હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ધડાકામાં 13 અમેરિકનો સહિત 90 લોકોનાં મોત, અમેરિકા પર સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
કાબુલ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી છે
ગુરુવારે મોડી સાંજે કાબુલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર થયેલા બે ધડાકામાં 90 લોકોનાં મોત થયાં છે અને 150 લોકો ઘાયલ થયા છે.
ગઈ કાલે કાબુલમાં હુમલા અંગે અમેરિકા અને બ્રિટને ચેતવણી આપી હતી.
સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, કાબુલ ઍરપૉર્ટ પર બૉમ્બહુમલામાં તાલિબાનના કમસે કમ 28 સભ્યો માર્યા ગયા છે.
તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે "કાબુલ ઍરપૉર્ટ પર થયેલા ધડાકામાં અમેરિકનો કરતાં અમારા લોકો વધુ માર્યા ગયા છે."
જોકે આ હુમલા બાદ તેમણે કહ્યું કે અમેરિકનોને 31 ઑગસ્ટ બાદ અફઘાનિસ્તાનમાં રોકાવાની કોઈ જરૂર નથી.
પેન્ટાગોન અનુસાર આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને વર્ષ 2011 બાદ અમેરિકન સૈનિકો માટે આ સૌથી ખતરનાક હુમલો સાબિત થયો છે.
આ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે "આ હુમલા પાછળ જે કોઈ પણ છે, તેને અમે શોધી કાઢીશું અને તેની કિંમત ચૂકવવી પડશે."
"ના અમે તેને ભૂલશું કે ના માફ કરશું. આતંકવાદી, અમેરિકનોને અમારું કામ કરવાથી રોકી ન શકે. અમે કાબુલમાં અમારું મિશન નહીં રોકીએ અને લોકોને સુરક્ષિત અફઘાનિસ્તાનથી બહાર કાઢવા માટેનું કામ ચાલુ રહેશે."
ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે હુમલા બાદ પણ અમેરિકા અને અન્ય સહયોગી દેશોની અફઘાનિસ્તાન છોડવાની પ્રકિયા ચાલુ જ છે.
કાબુલ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી છે.
તેમણે પોતાની ટેલિગ્રામ ચેનલના માધ્યમથી કહ્યું કે ઍરપૉર્ટ પર હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ ખુરાસાનનો હાથ છે.
ઇસ્લામિક સ્ટેટ ખુરાસાને કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો. અગાઉ અમેરિકાના રક્ષા વિભાગે પણ આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
કાબુલ હુમલા પર કોણ શું બોલ્યું?
ઇમેજ સ્રોત, EPA/AKHTER GULFAM
ઍરપૉર્ટ ગેટ પર થયેલા ધડાકા બાદ ઊડતો ધુમાડો
આખા વિશ્વના દેશો હાલ અફઘાનિસ્તાનમાંથી પોતાના લોકોને સુરક્ષિત કાઢવાના મિશન પર કામ કરી રહ્યા છે, એવામાં આ ધડાકાથી તેમની ચિંતા વધી ગઈ છે.
અનેક રાજનેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
બ્રિટનના રક્ષા સચિવ ડોમિનિક રૉબે કહ્યું કે આ રીતની કાયરતાપૂર્વકની હરકત બ્રિટનને અફઘાનિસ્તાનમાં પોતાનું કામ કરતા રોકી શકે નહીં.
ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મેક્રોને એક નિવેદન જાહેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને એ લોકોને 'સલાલ ભરી કે જેઓ આ સમયે કાબુલમાં લોકોને સુરક્ષિત કાઢવાના મિશન પર સતત કામ કરી રહ્યા છે.'
નેટાના મુખ્ય સચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે આ ઘટનાને 'ભયાનક આતંકી હુમલો' ગણાવી છે અને કહ્યું કે 'શક્ય એટલા તમામ લોકોને અહીંથી સુરક્ષિત કાઢવા અમારી પ્રાથમિકતા છે.'
અમેરિકા પર સવાલો
કાબુલ ઍરપૉર્ટ પર બ્લાસ્ટને પગલે અમેરિકાની સામે સવાલ કરવામાં આવી રહ્યો છે.
કાબુલ ઍરપૉર્ટની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની જવાબદારી મામલે તાલિબાન પર ભરોસો કરવા બદલ અમેરિકાની ટીકા થઈ રહી છે.
ગુરુવારે સાંજે પત્રકારના સવાલોના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, "આ ભરોસાની નહીં પરસ્પર હિતોની વાત છે. ગ્રાઉન્ડ પર હાજર એક પણ કમાન્ડર દ્વારા એક પણ એવી સાબિતી નથી આપવામાં આવી જેનાથી જે કંઈ પણ થયું એમાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટનું મેળાપીપણું સાબિત થઈ શકે."
વિદેશ મંત્રી એન્થની બ્લિંકનને સવાલ કરવામાં આવ્યો હતો કે અફઘાનિસ્તાનમાં "જ્યારે એક માન્યતાપ્રાપ્ત સરકાર નથી બની ત્યારે તાલિબાન જે ઇચ્છે છે એના પર અમેરિકાએ શું કામ ધ્યાન આપવું જોઈએ?"
આના જવાબમાં એમણે કહ્યું, "ભલે આપણે એમને પસંદ કરીએ કે ન કરીએ, તાલિબાનનું અફઘાનિસ્તાનના એક મોટાં વિસ્તાર પર નિયંત્રણ છે. કાબુલ શહેર પર એમનો કબજો છે એમાં કોઈ શંકા નથી. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે એમને કાઢવા માટે એમની સાથે કામ કરવું જરૂરી છે."
વિદેશમંત્રી બ્લિંકને કહ્યું કે, "અફઘાનિસ્તાનમાંથી અમેરિકા નીકળી જાય એ પછી ત્યાં જે કંઈ પણ થાય છે એ અંગે તાલિબાન સાથે વાતચીત ચાલુ રખાશે."
એમણે કહ્યું, "ગત અમુક વર્ષોથી અમેરિકાએ તાલિબાન સાથે કૂટનૈતિક સંપર્ક બનાવી રાખ્યો છે જેથી અફઘાનિસ્તાનમાં શાંતિપૂર્ણ સમજૂતીની દિશામાં આગળ ધપી શકાય."
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો