અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે ઊભી થયેલી અફઘાનિસ્તાનની તિરાડ કેટલી મોટી?

  • માર્ક લોવેન
  • બીબીસી, યુરોપીય સંવાદદાતા

ટ્રમ્પ સાથેના અસંતુલિત સંબંધોથી માંડી બાઇડનના ખભે હાથ મૂક્યા સુધીની ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુલ મૅક્રોંના અભિવાદન-અંદાજનો ઇતિહાસ એમ દર્શાવે છે કે અમેરિકન સરકાર સાથેના યુરોપીય સંઘના નેતાઓના સંબંધો બદલાયા હતા.

મે 2017માં યોજાયેલા નેટો સંમેલન વખતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોરપૂર્વક ભીંસીને હાથ મિલાવતી અને એમના ચહેરાને રોષપૂર્વક તાકી રહેલી ફ્રાન્સના રાષ્ટ્રપતિની એક તસવીર જોવા મળી હતી.

મૅક્રોંએ પછી જણાવેલું કે, "એમાં નાદાની નહોતી. હું અમારી દ્વિપક્ષીય વાતચીતમાં એમ જ કશું નહીં જવા દઉં."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફ્રાન્સ અમેરિકાનું જૂનું મિત્રરાષ્ટ્ર છે પણ શું અત્યારે એ બે વચ્ચેના સંબંધો તણાવ ભરેલા છે?

ચાર વર્ષ પછી કૉર્નલમાં યોજાયેલા G7 સમ્મેલન દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન જ્યારે પોતાના પહેલા પ્રવાસે ગયા ત્યારે મૅક્રોંએ વૈશ્વિક છાપ સુધારી લેવાની તક ઝડપી લીધી. એ એવી રીતે કે, જેવો કૅમેરા એમની તરફ ફર્યો, એ જ ક્ષણે તેમણે બાઇડનના ખભે હાથ મૂકી દીધો અને સમુદ્રકિનારા તરફ ચાલવા લાગ્યા. બાઇડને પણ, સહજ રીતે, એમના ખભે હાથ મૂકી દીધો હતો.

આ ચેષ્ટાએ એ સાબિત કર્યું કે બંને પક્ષો ફરી વાર એકજૂથ થઈ ગયા છે.

વધુ દિવસ ન ટક્યો એ ઉત્સાહ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

લંડનથી લઈને બર્લિન સુધી આખા યુરોપમાં જો બાઇડનના હનીમૂન પિરિયડની મધુરતામાં અફઘાનિસ્તાને કડવાશ ઘોળી દીધી છે

પરંતુ હવે, લંડનથી લઈને બર્લિન સુધી આખા યુરોપમાં જો બાઇડનના હનીમૂન પિરિયડની મધુરતામાં અફઘાનિસ્તાને કડવાશ ઘોળી દીધી છે.

એવું નથી કે આ કડવાશનું એકમાત્ર કારણ અમેરિકાનું અફઘાનિસ્તાનમાંથી જતા રહેવું છે. બલકે, અમેરિકાના પોતાનાં સાથી સહયોગી રાષ્ટ્રો સાથેના સમન્વયમાં આવેલી ઓછપ આવી છે.

નેટોમાં 36 દેશની સેનાઓ જોડાયેલી છે અને એમાં ત્રણ-ચતુર્થાંશ સૈનિકો એકલા અમેરિકાના છે, પણ અફઘાનિસ્તાન છોડવા સમયે અમેરિકાએ જ અભિયાનનું નેતૃત્વ કર્યું તેનાથી યુરોપમાં એના પરનો વિશ્વાસ ઘટી જવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર એવું બન્યું હતું કે જર્મની કોઈ મોટા વૉર મિશન (યુદ્ધ અભિયાન)માં જોડાયું હતું અને એ અભિયાન આ રીતે પૂરું થઈ જતાં તે નિરાશ થઈ ગયું છે.

જર્મનીમાં ચાન્સેલરના પદ માટેના કન્ઝર્વેટિવ ઉમેદવાર આર્મિન લાશેતે ચૂંટણી પહેલાં જણાવેલું કે અમેરિકાએ અફગાનિસ્તાન છોડી દીધું એ ઘટના, 'નેટોની એની સ્થાપના પછીની સૌથી મોટી હારનો અનુભવ કરાવનારી છે'.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગયા અઠવાડિયે જર્મન સૈન્ય અફઘાનિસ્તાનથી પાછું ફર્યું હતું

બીજા તો ઠીક, ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મિલોસ જેમાને એ નિર્ણય પર 'કાયરતા'ની મહોર મારી દીધી. એમણે કહ્યું હતું કે, 'અમેરિકા વૈશ્વિક નેતા તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી ચૂક્યું છે.'

સ્વિડનના પૂર્વવડાપ્રધાન કાર્લ બિલ્ટ્સે કહ્યું હતું કે, "જો બાઇડન જ્યારે સત્તા પર આવ્યા ત્યારે ઘણી અપેક્ષા હતી, કદાચ તે વધુ પડતી હતી. એ એક અવાસ્તવિક સ્થિતિ હતી."

એમણે કહ્યું કે, "એમના 'અમેરિકા ઇઝ બૅક' - 'અમેરિકા આવી ગયું છે.'ના નારા અનુસાર અમારા સંબંધોનો સુવર્ણકાળ હોવો જોઈતો હતો. પરંતુ એવું ના થઈ શક્યું અને ખૂબ ઓછા સમયમાં જ એમાં પરિવર્તન આવી ગયું છે. અફઘાનિસ્તાન છોડી દેવા બાબતે કોઈ પ્રકારનાં ચર્ચા-વિમર્શ ન કરવાની ઘટના એક રીતે તો એની ઓળખ પર ડાઘ લગાડી ગઈ છે."

જ્યારે બાઇડનને કારણે યુરોપવાસીઓને આશા હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

અમેરિકાએ તાજેતરમાં જે રીતે અફઘાનિસ્તાન છોડ્યું તેની ઘણા લોકોએ ટીકા કરી હતી

પીયૂ રિસર્ચ સેન્ટરના એક સર્વેક્ષણમાં ગયા વર્ષે એવું જોવા મળેલું કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન 10 ટકા જર્મન પ્રજાને લાગતું હતું કે તેઓ વૈશ્વિક મુદ્દે સારાં પરિણામો લાવવામાં સફળ થશે. પરંતુ જો બાઇડન માટે તો જર્મનની આ ટકાવારી 79 સુધી પહોંચી ગઈ હતી. ફ્રાન્સમાં પણ, આવી રીતે જ, આશાવાદીઓની ટકાવારીમાં વધારો જોવા મળેલો.

પરંતુ 2019 સુધી ફ્રાન્સનાં યુરોપમંત્રી રહેલાં નતાલી લૂએજો જણાવે છે કે, "યૂરોપીય સંઘનાં ઘણાં બધાં રાષ્ટ્રો વિચારતાં હતાં કે ટ્રમ્પ સત્તા પરથી હઠે ત્યાં સુધી રાહ જોવી જોઈએ; પછી આપણે પાછા જૂના, સામાન્ય સંબંધો કેળવી લઈશું. પણ 'જૂના સામાન્ય' સંબંધોનું હવે અસ્તિત્વ જ નથી. મને આશા છે કે આ અમારા માટે જાગી જવાનો સમય છે."

અમેરિકાએ જે રીતે અફઘાનિસ્તાન છોડી દીધું અને જો બાઇડને ટિપ્પણી કરી કે, તેઓ 'બીજા દેશોના પુનર્નિર્માણ' માટે હવેથી અમેરિકા સૈન્યસહાય નહીં મોકલે, તેનાથી યુરોપના નેતાઓને ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' - 'પહેલાં અમેરિકા'ની નીતિ યાદ આવી ગઈ.

પરંતુ આ બધાં કારણો કરતાં યુરોપીય સંઘના દેશોને વધુ નિરાશા તો અમેરિકાએ કશો વિચારવિમર્શ ન કર્યો એ કારણે છે. કેમ કે તેઓ ઇચ્છતા હતા કે અફઘાનિસ્તાનમાંથી નીકળી જવાના મુદ્દે તેમની સાથે ચર્ચાવિચારણા કરવામાં આવે.

અફઘાનિસ્તાનમાં ફરજ પરના નેટો સૈનિકોની સંખ્યા જ્યારે ઓછી થઈ રહી હતી ત્યારે એમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ જેટલા સૈનિકો બિનઅમેરિકન સૈનિક હતા.

જો કે એમ કહેવું ઉતાવળું પગલું ગણાશે કે અમેરિકન સરકારના પરિવર્તનકારી પગલાંને લીધે ચારેતરફથી એમને મળનારી સહાયને કેટલું નુકસાન થશે.

'વ્યૂહાત્મક સ્વાયત્તતા' એક મોટો મુદ્દો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ટ્રમ્પના શાસન કરતાં બાઇડન વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મુશ્કેલીમાં મુકાયું અમેરિકા

યુરોપીય સંઘની વિદેશનીતિના પ્રમુખ જોસેપ બોરેલની સલાહકાર અને હાર્વર્ડની વિઝિટિંગ પ્રોફેસર નતાલી ટોચીએ જણાવ્યું કે, "ટ્રમ્પના શાસન દરમિયાન વિદેશનીતિના ખાસ મુદ્દા બાબતે તકરાર લગભગ નહોતી થતી."

"'અમેરિકા ફર્સ્ટ' એ ખરેખર તો ટ્રમ્પવાદનો એકમાત્ર પ્રહાર નહોતો, બલકે તેઓ શી જિનપિંગ અને પુતિનને મામલે હંમેશાં અગ્રેસર રહેતા હતા. અમે એમની સાથે હતા પણ અમે ક્યારેય એમને અફઘાનિસ્તાનવિષયક સવાલ નથી પૂછ્યો. હવે પરિવર્તન એવું આવ્યું છે કે અમેરિકા જેમ જેમ દુનિયામાં બીજી જગ્યાઓએથી ખસી રહ્યું છે તેમ તેમ યુરોપની ચિંતા વધી રહી છે. આ ભલે અમેરિકન મૂલ્યોને જાળવી રાખવા માટે થતું હોય પણ એ કારણે બાકીની દુનિયાનું શું?"

વાસ્તવમાં કેટલાક લોકો આને એ રીતે જુએ છે કે, અફઘાનિસ્તાનનો મામલો ઘણા સમયથી ચાલી રહેલી અમેરિકાની એ પ્રવૃત્તિનું નિદર્શક છે કે તેઓ એકલા જ ક્યાંય નથી જતા. શું એમાં કશું નવું છે?

ટોચી જણાવે છે, "અમેરિકાની બાબતમાં યુરોપની કાયમ ફરિયાદ રહી છે કે અમેરિકા હવે કોઈનાં સલાહ-સૂચન લીધાં વિના જ ખસી જવાનો નિર્ણય કરી રહ્યું છે, જ્યારે ક્યાંક જવાની બાબતમાં એવું નથી બન્યું."

યુરોપમાં આ ભાવના છે અને હંમેશાં આવી ભાવના જ રહી છે અને હવે, વ્યૂહાત્મક સ્વાયત્તતા ફરી એક વાર વિવાદનો મુદ્દો બની છે, જે યુરોપીય સંઘની વિદેશનીતિનો એક ઉદ્દેશ રહી છે. ખાસ કરીને ફ્રાન્સ આ મુદ્દો આગળ ધરતું રહ્યું છે; એ ફ્રાન્સ, જે અનેક વાર અમેરિકા સાથે સમાન ભૂ-રાજનૈતિક સમતુલા ઇચ્છતું રહ્યું છે.

ફ્રાન્સનાં પૂર્વમંત્રી લૂએજોએ જણાવ્યું કે, "બ્રિટન અને જર્મની જેવા કેટલાક દેશ વિચારે છે કે સુરક્ષાની બાબતમાં અમેરિકા પર ભરોસો કરી શકાય એમ છે. શક્ય છે કે સમયના બદલાવ સાથે ડરી રહ્યા હોય. પરંતુ અમે વારેઆંતરે કહેતા રહ્યા છીએ કે આપણે ફરી વાર વિચારવું જોઈએ કે નેટો કઈ રીતે કામ કરે છે. આપણે હંમેશા નકારની સ્થિતિમાં ન રહેવું જોઈએ."

અફઘાનિસ્તાન પહેલાં પણ બીજા ઘણા મુદ્દા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એવું લાગતું હતું કે ટ્રમ્પના ગયા પછી યુરોપ સાથેના સંબંધો સુધરશે

અમેરિકા અને યુરોપ માટે અફઘાનિસ્તાન હાલનો સૌથી ટોચનો વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. બીજા કેટલાક મુદ્દા પણ છે જેણે જો બાઇડનને માટેના યુરોપના ઉત્સાહને ઠંડો કરી દીધો છે.

ટ્રમ્પ કાર્યકાળ દરમિયાન યુરોપના સામાન પર લગાડવામાં આવેલા ટ્રેડ ટૅરિફને બાઇડન સરકારે સંપૂર્ણપણે દૂર ન કરવો, યુરોપીય સંઘ સાથે વિચારવિમર્શ કર્યા વગર જ કૉવિડ વૅક્સિનની પેટન્ટમાં રાહત આપવાની અપીલ કરવી અને યુરોપીય સંઘમાંના દેશો માટે વૈશ્વિક મહામારીસંબંધી પ્રવાસ-પ્રતિબંધો ન હઠાવવા જેવા મુદ્દા પણ બંને વચ્ચે અવિશ્વાસનું કારણ છે.

યુરોપીય આયોગના ઉપાધ્યક્ષ માર્ગારિટિસ કીનલે જણાવ્યું કે, આવતા અઠવાડિયાની તેમની અમેરિકા મુલાકાતનો કાર્યક્રમ તેમણે રદ કરી દીધો છે. કેમ કે પ્રવાસનિયમોમાં તેમને પારસ્પરિક સંબંધોમાં ઊણપ વર્તાઈ રહી છે.

બીજી તરફ યુરોપીય સંઘે અમેરિકાને યાત્રા માટે સલામત દેશોની સૂચિ (સેફ લિસ્ટ)માંથી કાઢી નાખ્યું છે, મોટા ભાગના લોકો તેનું કારણ બંને વચ્ચે વધી રહેલો તણાવ ગણે છે.

હવે યુરોપીય સંઘની મુખ્ય બે ચિંતા છે. પહેલી ચિંતા, અફઘાનિસ્તાનમાંની અશાંતિએ એક તરફ શરણાર્થીઓનું સંકટ ઊભું કર્યું છે, તે છે. એણે 2015ને યાદ કરાવી દીધું છે. એ વખતે 10 લાખથી વધુ સીરિયન શરણાર્થીઓ ભાગીને યુરોપ પહોંચી ગયા હતા.

અને બીજી ચિંતા અમેરિકા અંગેની છે. અમેરિકા હવે સ્વકેન્દ્રિત થયેલું જણાય છે. એણે રશિયા અને ચીન માટે મેદાન મોકળું કરી દીધું છે. એ વાતનું પરિણામ એ આવ્યું છે કે, ચીન પશ્ચિમની બીક રાખ્યા વગર તાઇવાનને ધમકીઓ આપી રહ્યું છે.

કાર્લ બ્લિટ્સે જણાવ્યું કે, "એક સમય હતો જ્યારે અમેરિકા વૈશ્વિક વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ એવી વાત કરતું હતું."

"પરંતુ વ્હાઇટ હાઉસ તરફથી હવે જે ટૉન (ભાષા)માં વાત આવી રહી છે એ એવી નથી. યુરોપ સાથેના સંબંધોને પુનઃ જીવંત કરવાની સંભાવના હવે અદૃશ્ય થઈ ગઈ છે. અને હવે, અમેરિકામાં જે આવે છે તે, પોતાના હિસાબે કામ કરે છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો