IPL 2021 : કાર્તિક ત્યાગી જ્યારે રાજસ્થાન રૉયલ્સ માટે 'હીરો' બની ગયા

ટ્વેન્ટી-ટ્વેન્ટી મૅચને લઈને હંમેશાં એવું કહેવામાં આવે છે કે ક્યારેક એક ઓવર આખી મૅચનું પરિણામ બદલી શકે છે, પછી તે આંતરરાષ્ટ્રીય મૅચ હોય કે ઇન્ડિયન પ્રીમિયર લીગ હોય.

જોકે, એવું ભાગ્યે જ જોવા મળે છે કે વધુ વિકેટો અને ઓવરો બાકી હોય છતાં કોઈ ટીમ મૅચ ગુમાવી દે. મંગળવારે રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સની મૅચ આવી જ રહી.

ઇમેજ સ્રોત, IPL

ઇમેજ કૅપ્શન,

માત્ર બે ઑવરમાં મૅચની બાજી બદલાઈ ગઈ

તેમાં વિસ્ફોટક બેટિંગ જોવા મળી, તો બીજી તરફ વેધક બૉલિંગ પણ જોવા મળી. કોઈ ઓવરમાં મોટી બાઉન્ડ્રી ફટકારવામાં આવી તો કોઈક ઓવરમાં રન બનાવવા મુશ્કેલ દેખાયા.

પરંતુ મૅચની આખરી ઓવરમાં જે થયું તે પંજાબ માટે કોઈ દુખદ સપના જેવું હતું, જ્યારે રાજસ્થાન માટે તે રાહત લઈને આવ્યું હતું.

કોવિડના કારણે આ વર્ષે આઈપીએલ યુએઈમાં રમાઈ રહી છે. 19 સપ્ટેમ્બરથી તે ફરીથી શરૂ થઈ અને પંજાબ-રાજસ્થાનની મૅચ હાઈ સ્કૉરવાળી રહી.

રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરોમાં 185 રન બનાવ્યા. યશસ્વી જયસવાલે સર્વાધિક 49 રન બનાવ્યા. પંજાબ માટે સૌથી સફળ બૉલર સાબિત થયેલા અર્શદીપસિંહે 32 રન આપીને પાંચ વિકેટો લીધી. જ્યારે મોહમ્મદ શમીએ 21 રન આપીને ત્રણ વિકેટ લીધી.

પંજાબ માટે આ મોટો પડકાર હતો પંરુત કપ્તાન કે. એલ રાહુલ અને મયંક અગ્રવાલે પોતાની ટીમને સારી શરૂઆત અપાવી.

બંને વચ્ચે પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી થઈ. કે. એલ. રાહુલ 49 રન બનાવીને આઉટ થયા. પછી મયંક અગ્રવાલ પણ 67 રન બનાવીને આઉટ થઈ ગયા. પરંતુ બંનેએ પોતાની ટીમને ઘણી મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

13 ઓવરની સમાપ્તિ પર પંજાબનો સ્કૉર બે વિકેટે 126 રન હતો.

આશા

ઇમેજ સ્રોત, @KARTIKTYAGI

ઇમેજ કૅપ્શન,

કાર્તિક ત્યાગીએ 20મી ઑવરમાં બે વિકેટો લઈ લીધી.

આ સમયે પીચ પર નિકોલસ પૂરન અને ઍડેન માર્કરમ હતા.

એ સમયે એવું લાગતું હતું કે પંજાબની ટીમ સરળતાથી મૅચ જીતી જશે. કદાચ આ જ કારણ છે કે બંને બૅટ્સમૅન ચિંતા વગર રમવા લાગ્યા કે જીતી જ જઈશું અને તેમના માટે આ જ વાત મુશ્કેલ સાબિત થઈ.

18મી ઓવર પૂરી થતાં પંજાબનો સ્કૉર બે વિકેટ પર 178 રન હતો. પંજાબે બાકીની 2 ઑવરોમાં 8 રન કરવાના હતા. કોઈ પણ ટી-20 મૅચ માટે આ સરળ લક્ષ્ય હતું. પરંતુ 19મી અને 20મી ઓવરમાં પાસું પલટાઈ ગયું.

19મી ઓવર મુસ્તફિઝુર રહમાને કરી. મુસ્તફિઝુરે આ ઓવરમાં વિવિધ પ્રયોગ કર્યાં. ક્રીઝના ખૂણેથી બૉલિંગ કરી અને વાઇડ યૉર્કર પણ ફેંક્યો. પંજાબ આ ઓવરમાં મૅચ જીતી શકતું હતું. પરંતુ મુસ્તફિઝુરે આ ઓવરમાં માત્ર ચાર રન જ બનવા દીધા.

એટલે અંતિમ ઓવરમાં પંજાબે જીત માટે માત્ર ચાર રન જોઈતા હતા. ઉત્તર પ્રદેશના રહેવાસી અને 'બિનઅનુભવી' બૉલર 20 વર્ષીય કાર્તિક ત્યાગીએ ઓવર નાખી.

તેમણે આઈપીએલમાં રમવાનો વધુ અનુભવ નથી. તેમણે પ્રથમ મૅચ ગત વર્ષે રમી હતી.

પરંતુ કદાચ પોતાની હારને નિશ્ચિત માની લેતા કપ્તાન સંજૂ સેમસને તેમને ઓવર આપી. કાર્તિકને પણ નહોતી ખબર કે તેઓ ઇતિહાસ રચી દેશે.

પંજાબને જીતવા માટે છ બૉલમાં 4 રન જોઈતા હતા. તેની પાસે 8 વિકેટો હતી. પરંતુ આખરી ઓવરમાં જે થયું એ બાદ કાર્તિક મૅચ હીરો બની ગયા.

એ ઓવરમાં પ્રથમ બૉલ પર કોઈ રન ન બન્યો. તો બીજા બૉલ પર કપ્તાને એક રન બનાવ્યો.

ત્રીજા બૉલ પર વિકેટ મળી. ચોથા બૉલ પર કોઈ રન ન બન્યો અને પાંચમા બૉલે એક બીજી વિકેટ પડી.

આખરી બૉલ પર પંજાબને ત્રણ રન જોઈતા હતા અને કાર્તિકે કોઈ રન ન થવા દીધા.

આ સમગ્ર ઘટના પંજાબના કપ્તાન કે. એલ. રાહુલ સ્ટેન્ડમાંથી જોઈ રહ્યા હતા અને અંતે તેઓ ઘણા નિરાશ થયા.

કાર્તિકનાં વખાણ

રાજસ્થાનના કૅમ્પમાં ખુશીની લહેર આવી ગઈ. જ્યારે તેમની ટીમમાં એક હીરો કાર્તિક ત્યાગી છવાઈ ગયો.

કાર્તિકને પ્લૅયર ઑફ ધી મૅચ મળ્યો અને સોશિયલ મીડિયા પર તેમની ઘણી સરાહના થઈ.

મૅચ બાદ કાર્તિક ત્યાગીએ કહ્યું કે તેઓ આઈપીએલના પ્રથમ તબક્કામાં ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેઓ ફિટ થાય ત્યાં સુધીમાં કોવિડના લીધે મૅચ સ્થગિત થઈ ગઈ. આથી એ સમયે તેમને ઘણું ખરાબ લાગ્યું હતું. પરંતુ હવે તેમને ઘણું સારું લાગે છે.

કાર્તિકે કહ્યું, "હું ભાગ્યશાળી છું કે મને આ મૅચમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવવા મળી છે."

બીજી તરફ રાજસ્થાન રૉયલ્સના કપ્તાન સંજૂ સેમસને કહ્યું, "અમે વિશ્વાસ કરતા રહ્યા કે અમે જીતી શકીએ છીએ. મેં આ જ આશા હેઠળ મુસ્તફિઝુર અને ત્યાગીની ઓવરો બચાવી રાખી હતી. ક્રિકેટ એક રસપ્રદ રમત છે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને સંઘર્ષ કરતા રહેવું જોઈએ."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો