તાલિબાનના રાજમાં મહિલાઓ બેહાલ, કેવા નિયમો માનવા મજબૂર બની?

  • રજની વૈદ્યનાથન
  • દક્ષિણ એશિયા સંવાદદાતા
અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યના પરત ફર્યા બાદ શું છે પરિસ્થિતિ?
ઇમેજ કૅપ્શન,

અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યના પરત ફર્યા બાદ શું છે પરિસ્થિતિ?

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી વિદેશી સૈનિકો પરત જતા રહ્યા છે અને એ સાથે એક તરફ પંજશીર માટે લડાઈ ચાલી રહી છે તો અમુક મીડિયા અહેવાલો અનુસાર નવી સરકારની રચનાને લઈને તાલિબાનમાં પણ આંતરિક ખટપટ શરૂ થઈ છે.

તાલિબાન ફરી પરત ફરવાની સાથે જ મહિલાઓની વિકટ બની રહેલી સ્થિતિ પર ચિંતા સેવાઈ રહી છે. વિદેશ સેનાની વિદાય પછી અફઘાનિસ્તાનમાં પાછળ રહી ગયેલા લોકોની જિંદગી કેવી રીતે પસાર થઈ રહી છે?

વિવિધ શહેરો અને પ્રાંતના ચાર લોકો સાથે બીબીસીએ તેમની હાલત જાણવા તેમની સાથે વાતચીત કરી હતી.

આ લોકોનું કહેવું કે પોતાની આઝાદી તેમણે ગુમાવી દીધી છે અને જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ લોકોની સલામતી માટે કેટલાકનાં નામો અમે બદલ્યાં છે.

જાણો, મહિલાઓ સહિત અફઘાનિસ્તાનના અન્ય નાગરિકો તાબિલાનના રાજમાં કેવા અને કયા નિયમો પાળવા મજબૂર બન્યાં?

હેરાતમાં પરેશાન લોકો

ઇમેજ કૅપ્શન,

હેરાત શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલા તાલિબાનના લડવૈયા

સિલ્ક રૂટ પર આવેલા હેરાતથી ઈરાનની સરહદ નજીક છે. અફઘાનિસ્તાનના સૌથી ઉદારવાદી શહેર તરીકે તેને જોવામાં આવે છે. અમેરિકી સૈનિકો કાબુલ છોડી ગયા તેના બીજા જ દિવસે, સેંકડો તાલિબાન સમર્થકો શહેરના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.

તેના કારણે અન્ય લોકો ડરથી ઘરોમાં ભરાઈ રહ્યા હતા. ગુલ થોડી વાર પહેલાં જ બજારમાંથી ઘરે આવ્યા અને બીબીસી સાથે વાતચીત કરી.. ગુલે કહ્યું કે, "આખી બજારમાં તાલિબાન બંદૂકો લઈને ઊભા છે. તમને રસ્તા પર ધનિક લોકો અથવા મહિલાઓ અને છોકરીઓ જોવા નહીં મળે, કારણ કે તેઓ બધા તાલિબાનથી ડરે છે."

ગુલનાં પત્ની અફસુન હવે પુરુષ વગર ઘર છોડીને બહાર જઈ શકતાં નથી. તેમણે આખો ચહેરો ઢંકાઈ જાય તેવો બુરખો પહેરવો પડે છે. અફસુન કહે છે, "મારી પુત્રીનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે."

ગુલનાં એક બહેન ડૉક્ટર છે. ગુલના જણાવ્યા અનુસાર તાલિબાને મેડિકલનું કામ કરતી મહિલાઓને કામ કરવાની મંજૂરી આપેલી છે, પરંતુ તેમનાં બહેનને થોડાં અઠવાડિયાં સુધી ક્લિનિક પર ના જવા કહેવાયું હતું. થોડા દિવસો પછી હવે તેઓ અન્ય મહિલાઓ સાથે કામ પર જવા લાગ્યાં છે.

તેઓ કહે છે કે હજીય ઘણી મહિલાઓને ઘરમાં જ રહેવાની ફરજ પડે છે. ગુલ અને તેમનો પરિવાર દેશ છોડીને જતા રહેવાની આશા રાખીને બેઠો છે. ગુલ કહે છે, "અમે ગમે ત્યારે અહીંથી જતા રહીશું. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ગમે ત્યાં જતા રહીશું."

મઝાર-એ-શરીફનો હાલ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

મઝાર-એ-શરીફની એક સૂમસામ બજાર

મઝાર-એ-શરીફ અફઘાનિસ્તાનના ઉત્તરમાં મોટું નગર અને મુખ્ય આર્થિક કેન્દ્ર છે. તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદ નજીક શહેર આવેલું છે. મઝાર-એ-શરીફ એક સમયે અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારનો ગઢ હતો.

જોકે કાબુલ કબજે કર્યું તેના એક દિવસ પહેલાં 14 ઑગસ્ટે જ તાલિબાને આ શહેર પર કબજો કરી લીધો હતો.

મજીબ અહીં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા, પણ હવે ખાવા-પીવાનાં ફાંફાં પડવા લાગ્યાં છે. મઝાર-એ-શરીફથી અમારી સાથે વીડિયો કૉલ પર વાતચીત કરતી વખતે પોતાના મકાનનું ગંદું તળિયું તેમણે દેખાડ્યું હતું.

ચારે બાજુ ધાબળાના ઢગલા કરેલા દેખાતા હતા. હમણાં આ જ તેમનું આશ્રયસ્થાન બન્યું છે.

મજીબ થોડાં અઠવાડિયાં પહેલાં અહીં આવ્યા હતા. તેમના જેવા લાખો અફઘાનીઓ અહીં નિરાશ્રિત તરીકે આવ્યા છે. તાલિબાન અને સત્તા ગુમાવી ચૂકેલી સરકારની સેના વચ્ચે લડાઈ જામી હતી તેના કારણે આ લોકોને પોતાનાં ઘર છોડવાની ફરજ પડી હતી.

મજીબે જણાવ્યું કે દસ વર્ષ પહેલાં તાલિબાને તેમના અબ્બાની હત્યા કરી હતી. આ વાતને દસ વર્ષ વીતી ગયાં છે, છતાં આજેય ઘરની બહાર નીકળતાં તેને ડર લાગે છે, કેમ કે બહાર જાહેરમાં રોજ કોઈ ને કોઈ માણસ સાથે મારઝૂડ થતી જોવા મળતી હોય છે.

ગયા અઠવાડિયે મઝાર-એ-શરીફમાંથી અનેક એવી તસવીરો આવી હતી જેમાં ડઝનબંધ અફઘાનીઓ હાથમાં સૂટકેસ અને પ્લાસ્ટિકની થેલીઓ લઈને કાબુલ જતી બસોમાં સવાર થઈ રહ્યા હતા. દેશ છોડીને વિદેશ જવાની આશા સાથે આ લોકો કાબુલ જઈ રહ્યા હતા.

અમેરિકન સૈનિકોએ કાબુલ છોડી દીધું તે પછી છેલ્લા કેટલાક દિવસોમાં મઝાર-એ-શરીફથી કાબુલ આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. મજીબ પણ ઉઝબેકિસ્તાન સરહદે દેશની બહાર જતા રહેવાની કોશિશ કરી રહ્યા છે.

મજીબ દેશ છોડવા માટે પણ આતુર છે, પરંતુ તેમને ખબર નથી કે તેમાં સફળતા મળશે કે કેમ. "તાલિબાન અહીં છે અને તેઓ નથી ઇચ્છતા કે લોકો દેશ છોડીને જાય."

લશ્કર ગાહ, હેલમંદ પ્રાંત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લશ્કરગાહના એક મોબાઇલ ક્લિનિકમાં મહિલાઓ અને બાળકો

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલા હેલમંદ પ્રાંતમાં ઘર્ષણ દરમિયાન બ્રિટિશ સૈનિકોની છાવણી હતી. તાલિબાને 13 ઑગસ્ટના રોજ તેના પર નિયંત્રણ લઈ લીધું હતું. હેલમંદની રાજધાની લશ્કર ગાહમાં અઠવાડિયાં સુધી ભીષણ લડાઈ ચાલી હતી.

ડૉક્ટર વિક્ટર યુરોસેવિક તેમની ઑફિસના નોટિસબોર્ડ તરફ ઇશારો કરે છે, જેના પર પ્લાસ્ટિકની ઘણી બધી નાની બૅગો લટકાવેલી છે. આ બૅગમાં ગોળીઓ છે. ડૉક્ટર કહે છે, "અમે તેને શરમની દીવાલ કહીએ છીએ."

એક થેલી હઠાવીને તેમણે પોતાનો કૅમેરા ફિટ કર્યો, જેથી અમને વીડિયો ઇન્ટરવ્યૂ આપી શકે. તેઓ કહે છે, "આ ગોળીઓ મેં મારી પાસે આવેલા યુવાન દર્દીઓના શરીરમાંથી કાઢેલી છે. મોટા ભાગે મોટા હથિયારની આ ગોળીઓ છે."

ડૉક્ટર વિક્ટર યુરોસેવિક લશ્કર ગાહની એક હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટરમાં કામ કરે છે. હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. હૉસ્પિટલમાં પહેલાંની જેમ દર્દીઓનો ભીડ હવે દેખાતી નથી. બહાર બૉમ્બમારો અને ગોળીબાર બંધ થઈ ગયા છે. શેરીઓમાં શાંતિ છે.

તેઓ કહે છે, "બહુ વિચિત્ર લાગે છે. હું અહીં વર્ષોથી છું પરંતુ આવો સન્નાટો મેં પહેલાં ક્યારેય જોયો નથી. હું તેને તોફાન પહેલાંની શાંતિ તરીકે જોઉં છું. આશા રાખું કે એવું ના થાય. જોઈએ હવે આગળ શું થાય છે."

ડૉક્ટર જણાવે છે કે, "બોમ્બમારાને કારણે લશ્કર ગાહમાં ઘણી ઇમારતો નાશ પામી છે. લડાઈ દરમિયાન અહીંથી જતા રહેલા લોકો હવે પાછા ફર્યા છે. તે લોકો શેરીઓમાં જ સૂઈ જાય છે. મસ્જિદોની સામે સૂઈ જાય છે. મકાનોને નવેસરથી બનાવવાના પૈસા તેમની પાસે નથી. તેમાંના ઘણા લોકો બેઘર છે અથવા સગાં સાથે રહેવા માટે મજબૂર બન્યા છે."

તેમના જણાવ્યા અનુસાર અનેક પરિવારો ગરીબીમાં જીવી રહ્યા છે. એક ટંકના ભોજન માટે મોહતાજ થઈ ગયા છે. કેટલાય દિવસોથી બૅંકો બંધ છે. તેના કારણે પણ સમસ્યા વધી છે."

તાલિબાનના આગમન પછી સ્થાનિક લોકોને મદદ કરી રહેલા ઘણા બધા વિદેશી કાર્યકતાઓ દેશ છોડીને જતા રહ્યા છે. જોકે કેટલાક કાર્યકરોએ અહીં રોકાવાનું નક્કી કર્યું છે અને મૂળ સર્બિયાના ડૉક્ટર વિક્ટર યુરોસેવિક પણ તેમાંના જ એક છે.

તેઓ કહે છે, "અમારા પર જવાબદારી છે. આ પ્રાંતનું એકમાત્ર ટ્રૉમા સેન્ટર અમે ચલાવી રહ્યા છીએ. લોકોને ખોરાકની જરૂર છે, લોકોને પૈસાની જરૂર છે. તેમને દવાઓની જરૂર છે."

બદખ્શાન બેહાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બદખ્શાનમાંથી વિસ્થાપિત થઈ રહેલા લોકોની ફાઇલ તસવીર

અફઘાનિસ્તાનના સૌથી ગરીબ પ્રાંતોમાંનો એક બદખ્શાન દેશના ઉત્તર-પૂર્વમાં આવેલો છે. તાજિકિસ્તાન સાથેની સરહદ અહીં આવેલી છે. તાલિબાને 11 ઑગસ્ટના રોજ બદખ્શાનની રાજધાની પર કબજો કર્યો હતો.

અબ્દુલ બદખ્શાનમાં ડૉક્ટર તરીકે કામ કરે છે. છેલ્લે જ્યારે તાલિબાનનું શાસન હતું ત્યારે અબ્દુલ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ કહે છે, "તે સમયે પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. તેમનું વર્તન પહેલાં હતું એવું જ છે. મને કોઈ ફરક દેખાતો નથી."

અબ્દુલે બીબીસીને એક હૉસ્પિટલની ઘણી બધી તસવીરો મોકલી છે. હૉસ્પિટલ જે વિસ્તારમાં આવેલી છે ત્યાં તાલિબાનનો કડક પહેરો છે. એક તસવીરમાં દોઢ વર્ષનો નબળો બાળક પથારી પર પડેલો દેખાય છે. તેનાં માતા સ્ટાફને બાળકને બચાવી લેવા વિનવણી કરી રહ્યાં છે.

અબ્દુલ કહે છે કે બાળકને ખવડાવવા માટેના પૈસા પણ માતા પાસે નહોતા.

તેઓ કહે છે, "દરેક પસાર થતાં દિવસની સાથે બાળકોમાં કુપોષણની સમસ્યા વકરી રહી છે."

સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ અનુસાર અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના અડધાથી વધુ બાળકો આગામી વર્ષમાં ગંભીર કુપોષણનો ભોગ બની શકે છે.

બદખ્શાનમાં અનેક લોકો પહેલેથી જ ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ તાલિબાને સત્તા સંભાળી ત્યારથી ખાદ્યપદાર્થો અને તેલના ભાવો વધી ગયા છે. સરકારી કર્મચારીઓનું કામ અટકી ગયું છે. કેટલાક લોકોને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર પણ મળ્યો નથી.

ડૉ. અબ્દુલ મહિલા અધિકારોની બાબતમાં પણ ચિંતિત છે. તેમના જણાવ્યા અનુસાર મહિલા તબીબી કર્મચારીઓને કામ કરવાની મંજૂરી મળી છે, પરંતુ અન્ય મહિલાઓને કામ પર જવાની મંજૂરી અપાઈ નથી.

અબ્દુલે કહ્યું કે છઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગમાં ભણતી કન્યાઓને શાળાએ જવાની ના પાડી દેવામાં આવી છે.

"લોકોને ભવિષ્યની હવે કોઈ આશા રહી નથી. બદખ્શાનમાં લોકો માટે કંઈ બચ્યું નથી."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો