્થીઓ સાથે થઈ હતી, પરંતુ અત્યારે તાલિબાન એક સંગઠિત તાકાત છે.

ઝદરાન કહે છે કે તાલિબાને હવે એક સંગઠિત સેના તૈયાર કરી છે, જેમાં યુનિફૉર્મ સાથેના સૈનિકો હોય અને સુવ્યવસ્થિત માળખું હોય. તેમના જણાવ્યા અનુસાર તાલિબાને લગભગ એક લાખ સૈનિકોને તાલીમ આપીને તૈયાર કરેલા છે.

અમેરિકા સાથે સમજૂતી પછી તાલિબાનની સેનાના વીડિયો આપ્યા છે તેમાં આ દાવો સાચો લાગી રહ્યો છે. આધુનિક પદ્ધતિએ તાલીમ અને સેંકડો અધિકારીઓની નિમણૂકના આ વીડિયો છે.

તાલિબાનોએ તાલીમ સાથે તૈયાર થયેલા લડાયકોની ટુકડીનું નામ "ફતેહ કુવ્વત" (વિજય દળો) રાખ્યું છે.

ભવિષ્યમાં સત્તા મળે ત્યારે અફઘાનિસ્તાનમાં અને દેશની સરહદે શાંતિ જાળવવા માટે આધુનિક જરૂરિયાતો અનુસાર લશ્કરી તાકાત ઊભી કરાતી રહેશે એવો દાવો તેમણે કર્યો છે.

નોંધનીય છે કે દોહામાં કરાર બાદ તાલિબાન પોતાને અફઘાનિસ્તાનના ભાવિ શાસક તરીકે જોવા લાગ્યું હતું. પોતાના સમર્થકોને યાદ અપાવાતી રહી છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને તેના સાથીઓને બહાર કાઢવા એ જ તેમના યુદ્ધનો એક હેતુ હતો.

જોકે, 20 વર્ષની લડાઈ પછી સત્તા કબજે કરનારા તાલિબાનનું અસલી લક્ષ્ય તો ઇસ્લામી શાસન સ્થાપવાનું જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો