#DoNotTouchMyClothes અફઘાન મહિલાઓ પહેરવેશને લઈને તાલિબાનનો કઈ રીતે વિરોધ કરે છે?

એક 'પરફેક્ટ' પોશાક કેવો હોય? એ પણ જ્યારે મહિલાઓનો હોય ત્યારે? સામાન્યપણે તો હોવું જોઈએ કે મહિલા જ જાતે નક્કી કરે કે તેના માટે કેવો પહેરવેશ સારો છે અને કેવો ખરાબ.

પરંતુ દુર્ભાગ્યપણે આપણા સમાજમાં હજુ પણ મહિલા શું પહેરશે કે શું નહીં પહેરે, શું સારું છે, શું ખરાબ છે, શું પહેરવાની પરવાનગી છે, શાની નથી, એ બધું પુરુષ નક્કી કરે છે.

ઇમેજ સ્રોત, DR BAHAR JALALI

ઇમેજ કૅપ્શન,

ડૉ. બહર જલાલી

હાલ જ મહિલાઓના પોશાક, પહેરવેશનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે અફઘાનિસ્તાનમાં.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પરત ફર્યું છે અને ત્યાં આખી સરકાર પુરુષોની બની છે.

હવે પુરુષોની એ જ સરકાર નક્કી કરી રહી છે કે ઘરની બહાર મહિલાઓ કેવાં કપડાં પહેરીને નીકળે.

તેઓ ઇચ્છે છે કે અફઘાન મહિલાઓ બુરખો પહેરીને જ બહાર નીકળે, પછી તે સ્કૂલ, કૉલેજ હોય કે બજાર.

પણ હવે કેટલીક મહિલાઓ છે જે સોશિયલ મીડિયા થકી તેનો વિરોધ કરી રહી છે. એક અલગ જ અંદાજમાં પોતાની સ્વતંત્રતાને વ્યક્ત કરી રહી છે.

અફઘાન મહિલાઓનો વિરોધ

ઇમેજ સ્રોત, Spozhmay Maseed

ઇમેજ કૅપ્શન,

સ્પોઝમે મસીદ

અફઘાનિસ્તાનમાં ઇતિહાસનાં પ્રોફેસર રહી ચૂકેલાં ડૉ. બહર જલાલીએ એક તસવીર પોસ્ટ કરી અને તેને કૅપ્શન આપ્યું, "આ અફઘાન સંસ્કૃતિ છે. મેં પારંપરિક અફઘાન ડ્રેસ પહેર્યો છે."

આ ટ્વીટ એટલું વાઇરલ થયું કે એક બાદ એક ઘણી મહિલાઓ આ રીતે પોતાની તસવીરો શૅર કરવા લાગી.

બીબીસીનાં પત્રકાર સના સફીએ પણ પોતાની તસવીર ટ્વીટ કરી.

તેમણે લખ્યું, "તેઓ પૂછે છે કે અફઘાન મહિલાઓ કેવાં કપડાં પહેરે છે? આ રીતે. જો હું અફઘાનિસ્તાનમાં હોત તો મારા માથા પર સ્કાર્ફ હોત. તે 'રૂઢિચુસ્ત' અને 'પારંપરિક' ગમે તે હોઈ શકે છે."

વર્જિનિયાનાં એક માનવાધિકાર કાર્યકર્તા સ્પોઝમે મસીદે ટ્વિટર પર લખ્યું, "આ અમારો અસલી અફઘાન પહેરવેશ છે. અફઘાન મહિલાઓ આટલાં રંગીન અને યોગ્ય કપડાં પહેરે છે. કાળા રંગનો બુરખો ક્યારેક અફઘાનિસ્તાનનો પારંપરિક પહેરવેશ રહ્યો નથી."

અફઘાનિસ્તાનનાં માનવાધિકાર કાર્યકર્તા ઝરીફા ગફારી લખે છે, "જ્યારે આપણે અફઘાન કપડાં વિશે વાત કરીએ છીએ ત્યારે તેનો મતલબ હોય છે એ સુંદર કપડાં જે સદીઓથી આપણાં પૂર્વજોએ આપણને આપ્યાં છે."

આ સોશિયલ મીડિયા કૅમ્પેનમાં ભાગ લેનારાં એક મહિલા મલાલી બશીર પ્રાગમાં પત્રકાર છે.

તેઓ સુંદર કપડાં પહેરેલી અફઘાન મહિલાઓનાં પેઇન્ટિંગ બનાવે છે જેથી દુનિયાને પોતાના દેશની તસવીર બતાવી શકે.

બીબીસી સંવાદદાતા સદોબા હૈદર સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ગામડામાં કોઈ કાળા કે બ્લૂ રંગનો બુરખો નથી પહેરતું. લોકો પારંપરિક અફઘાન પરિધાન જ પહેરતા હતા. વૃદ્ધો અને મહિલાઓ માથા પર સ્કાર્ફ બાંધતી હતી. જ્યારે નાની ઉંમરની છોકરીઓ રંગીન શૉલ ઓઢતી હતી. મહિલાઓ હાથ મિલાવીને પુરુષોનું અભિવાદન કરતી હતી."

"હમણાં અફઘાન મહિલાઓ પર સાંસ્કૃતિક પહેરવેશ બદલવા અંગે દબાણ વધ્યું છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શરીર ઢંકાય એવાં કપડાં પહેરે જેથી લોકો તેમને જોઈ ન શકે. મેં મારું બનાવેલું એક પેઇન્ટિંગ પોસ્ટ કર્યું છે જેમાં અફઘાન મહિલાઓ પારંપરિક વસ્ત્રોમાં છે. પેઇન્ટિંગમાં તેઓ અફઘાન નૃત્ય 'અટ્ટન' કરી રહી છે."

અફઘાનિસ્તાનના પુરુષો પણ આ મહિલાઓને સમર્થન આપી રહ્યા છે.

એહસાનુલ્લાહ કરીમ નામના ટ્વિટર યૂઝર લખે છે, "આ રીતે અફઘાન મહિલાઓ અને યુવતીઓ કપડાં પહેરે છે. તે કટ્ટર આરબ ડ્રેસ કૉડથી એકદમ વિરુદ્ધ છે. આ તસવીરમાં મારી બહેન ઝેન્ત છે."

મહિલાઓના પહેરવિશે વિશે તાલિબાન શું કહે છે?

તાલિબાનનું કહેવું છે કે મહિલાઓએ શરિયતના કાયદા અને સ્થાનિક પરંપરા અનુસાર ભણવા અને કામ કરવાની પરવાનગી મળશે. પરંતુ તેની સાથે જ કડક ડ્રેસ કૉડના નિયમો પણ લાગુ થશે.

કેટલીક અફઘાન મહિલાઓ છે જે તાલિબાનની વાતનું ધ્યાન રાખી રહી છે અને તેઓ બુરખો પહેરવા લાગી છે.

અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ કહ્યું છે કે યુનિવર્સિટીઓમાં મહિલાઓ અને પુરુષ વિદ્યાર્થીઓને અલગઅલગ બેસાડવામાં આવશે અને મહિલાઓએ નકાબ પહેરવો પડશે.

જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેમનો મતલબ માત્ર માથા પર બંધાતા સ્કાર્ફથી છે કે આખો ચહેરો ઢાંકવાથી.

ઘણા પુરુષો કહે છે તેઓ 'ઑપન માઇન્ડેડ' છે અને ગર્વથી કહે છે કે તેઓ તેમની બહેનો, પત્નીને કેટલીક વસ્તુઓ કરવા દે છે. પણ સવાલ છે કે પુરુષોને આ અધિકાર કોણે આપ્યો અને મહિલાઓને 'કંઈક કરવાની પરવાનગી' આપનારા તેઓ કોણ છે?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો