અફઘાનિસ્તાનનો 'અબજોનો ખજાનો' તાલિબાનના રાજમાં કોને મળશે?

  • એલેક્સી કાલમિકૉવ
  • બીબીસી સંવાદદાતા

અફઘાનિસ્તાનની જમીન નીચે ધરબાયેલી અખૂટ સંપત્તિ પર દુનિયાના દેશોની નજર છે. ત્યાં સોનું, તાંબું અને ખૂબ ઓછી જગ્યાએ અને ઓછી માત્રામાં પ્રાપ્ય એવું લિથિયમ પણ છે. અનુમાન છે કે આ ખનીજોની કિંમત એક ટ્રિલિયન (એક લાખ કરોડ) ડૉલરથી પણ વધુ છે.

અફઘાન પર તાલિબાનોએ કબજો કર્યો, એ પછી પ્રશ્ન એ છે કે આ કુદરતી સંપદા પર અધિકાર કોનો હશે?

અમેરિકાએ વીસ વર્ષે અભિયાન પૂરું કર્યાની જાહેરાત કરીને જેવી સેનાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો કે તરત જ તાલિબાનીઓએ પોતાનો પ્રસ્તાર શરૂ કરી દીધો.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અફઘાનિસ્તાનમાં સોનું, તાંબું અને ખૂબ ઓછી જગ્યાએ અને ઓછી માત્રામાં પ્રાપ્ય એવું લિથિયમ પણ છે

વરસો સુધી યુદ્ધની હાડમારીઓ વચ્ચે ઝૂઝતા રહેલા આ દેશ પર ફરી એક વાર તાલિબાનોએ કબદો કરી લીધો છે, તો શું હવે એ ધરતી નીચે સંગ્રહાયેલી કુદરતી ખનીજ સંપત્તિ, માનવસંસાધનો અને ભૌગોલિક સ્થિતિનો તાલિબાનો ફાયદો લઈ શકશે?

સોવિયેટ (રશિયા) અને અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો છે કે અફઘાનિસ્તાનના પહાડો અને ઘાટીઓ (ખીણો)માં તાંબું, બૉક્સાઇટની સાથોસાથ સોનું અને આરસ જેવી કંઈ કેટલીય કીમતી ખનીજો ઉપલબ્ધ છે.

જોકે, હજી સુધી તો અફઘાનિસ્તાન એનું વેચાણ નથી કરી શક્યું, એનાથી થનારી કમાણી વડે સ્થાનિકોનું જીવનધોરણ બદલાઈ શકે છે.

ભારત, બ્રિટન, કૅનેડા અને ચીનના રોકાણકારોએ ત્યાં ઘણા ઍગ્રીમેન્ટ કર્યાં છે પણ કોઈએ હજી ખનન શરૂ નથી કર્યું.

વૈશ્વિક વ્યાપાર માટે ઉપલબ્ધ દેશોના કુલ 190 રૅન્કમાં વિશ્વ બૅન્કે અફઘાનિસ્તાનને 173મા ક્રમે રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય પારદર્શિતામાં ભ્રષ્ટ દેશોના રૅન્કિંગમાં કુલ 180માંથી અફઘાનિસ્તાન 165મા નંબરે આવે છે.

નકશો હાજર પણ ખનન નથી થતું

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ખનીજ મેળવવા કઈ કઈ જગ્યાઓ ખનન કરવા યોગ્ય છે એની જાણકારી તો ઘણાં વરસો પહેલાંથી છે

ખનીજ મેળવવા કઈ કઈ જગ્યાઓ ખનન માટે યોગ્ય છે, એની જાણકારી તો ઘણાં વરસો પહેલાંથી છે. 1960ના દાયકામાં સોવિયેટ સંઘના ભૂસ્તર વૈજ્ઞાનિકોએ એ માહિતી એકત્ર કરી હતી.

જોકે એ પછી લગભગ અડધી સદી સુધી અફઘાનિસ્તાન ક્યારેક સોવિયેટ સૈન્ય સાથે તો ક્યારેક અંદરોઅંદર લડતું રહ્યું; પછી અમેરિકા અને એમનાં સાથી રાષ્ટ્રોએ દખલ કરી.

નકશા અને ફાઇલો પર ધૂળ ચડતી રહી પણ ના ખનન શરૂ થયું, ના ફેકટરીઓ બની. જમીનમાંથી તાંબું અને લોહધાતુ કાઢી ન શકાઈ, તો ત્યાંના પહાડોને લાલ-લીલા રંગે રંગી દેવાયા.

માત્ર હાથથી ખોદી કાઢી શકાય તેવા લાપિસ લાજુલી (વાદળી રંગનો કીમતી પથ્થર, નવરત્નોમાંનું એક રત્ન), પન્ના અને માણેકને જ ખોદીને કઢાતા રહ્યા. મુખ્યત્વે આ ખોદકામ અફઘાન અધિકારીઓના નિયંત્રણમાં નહોતા એવા તાલિબાનના અધિકારવાળા ક્ષેત્રમાં થયું અને તેને ચોરીથી પાકિસ્તાન મોકલાતું હતું.

અફીણ પર ટકી અર્થવ્યવસ્થા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

યુદ્ધના ઓથારનાં બધાં વરસો દરમિયાન અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર ખનીજ સંપદા નહોતી પણ કાચું અફીણ હતું

યુદ્ધના ઓથારનાં બધાં વરસો દરમિયાન અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર ખનીજ સંપદા નહોતી પણ કાચું અફીણ હતું. અફઘાનિસ્તાન અફીણની ખેતીના આધારે ટકી રહ્યું.

સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે અફઘાનિસ્તાનના આર્થિક વ્યવહારોનો લગભગ દસ ટકા હિસ્સો અફીણનાં ઉત્પાદન, વેચાણ અને નિકાસ આધારિત છે.

પરિણામે, કુદરતી ખનીજ સંપત્તિથી ભરપૂર એવા આ દેશનો વૈશ્વિક બજારમાં તાંબા કે લિથિયમની જરૂરિયાત સંતોષવામાં કોઈ ફાળો નથી, બલકે, કાચા અફીણ અને હેરોઇનની દુનિયામાં એ એકલો દેશ 85 ટકા જરૂરિયાત પૂરી પાડે છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ લાંબી પોતાની ઉપસ્થિતિ દરમિયાન ત્યાંનો ખનનઉદ્યોગ વિકસાવવા વાતાવરણ અનુકૂળ કરવા પ્રયત્ન કર્યો અને અભિલેખાગારમાંથી સોવિયેટના ભૂસ્તરશાસ્ત્રીઓએ બનાવેલાં માનચિત્રોના આધારે નકશા બનાવવા શરૂ કર્યા હતા.

અનુમાન છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સરવે (યુએસજીએસ)એ દસેક વર્ષના ગાળામાં 40 ટેરાબાઇટ જેટલો ડેટા એકત્ર કર્યો; અને એને સુરક્ષિત રાખવા માટે અફઘાનીઓને પ્રશિક્ષણ આપ્યું.

આ કારણે અફઘાનિસ્તાન દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે, જેનું સોએ સો ટકા પરીક્ષણ હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગની મદદથી કરવામાં આવ્યું હોય.

પરિણામ એ આવ્યું કે અમેરિકાએ કુલ 60 અતિઆધુનિક માનચિત્ર તૈયાર કર્યાં, પરંતુ એ નકશાથી માત્ર કુદરતી સંસાધનોનું અનુમાન કરી શકાય છે, વેપાર કરવા લાયક ઉત્પાદન ન કરી શકાય.

એક અનુમાન અનુસાર અફઘાનિસ્તાનની ભૂમિ નીચે લિથિયમ અને અન્ય દુર્લભ ખનીજોનો 3 ટ્રિલિયન ડૉલરનો ભંડાર ભર્યો પડ્યો છે, પણ એના ખનન માટેનાં નાણાં, ટેકનૉલૉજી અને આધારભૂત માળખાની જરૂર છે, જે અફઘાનિસ્તાન પાસે નથી.

ભારત અને ચીને દાખવ્યો રસ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અમેરિકાની અફઘાનિસ્તાનમાં હાજરી દરમિયાન જ દેશમાં નાણાંનો સ્રોત મળવા લાગ્યો હતો

અમેરિકાની અફઘાનિસ્તાનમાં હાજરી દરમિયાન જ દેશમાં નાણાંનો સ્રોત મળવા લાગ્યો હતો, કેટલાક દેશો તરફથી એને આર્થિક સહાય મળી હતી. જોકે એમાંનાં મોટા ભાગનાં નાણાં રસ્તા, લાઇટ, ખેતી અને માનવસંસાધનોના વિકાસ માટે મળ્યાં હતાં.

વિશ્વ બૅન્કે પણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સ્થિરતા અને સમાનતા વધારવા માટે, પાંચ બિલિયન ડૉલર આપ્યા હતા.

અફઘાનિસ્તાનના અધિકારીઓએ ખનનક્ષેત્રના વિકાસ માટે વિદેશી સહાય માગી હતી અને ઘણા વિદેશી રોકાણકારો એ માટે તત્પર થયા હતા. એ બધા પાડોશનાં શક્તિશાળી રાષ્ટ્રો હતાં.

ચીન અને ભારતે પણ આર્થિક કરતાં વધુ તો રાજકીય હેતુના કારણે એમાં રસ બતાવ્યો હતો. ભારતે 11 બિલિયન ડૉલરના રોકાણની જાહેરાત કરી અને ત્રણ બિલિયન ડૉલર જેટલો ખર્ચ પણ કર્યો; પણ હવે એ મુલતવી રહેશે.

સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (સેલ)ની આગેવાનીમાં ભારતની ઘણી કંપનીઓ ત્યાં એક મેટલર્જી પ્લાન્ટ બનાવવાની હતી. પણ, પહેલાં આયર્ન ઓરની ક્વૉલિટીનો પ્રશ્ન સામે આવ્યો, ને પછી સલામતીનો.

હવે સરકાર બદલાઈ ગઈ છે અને તાલિબાનો તરફથી કોઈ પણ પ્રકારની સમજૂતીની અપેક્ષા નથી. ચીન અને તાલિબાનના સંબંધો સારા છે પણ ચીની કંપનીઓ પણ આંતરયુદ્ધની સ્થિતિમાં મોટી રકમના રોકાણમાંથી બચી જશે.

2008માં, કાબુલની નજીકના મેસ એનક નામના વિસ્તારમાં, ચીનની સરકારી કંપનીને દુનિયાનો સૌથી મોટો કૉપર ડિપૉઝિટ પ્લાન્ટ સ્થાપવામાં મદદ મળી હતી.

યુનેસ્કોની હિસ્ટોરિકલ હેરિટેજ યાદીમાં સામેલ બૌદ્ધ સ્મારકની નીચે, એક અનુમાન મુજબ, લગભગ 11 ટન તાંબું ઉપલબ્ધ છે પણ 12 વર્ષ વીત્યાં પછીયે એ સ્મારક જેમનું તેમ છે અને તેની નીચે તાંબું પણ.

2016માં તાલિબાને એક એલાન કરેલું કે ભવિષ્યમાં તેઓ ખાણોને પોતાના અધિકાર હેઠળ લઈ લેશે.

એ વાતની કાબુલમાં રહેલા અમેરિકન અધિકારીઓએ ચર્ચા-વિચારણા કરી હતી. બે વર્ષ પહેલાં તાલિબાનોએ અલ્પવિકસિત ખાણો પર હુમલો કરેલો અને ચીન તરફથી કામ પર રખાયેલા આઠ અફઘાન શ્રમિકોને મારી નાખ્યા હતા.

ચીન, શું ફરી કામ શરૂ કરશે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અફઘાનિસ્તાનમાંની અન્ય ચીની પરિયોજનાઓ આજે પણ સામાજિક અસ્થિરતાના કારણે સ્થગિત છે

એ વિસ્તારમાંથી અમેરિકન અધિકારીઓના નીકળી ગયા પછી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એમાંના જ એક અધિકારીને ટાંકીને લખ્યું કે આ અને અફઘાનિસ્તાનમાંની અન્ય ચીની પરિયોજનાઓ આજે પણ સામાજિક અસ્થિરતાના કારણે સ્થગિત છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનની ઑઇલ કંપની સીએનપીસીએ અમૂ દરિયા બેસિનમાં તેલનું ઉત્પાદન બંધ કરી દીધું છે. એ વિસ્તાર રૉકેટના હુમલામાં ઘણી વાર બચી ગયો છે.

ચીની સરકાર હસ્તકની ચાઇના મેટલર્જિકલ ગ્રૂપ, એનક કૉપર ડિપૉઝિટ જિયાન્સી કૉપર કંપની સાથે ફરી એક વાર કામ શરૂ કરવા વિચારે છે પણ એ માટેની બે શરતો છે.

ચીનના સરકારી વર્તમાનપત્રે કંપનીના એક સૂત્રને ટાંકીને લખ્યું, "અમે કામ શરૂ કરવા વિચારીએ છીએ, પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જાય; અને તાલિબાનને ચીન સમેત દુનિયાના બીજા દેશો માન્યતા આપે."

ચીને હજી આશા સાવ છોડી નથી પણ એ કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી ઇચ્છતું.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો