પંજશીર : અહમદ મસૂદ કોણ છે? તાલિબાનનો વિરોધ કેમ કરે છે?
અફઘાનિસ્તાનમાં અમેરિકાની વિદાય બાદ નિશ્ચિત દેખાઈ રહેલી તાલિબાનની નવી સરકારની રચના અગાઉ પંજશીરની ખીણમાં તાલિબાન અને વિરોધી નેશનલ રેઝિસન્ટન્સ ફ્રન્ટ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે.
દેશના ઉત્તરપૂર્વમાં આવેલો આ પ્રાંત તાલિબાન સહિત કોઈ પણ વિદેશી દળો સામે છેલ્લા ચાર દાયકામાં તાબે થયો નથી.
હાલ તાલિબાન પંજશીર સંપૂર્ણ કબજે કરી લીધું હોવાનો સતત ત્રણ દિવસથી દાવો કરે છે તો વિરોધી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ આ દાવો નકારે છે.
તાલિબાન મોરચો માંડનાર નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો મુખ્ય ચહેરો છે અહમદ મસૂદ કરી. તેઓ અફઘાનિસ્તાનમાં 1990ના દાયકાના સન્માનીય તાલિબાન વિરોધી લડવૈયા અહમદ શાહ મસૂદના પુત્ર છે.
ઇમેજ સ્રોત, FRN
અહમદ મસૂદ અફઘાનિસ્તાનના નેશનલ હીરો અહમદ શાદ મસૂદના પુત્રે એફઆરએનની સ્થાપના કરી છે
અહમદ શાહ મસૂદ શેર-એ-પંજશીર તરીકે ઓળખાતા હતા.
હવે તેમના પુત્ર અમહદ મસૂદ નેશનલ રેઝિઝટન્સ ફ્રન્ટ ઑફ અફઘાનિસ્તાન (એફઆરએન)નું નેતૃત્વ કરે છે જેમાં અનેક જાતિઓના સ્થાનિક લડાયક જૂથો અને પૂર્વ અફઘાન સેનાના સભ્યોનો સમાવેશ થાય છે.
કેટલાક રિપોર્ટ મુજબ એફઆરએનમાં હજારો લડવૈયા છે. હાલમાં પ્રકાશિત તસવીરોમાં આ જૂથ સંગઠિત, હથિયારોથી સજ્જ અને પ્રશિક્ષિત દેખાય છે.
બીબીસી પર્શિયન સર્વિસના પત્રકાર ઝિયા શહરયારે બીબીસી મુંડોને જણાવ્યું એ મુજબ આ તસવીરો જે દેખાડે છે તેમ છતાં આ જૂથની અસલી તાકાત જાણવી મુશ્કેલ છે.
તેઓ કહે છે, " પંજશીર ખીણની વસતી એક લાખ જેટલી હશે પરંતુ મસૂદ પાસે કેટલા લડવૈયા છે એ જાણવું મુશ્કેલ છે. આપણે એ કહી શકીએ કે તેમની સાથે હજારો લોકો જોડાયેલા છે કારણ કે અફઘાન સેનાના પૂર્વ સૈનિકો પણ ત્યાં જ શરણ લઈ રહ્યા છે."
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ એફઆરએન સાથે જોડાયેલા છે અને પંજશીરમાં તેમના સમર્થકોને ટેકો આપવાની વિનંતી કરી છે. જોકે એફઆરએનનું નેતૃત્વ અહમદ મસૂદ પાસે છે.
એક તરફ મસૂદે યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું કહેવાય છે તો તાલિબાને જીતનો દાવો કર્યો છે.
કોણ છે અહમદ મસૂદ?
ઇમેજ સ્રોત, Getty Images
'શેર પંજશીર' અહમદશાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ
આમ જોઈએ તો અફઘાનિસ્તાનમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
તાલિબાને 1996માં જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો ત્યારે છેલ્લે સુધી પંજશીરનો મોરચો તાલિબાનની વિરુદ્ધ અડગ રહ્યો હતો.
મુજાહિદીન કમાન્ડર અહમદ શાહ મસૂદે તાલિબાનને પંજશીર ખીણમાંથી સફળતાપૂર્વક દૂર રાખ્યા હતા.
આ એજ અહમદ શાહ મસૂદ હતા જેમણે 1980ના દાયકામાં પંજશીરની પહાડોથી ઘેરાયેલી ખીણમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતી સોવિયેત સંઘની સેનાને ધૂળ ચટાડી હતી.
અહમદ શાહ મસૂદે તાલિબાન સરકાર સામે 1996થી 2001 વચ્ચે મુખ્ય વિરોધી પક્ષની ભૂમિકા ભજવી હતી. 2001માં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. હવે તેમના પુત્રે પિતાના કામને આગળ ચાલુ રાખવાનું પ્રણ લીધું છે.
ઇમેજ સ્રોત, FRN
એફઆરએનેમાં પંજશીરના સ્થાનિક લડવૈયાઓ અને અફઘાન સેનના પૂર્વ સૈનિકો સામેલ છે
18 ડિસેમ્બરે વૉશિંગટન પોસ્ટમાં લખેલા એક લેખમાં અહમદ મસૂદે લખ્યું હતું, "હું પંજશીર ખીણથી આ લખી રહ્યો છે અને હું મુજાહિદીન લડવૈયાઓ સાથે મારા પિતાના પદચિહ્નો પર ચાલવા માટે તૈયાર છું, જે તાલિબાનનો સામનો કરવા માટે તૈયાર છે." ત્યાર બાદ ઑગસ્ટ મહિનામાં તાલિબાને અફઘાનિસ્તાનના લગભગ બધા પ્રાન્તો અને રાજધાની કાબુલ પર કબજો કરી લીધો.
તેમણે લખ્યું હતું, " અમને અંદાજ હતો કે આ દિવસ જોવો પડશે એટલે અમે મારા પિતાના વખતથી ધૈર્યપૂર્વક હથિયારો અને દારૂગોળાનો સંગ્રહ કરી રહ્યા હતા."
ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરી ચૂકેલા 32 વર્ષના અહમદ મસૂદ રૉયલ મિલિટ્રી એકૅડેમીમાં ગ્રેજુએટ થયા હતા.
ધ સ્પેક્ટેટર મુજબ તેમણે કિંગ્સ કૉલેજ ઑફ લંડન અને પછી સિટી યુનિવર્સિટી ઑફ લંડનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સ્નાતકોત્તરનો અભ્યાસ કર્યો હતો.
તેમણે બૅચલર અને ડૉક્ટરલ થીસિસ લખી તેમાં પણ તાલિબાનના વિષય પર કામ કર્યું હતું.
બીબીસી પર્શિયન સેવાના પત્રકાર ઝિયા શહરયાર કહે છે, "છેલ્લાં છ કે સાત વર્ષથી તેઓ અફઘાનિસ્તાનમાં છે પરંતુ જ્યારે તાલિબાનનો કબજો થઈ ગયો તો તેઓ પંજશીરમાં પિતાના સ્થળે જતા રહ્યા, પંજશીર ખીણ અફઘાનિસ્તાનના 32 પ્રાંતોમાંથી એક માત્ર પ્રાંત છે જેણે તાલિબાન સામે મોરચો માંડ્યો છે."
સત્તામાં ભાગીદારી
ઇમેજ સ્રોત, REUTERS/GETTYIMAGES
ડાબે ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે અને જમણે અહમદ મસૂદ
ઑગસ્ટના અંતમાં બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં એફઆરએને કહ્યું હતું કે જો તાલિબાન નવી સરકારમાં તેમને ભાગીદારી આપે તો તેઓ શાંતિ સમજૂતી પર વિચાર કરી શકે છે.
પણ જો એવું નહીં થાય તો તેઓ કોઈ પણ રીતે વિરોધના કેન્દ્ર રહેલા પંજશીરનો મોરચો નહીં છોડે.
એફઆરએના વિદેશ મામલાના વડા અલી નઝરીએ બીબીસને કહ્યું હતું, "અમે શાંતિ ઇચ્છીએ છીએ અમે શાંતિ અને વાટાઘાટોને પ્રાથમિકતા આપીએ છીએ."
"જો વિરોધી પક્ષ શાંતિને ગંભીરતાથી નહીં લે અને જો તેઓ આખા દેશમાં પોતાનું શાસન લાદવાનો પ્રયત્ન કરશે તો અમે કોઈ પણ પ્રકારની આક્રામકતા નહીં ચલાવી લઈએ."
ઇમેજ સ્રોત, Reuters
પંજશીરમાં તાલિબાન વિરોધી લડવૈયા (ઑગસ્ટ મહિનાની તસવીર)
ત્યારે બીબીસી પત્રકાર ઝિયા શહરયાર કહે છે, મસૂદ અને એફઆરએને કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં એક વિકેન્દ્રિત સરકારના પક્ષમાં છે, એક એવી સરકારના પક્ષમાં છે જેમાં દેશના જુદાંજુદાં જાતિય જૂથોનો સમાવેશ હોય.
બીબીસી મુંડો સાથે વાત કરતા તેમણે કહ્યું, "એફઆરએને કહ્યું છે કે તેમને સત્તામાં ભાગીદારી જોઈએ છે કારણ કે તાલિબાન અફઘાનિસ્તાનના બધા ભાગોનું પ્રતિનિધિત્વ ન કરી શકે."
ઝિયા શહરયાર મુજબ," તેમણે કહ્યું છે કે તેમનું લક્ષ્ય લોકોના લોકશાહીના અધિકાર, મહિલાઓના અધિકારો અને ચૂંટણીના હકોની રક્ષા કરવાનું છે. તેઓ બિનપશ્તુન જૂથોનો પણ સરકારમાં સમાવેશ કરાવવા માગે છે કારણ કે તાલિબાનમાં મુખ્ય રૂપે પશ્તુન જૂથોથી બનેલું છે."
તેમણે ઉમેર્યું કે, "અફઘાનિસ્તાન અલગઅલગ જાતિય લઘુમતીથી બનેલું છે જેમકે તાજિક, હઝારા, બલોચ. મસૂદ અને એફઆરએનનો દાવો છે કે તેઓ બધા જૂથોનો અવાજ ઉઠાવે છે."
શેર-એ-પંજશીર અહમદ શાહ મસૂદ એક 'રાષ્ટ્રીય હીરો'
ઇમેજ સ્રોત, Alamy
પંજશીરને સોવિયેટ સેના અને ભૂતકાળમાં તાલિબાનથી બચાવનાર અહમદ શાહ મસૂદ
અહમદ મસૂદના પિતા લાયન ઑફ પંજશીરના નામે જાણતી હતા અને તેઓ મુજાહિદ્દીન નેતા હતા જેમણે સોવિયેત સેના અને તાલિબાનોને હરાવ્યા હતા. પંજશીર એટલે 'પાંચ સિંહો'.
અહમદ શાહ મસૂદ અફઘાન સેનાના જનરલના પુત્ર હતા અને તેમનો જન્મ પંજશીરની ખીણમાં જ થયો હતો. પંજશીર પ્રાંત અને કાબુલમાં કેટલાક સ્થળોએ હજી તેમના વિશાળ ચિત્રો જોઈ શકાય છે.
અફઘાનિસ્તાનમાં 1978માં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઑફ અફઘાનિસ્તાન (પીડીપીએ) સત્તા પર આવી અને એક વર્ષ પછી સોવિયેત સંઘની સેનાએ દેશમાં પ્રવેશ કર્યો ત્યાર બાદ અહમદ શાહ મસૂદને કારણે જ પંજશીર ખીણ સામ્યવાદ વિરુદ્ધ બળવાનું કેન્દ્ર બની ગઈ હતી.
યુનિવર્સિટી ઑફ લીડ્સનાં પ્રોફેસર એલિસાબેથ લીકે જણાવ્યું, "તેઓ સોવિયેત-અફઘાન યુદ્ધમાં વિદ્રોહનો ચહેરો બની ગયા હતા."
ઇમેજ સ્રોત, Alamy
1979માં અફઘાનિસ્તાનમાં તોડી પાડવામાં આવેલું રશિયન હેલિકૉપ્ટર ( 2015માં લેવાયેલી તસવીર)
તેઓ ઉમેરે છે, "તેમનાંમાં આકર્ષણ હતું અને તેઓ સતત પશ્ચિમી મીડિયામાં સક્રિય રીતે છવાયેલા રહેતા. તેઓ એવા વિદ્રોહી નેતાઓમાંના એક હતા જેમની સાથે સોવિયત સંઘની સેના વાટાઘાટો માટે તૈયાર હતી, એટલે તેમનું મહત્ત્વ ખૂબ વધી ગયું હતું. "
રૉયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ રિસર્ચ ફેલો ડૉ ઍન્ટોનિયો ગિયુસ્ટોઝીએ બીબીસીને જણાવ્યું હતું , "એ સમયમાં મસૂદ અન્ય વિદ્રોહી નેતાઓથી અલગ હતા. તેઓ શિક્ષિત હતા, ફ્રેન્ચ બોલી શકતા, ખૂબ નમ્રતાથી વાત કરતા અને આકર્ષક હતા. તેમની સરખામણીમાં અન્ય નેતાઓ અણઘડ અને અશિક્ષિત હતા. "
2001માં અલ-કાયદા દ્વારા તેમની હત્યા કરી દેવાઈ હતી. તેમની હત્યા અમેરિકામાં 9/11 હુમલો થયો તેના બે દિવસ પહેલાં કરી દેવાઈ હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ તેમને રાષ્ટ્રીય હીરો જાહેર કર્યા હતા. જોકે કેટલાક લોકો તેમને એક યુદ્ધ અપરાધી માને છે.
કેમ અભેદ કિલ્લો છે પંજશીર ખીણ?
ઇમેજ સ્રોત, Alamy
પંજશીર ખીણ પહાડોથી ઘેરાયેલી છે અને અહીં પ્રવેશનો માત્ર એક જ રસ્તો છે
આ ખીણ અફઘાનિસ્તાનની રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર પૂર્વમાં 120 કિલોમિટર સુધી ફેલાયેલી છે. ખીણ ચારેબાજુથી પહાડોથી ઘેરાયેલી છે અને તેમાં 3,000 મીટર ઊંચા પહાડો પણ છે. તેથી કુદરતી રીતે અહીંયા રહેતા લોકોને પહાડોનું સંરક્ષણ મળેલું છે.
અહીંથી નીકળવાનો એકમાત્ર રસ્તો છે જ્યાંથી પસાર થવામાં મોટાં પથ્થરો નદી વચ્ચે આવે છે.
બાળપણમાં અહીં રહી ચૂકેલા શાકિબ શરિફી તાલિબાનના નિયંત્રણ બાદ અહીંયાથી જતા રહ્યા હતા. તેમણે બીબીસીને જણાવ્યું, "આ વિસ્તાર એવો લાગે જાણે દંતકથાઓમાં આવેલી કોઈ જગ્યા હોય. તેમાં અંદર પ્રવેશ કરતા એક પછી એક અનેક 21 ખીણો દેખાય જે પરસ્પર જોડાયેલી છે. "
મુખ્ય ખીણના છેડે 4,430 મીટર લાંબો અંજુમન ઘાટ આપેલો છે જે પૂર્વમાં જઈને હિંદુકુશ પર્વત સુધી જાય છે. સિકંદર અને તૈમુર લંગ જેવા મહાન આક્રમણકારોએ પણ આ માર્ગનો ઉપયોગ કર્યો હતો.
એસોશિએટ પ્રોફેસર એલિસાબેથ લીકે જણાવ્યું હતું, ઐતિહાસિક રીતે પંજશીર ખીણ કિંમતી રત્નો માટે જાણીતી હતી.
અફીણના વેપારમાંથી કેવી રીતે તાલિબાન કરોડો રૂપિયા કમાય છે?
આજે આ ખીણમાં હાઇડ્રોઇલેક્ટ્રિક ડૅમ અને પવનચક્કીનો ફાર્મ પણ છે. અમેરિકાની મદદથી અહીં સડકો અને રેડિયો ટાવર પણ બનાવવામાં આવ્યા છે જેમાં કાબુલથી સિગ્નલ પકડાય છે. બગરામમાં પૂર્વ અમેરિક ઍરબેઝ જેનું નિર્માણ 1950ના દાયકામાં સોવિયત સંઘે કર્યું હતું, એ પણ આ ખીણના પ્રવેશ પાસે આવેલું છે.
હાલ આ ખીણમાં દોઢથી બે લાખ લોકો રહે છે, મોટાભાગના લોકો દારી બોલે છે જે અફઘાનિસ્તાનની મુખ્ય ભાષાઓમાં સામેલ છે અને તેઓ તાજિક મૂળના છે.
અફઘાનિસ્તાનની લગભગ 3.8 કરોડની વસતીમાંથી 25 ટકા લોકો તાજિક મૂળના છે. છતાં પંજશીરના લોકો પોતાની ઓળખ માટે તાજિકિસ્તાન પર નિર્ભર નથી, તેઓ પોતાની સ્થાનિક ઓળખ ધરાવે છે.
અફઘાન સંસ્કૃતિ મંત્રી રહી ચૂકેલા શરિફીએ બીબીસીને જણાવ્યું હતું કે પંજશીરી લોકો ખૂબ બહાદુર હોય છે. સ્થાનિક લોકો તાલિબાન સાથે સમજૂતી નથી કરતા અને તેમનામાં એક પ્રકારની વિદ્રોહની પ્રવૃત્તિ હોય છે પણ આ વિદ્રોહને સકારાત્મક રીતે જોવો જોઈએ. ઇતિહાસમાં બ્રિટન, સોવિયેત અને તાલિબાન સામે મળેલા વિજયને કારણે તેમની હિંમત વધતી ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો