એલિયન્સ ખરેખર છે? પૃથ્વી સિવાય કોઈ જગ્યાએ જીવન છે?

શું બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન છે? અને જો હોય તો કેવું છે? - વૈજ્ઞાનિકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા પ્રશ્નો છે.

ચાલુ વર્ષના જૂનમાં અમેરિકન સરકારે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ એટલે કે યુએફઓ અંગેનો એક રિપોર્ટ અમાન્ય ઠરાવ્યો જેમાં એમ કહેવાયેલું કે પૃથ્વી પર એલિયન આવ્યાના કોઈ પુરાવા હજી સુધી નથી મળ્યા. જોકે રિપોર્ટમાં એલિયન્સની સંભાવનાને નકારવામાં નથી આવી.

ઇમેજ સ્રોત, COSMIN4000/GETTY CREATIVE

વૈજ્ઞાનિકો પાછલા ઘણા દાયકાથી આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ પૃથ્વીથી લગભગ ચાર લાઇટ યર દૂરના આલ્ફા સેન્ટૉરી નામના તારામંડળમાં જીવનની શોધ આરંભવાના છે.

પણ શું તેઓ એલિયનને શોધી શકશે? અને શું પૃથ્વીથી દૂર બીજે ક્યાંક પણ જીવન છે? આ અઠવાડિયે 'દુનિયા જહાન'માં તપાસ આ સવાલોની જ છે.

પાર્ટ 1 - ક્યાં, કઈ રીતે ઊભો થયો પ્રશ્ન

ઇમેજ સ્રોત, WILLIAM FAITHORNE/VIA WIKIMEDIA COMMONS

ઇમેજ કૅપ્શન,

બ્રિટનના પેઇન્ટર વિલિયમ ફેથોર્ને સત્તરમી સદીમાં પથ્થર પર બનેલી લુશિયન્સની એક મૂર્તિ પરથી પ્રેરણા લઈને એમની તસવીર બનાવી હતી

નૅટલી હેન્સ લેખિકા છે અને સાયન્સ ફિક્શનમાં રસ ધરાવે છે. તેમણે જણાવ્યું કે બે હજાર વર્ષ પહેલાં જ્યારે સ્પેસ ઑબ્ઝર્વેટરી નહોતાં કે નહોતી અંતરિક્ષયાનની કલ્પના કરાઈ, એ સમયે લુશિયન્સ નામના એક યુનાની (ગ્રીક) લેખકે પોતાના પુસ્તકમાં પૃથ્વીથી દૂર જીવન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે, "'અ ટ્રૂ હિસ્ટરી' નામના પુસ્તકમાં લુશિયન્સ કેટલાક પ્રવાસીઓની વાર્તા લખે છે, જેઓ એક વંટોળમાં ફસાઈને ચંદ્ર પર પહોંચી જાય છે. આ મુસાફરીમાં સાત દિવસ થયા હતા. જ્યારે હાલના સમયે રૉકેટ દ્વારા ચંદ્ર પર પહોંચતાં આના કરતાં અડધો સમય થાય છે. ત્યાં ચંદ્રના રાજા અને સૂર્યના સમ્રાટ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે અને એમની પાસે ચિત્રવિચિત્ર દેખાતી સેનાઓ હોય છે."

લુશિયન્સે પોતાના પુસ્તકમાં ચંદ્ર પર પાંખવાળા ઘોડા, વિશાળકાય ગીધો અને બાર હાથીઓ જેટલા વિશાળ કદના ચાંચડનો ઉલ્લેખ કર્યો છે. એમણે કંઈક વિચિત્ર પ્રકારના લોકો વિશે લખ્યું છે જેમને એલિયન્સ કહેવા ખોટું નહીં ગણાય.

આનાં લગભગ 800 વર્ષ પછી દસમી સદીમાં જાપાનમાં બીજી એક સાયન્સ ફિક્શન (વાર્તા) 'ધ બૅમ્બૂ કટર્સ ડૉટર' લખાયું હતું.

નૅટલીએ જણાવ્યું કે, "એ વાર્તા એવી છે કે એમાં વાંસ કાપનારી એક વ્યક્તિને એક દિવસ વાંસની અંદર તેજસ્વી પ્રકાશ દેખાયો. એમને ત્યાં એક નાની બાળકી મળી જેને તેઓ ઘરે લઈ ગયા અને પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી. પાછળથી છોકરીએ જણાવેલું કે એ ચંદ્ર પરથી આવી છે."

વીડિયો કૅપ્શન,

UFO Videos: Aliens કે બીજું કંઈ, આકાશમાં ઊડતી જોવા મળેલી આ અજીબ ચીજ શું છે?

પણ એવું કેમ છે કે શરૂઆતની જે વાર્તાઓમાં એલિયન્સનો ઉલ્લેખ છે એમાં ચંદ્રનો પણ ઉલ્લેખ છે?

નૅટલીએ જણાવ્યા અનુસાર, "એ વાત સાચી છે કે ઘણા લાંબા સમય સુધી ચંદ્રના વિષયમાં જ લખાતું રહ્યું છે. કદાચ એટલા માટે કે ધરતી પરથી ચંદ્ર સ્પષ્ટ દેખાય છે પણ શુક્ર કે મંગળ નથી દેખાતા."

પણ, ઝડપથી મંગળ પણ ચર્ચાનો વિષય બની ગયો. 1870ના દાયકામાં એક ઇટાલિયન ખગોળશાસ્ત્રી જિયોવાની વર્જિનિયો શિયાપરેલીએ ટેલિસ્કોપની મદદથી મંગળને જોયો અને એના વિશે વિસ્તારથી લખ્યું.

નૅટલીએ જણાવ્યું કે, "એમણે મંગળની સપાટી પર નીક જેવી રેખાઓ જોઈ જેને એમણે 'Canali' (કનાલી) કહ્યું. લોકોને થયું કે તેઓ કેનાલ એટલે કે નહેરની વાત કરે છે. એ અરસામાં સુએજ નહેરનું કામ પૂરું થયું હતું. ત્યાર બાદ એવી ધારણા બંધાવા લાગી કે મંગળ ગ્રહ પર રહેનારાઓએ ત્યાં નહેરો ખોદી છે."

કેટલાંક વર્ષો પછી, 1881માં, લંડન ટ્રૂથ નામની પત્રિકામાં મંગળ ધરતી પર હુમલો કરશે એવી કાલ્પનિક વાર્તા છપાઈ. એનાં થોડાં વર્ષો પછી પોલૅન્ડના એક પાદરીએ 'એલેરિયલ - એ વોયેજ ટૂ અધર વર્લ્ડ્સ' નામનું એક પુસ્તક લખ્યું જેમાં એમણે મંગળ પર રહેનારા નવ ફૂટ ઊંચા શાકાહારી લોકોનો ઉલ્લેખ કર્યો. પહેલી વાર એમણે એમના માટે માર્શિયન એવા શબ્દનો પ્રયોગ કર્યો.

ત્યાર પછી ઘણા લોકોએ મંગળ ગ્રહમાંથી નીકળતાં તેજસ્વી પ્રકાશનાં કિરણ જોયાંના દાવા કર્યા.

એ જ ગાળામાં એચ.જી. વેલ્સના પુસ્તક 'ધ વૉર ઑફ ધ વર્લ્ડ્સ'નું નાટ્ય-રૂપાંતર રેડિયો પર પ્રસારિત થયું. ઓર્સન વેલ્સે આ વાર્તાને એક ન્યૂઝ બુલેટિન સીરીઝરૂપે કંઈક એ રીતે સંભળાવેલી કે સાંભળનારાઓને લાગ્યું કે માર્શિયન્સે પૃથ્વી પર હુમલો કરી દીધો છે.

વિજ્ઞાનના વિકાસની સાથે જ પુસ્તકો અને વાર્તાઓ પર ફિલ્મો બની, જેણે યુવા વૈજ્ઞાનિકોના મનમાં એલિયન્સ વિશે જાણવાની ઇચ્છાની તીવ્ર કરી દીધી.

બીજા ગ્રહો પર જીવનની ખોજ

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE

ઇમેજ કૅપ્શન,

જિયોવાની શિયાપરેલી દ્વારા બનાવાયેલું મંગળ ગ્રહનું ચિત્ર, જે સૌ પ્રથમ 1888માં છપાયું હતું

1960ના દાયકામાં યુવા વૈજ્ઞાનિક ફ્રૅન્ક ડ્રેકે કહેલું કે એક સૌરમંડળ પરથી બીજા સૌરમંડળને સિગ્નલ મોકલવા માટે વિશ્વયુદ્ધ દરમિયાન વિકસાવાયેલી રેડિયો ટેકનૉલૉજીનો ઉપયોગ કરી શકાય છે, અને બની શકે કે એલિયન્સ પણ એમ જ કરતા હોય.

એ સંજોગોમાં એમના અસ્તિત્વને શોધવા માટે આપણે બસ એમનાં સિગ્નલને પકડવાનાં છે.

સર્ચ ફૉર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ (સેટી)માં સેથ શોસ્ટૅક વરિષ્ઠ ખગોળવિજ્ઞાની છે. ગયા છેલ્લા ચાર દાયકાથી તેઓ એલિયનોના એવા જ કોઈ સિગ્નલને સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, "ફ્રૅન્કે વેસ્ટ વર્જિનિયાની ઑબ્ઝર્વેટરીમાંના રેડિયો એન્ટિનાને નજીકના તારાઓ તરફ ફેરવી નાખ્યું. એમનો પ્રયાસ એ હતો કે જો એલિયનો સિગ્નલ મોકલે તો તેઓ એને પકડી શકે."

"તેઓ બે તારા પર નજર રાખતા હતા. મજાની વાત એ હતી કે એક તારા તરફથી એમને કોઈ સિગ્નલ ના મળ્યાં પરંતુ બીજા તારા પરથી કશોક અવાજ સંભળાયો. એમને લાગ્યું કે એમણે એલિયન શોધી લીધા છે. જોકે એ સૈન્યનું કોઈ વિમાન હોવાની સંભાવના વધુ હતી."

આખી દુનિયાના વૈજ્ઞાનિકો બને એટલી ઝડપે એલિયનોનાં નિશાન શોધવા લાગ્યાં હતાં. 1980ના દાયકામાં અમેરિકન સરકારે એલિયનોની શોધ માટે સેટી ઇન્સ્ટિટ્યૂટને આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું.

વીડિયો કૅપ્શન,

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાર, ગોલ્ફ બોલ, પાઈ જેવી વસ્તુઓને અંતરિક્ષ યાત્રામાં મોકલવામાં આવી છે.

સ્પેસમાં રેડિયો તરંગો આસાનીથી જઈ શકે છે અને સેથ રેડિયો રિસીવર પર જે અવાજ સાંભળવા માગતા હતા તે સામાન્ય અવાજો કરતાં અલગ હતો. સેથે સિમ્યૂસલેશન દ્વારા એક એવો અવાજ તૈયાર કર્યો જે સાંભળવામાં કોઈ એલિયનના સિગ્નલ જેવો હતો, જેથી એવું સમજી શકાય કે તેઓ શેની શોધ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, "સાંભળવાથી એવું લાગતું હતું જાણે કોઈ નાયગ્રા ફૉલ્સ પાસે ઊભા રહીને વાંસળી વગાડતા હોય. રિસીવર પર નાયગ્રા ફૉલ્સનો અવાજ સ્પેસના શૂન્યાવકાશના અવાજ જેવો હશે પરંતુ એ કોઈ ધૂનની જગ્યાએ કોઈ ધ્વનિની જેમ સંભળાશે."

સેથ અને એમની ટીમને એ તો ખબર જ હતી કે તેઓ શેની શોધ કરે છે પણ મુશ્કેલી એ હતી કે એના માટે એમણે લાખો રેડિયો ફ્રીક્વન્સીને તપાસવાની હતી, પછી એમને કેવી રીતે ખબર પડે કે પહેલાં કોને તપાસવાની છે.

તેમણે જણાવ્યું કે, "એ મોટી મુસીબત હતી. એલિયન્સે એવો સંદેશો તો મોકલ્યો નથી કે એ કઈ ફ્રીક્વન્સી મારે ટ્યૂન-ઇન કરવાની છે. એ સંજોગમાં મારે દરેક ફ્રીક્વન્સી ચેક કરવાની હતી. પરંતુ એમ કરવું એ સમય બગાડવા જેવું હતું. અમારે એવું રિસીવર જોઈએ જે બધી ચેનલોને એકસાથે સાંભળી શકે."

1990 સુધી એ પણ સંભવ થયું અને એવાં કમ્પ્યૂટર બન્યાં જે એકસાથે લાખો ફ્રીક્વન્સી સાંભળી શકતાં હતાં.

ઓહાયો યુનિવર્સિટીના એક ખગોળવિજ્ઞાની જ્યારે રેડિયો ટેલિસ્કોપનો ડેટા જોઈ રહ્યા હતા, ત્યારે એમને અતિ તીવ્ર અને ફ્રીક્વન્સીવાળાં સિગ્નલ મળ્યાં. એમને લાગ્યું હતું કે એ એલિયનનાં સિગ્નલ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમેરિકન ખગોળવિજ્ઞાની ફ્રૅન્ક ડ્રેકે 1961માં ડ્રૅક ઇક્વેશન નામની એક ફૉર્મ્યુલા આપી હતી જેના અનુસાર આપણી 'મિલ્કી વે' આકાશગંગામાં ઘણા એવા ગ્રહ હોઈ શકે છે જ્યાં જીવન હોય. 1960માં એમણે એલિયન્સની શોધ માટે પહેલું એક્સપરિમેન્ટ કર્યું હતું

સેથે જણાવ્યું કે, "તેઓ અત્યંત ખુશ હતા. એમણે ડેટાની બાજુમાં લખ્યું 'વાઉ'. પણ વાસ્તવમાં તેમને શું મળ્યું અમને નથી ખબર. આકાશના એ જ ભાગમાં બીજા ઘણા લોકોએ શોધ કરી પણ એમને એવું કશું મળ્યું નહીં. એમાં બે સંભાવના હતી, કાં તો એ એલિયન્સ હતા અથવા પૃથ્વી પરની કોઈ વસ્તુનો અવાજ હતો."

ઘણા લોકો માટે એ એલિયન્સના સિગ્નલનું ખૂબ સારું ઉદાહરણ હતું. પણ ખરા અર્થમાં વર્ષોની શોધ પછી પણ એલિયન્સ વિશે કોઈ નક્કર સંકેત મળી શક્યા નહોતા.

સવાલ એ થયો કે જેનું કોઈ પરિણામ જ ન મળે એવા પ્રોજેક્ટો પાછળ સરકારોના અબજો રૂપિયા ખર્ચવા, એ કેટલું યોગ્ય છે? 1990ના દાયકાની શરૂઆતમાં સેટી ઇન્સ્ટિટ્યૂટને મળતી સરકારી સહાય બંધ થઈ ગઈ. પણ, એ એલિયનની શોધનો અંત નહોતો.

કૅપ્લર

ઇમેજ સ્રોત, AMAZON.IN

ઇમેજ કૅપ્શન,

શું આપણા સૌરમંડળની બહાર પણ આવા ગ્રહ હશે, જ્યાં જીવન હોય?

ડેવિડ ગ્રિનસ્પૂન એસ્ટ્રોબાયૉલૉજિસ્ટ છે અને પ્લાનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. તેઓ અંતરિક્ષ અનુસંધાન માટે નાસાના સલાહકાર હતા.

તેમણે જણાવ્યું કે એલિયનની શોધ અંગે ખાતરી એટલા માટે ઓછી થઈ ગઈ કેમ કે એ સમય સુધી વધારે ગ્રહો શોધાયા નહોતા. પરંતુ 90ના દાયકાની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ આપણા પોતાના સૌરમંડળમાં નવા નાના ગ્રહ અને ડ્વૉર્ફ ગ્રહ શોધી કાઢ્યા.

ફરી એક વાર સવાલ ઊભો થયો કે શું આપણા સૌરમંડળની બહાર પણ આવા ગ્રહ હશે, જ્યાં જીવન હોય?

માર્ચ 2009માં નાસાએ કૅપ્લર અંતરિક્ષયાન લૉન્ચ કર્યું. એમાં ટેલિસ્કોપવાળી એક ઑબ્ઝર્વેટરી હતી, જેનો હેતુ પૃથ્વી બહારના જીવનને શોધવાનો હતો.

વીડિયો કૅપ્શન,

શું મંગળ ગ્રહ પર જીવન છે ખરું? જવાબ માટે નાસાનું યાન કરશે મંગળ પર ખોજ

ડેવિડે જણાવ્યું કે, "કૅપ્લર બુદ્ધિશાળી વિચાર હતો. એ એવો હતો કે ધરતીથી દૂર તમે એક એવી જગ્યાએ એને રાખો જ્યાંથી એ આખા અંતરિક્ષ પર નજર રાખી શકે."

કૅપ્લર ઘણાં વર્ષો સુધી તારા પર ધ્યાન રાખતું રહ્યું. એનું કામ એ જોવાનું હતું કે તારામાંથી આવતો પ્રકાશ બદલાય છે કે નહીં.

તેમણે જણાવ્યું કે, "જો પ્રકાશમાં પરિવર્તન થાય તો એનો અર્થ એ કે આપણી અને એ તારાની વચ્ચેથી કોઈ પસાર થાય છે, શક્ય છે એ કોઈ ગ્રહ હોય. જો કોઈ તારાના ટમટમવામાં કશી પૅટર્ન હોય તો ખબર પડે કે કોઈ વસ્તુ એનાં ચક્કર મારે છે."

કૅપ્લર માટે એવી આશા હતી કે એ કેટલાક ગ્રહ શોધી આપશે પણ નવ વર્ષની તેની સમયાવધિમાં તેણે આપણા સૌરમંડળની બહાર 2600 ગ્રહ શોધ્યા. 2013માં વૈજ્ઞાનિકોએ આકલન આંક્યું કે આ હિસાબ પ્રમાણે તો આપણી આકાશગંગામાં અબજો એવા ગ્રહો હોઈ શકે.

પણ એમાંના કેટલામાં જીવનની સંભાવના હોઈ શકે?

ઇમેજ સ્રોત, DR SETH SHOSTAK/SPL

ઇમેજ કૅપ્શન,

અમેરિકાના ખગોળ વૈજ્ઞાનિક ફૅંક ડ્રેકે 1961માં ડ્રેક ઇક્વેશન નામની એક ફૉર્મ્યુલા આપી હતી જે અનુસાર આપણા 'મિલ્કી વે' આકાશગંગામાં ઘણા એવા ગ્રહો હોઈ શકે છે જ્યાં જીવન છે

ડેવિડે જણાવ્યું કે, "એ અંગે અંદાજે અનુમાન કરી શકાય છે કેમ કે આપણને નથી ખબર કે કયા સંજોગોમાં જીવન ખીલે છે. આપણી સામે માત્ર પૃથ્વીનું જ ઉદાહરણ છે. પણ આપણે એમ માની શકીએ કે પૃથ્વીના આકારનો કોઈ ગ્રહ જો કોઈ ખાસ ક્લાઇમેટ ઝોનમાં હોય તો ત્યાં જીવન હોવાની સંભાવના છે. એ હિસાબે કહી શકાય કે આપણી આકાશગંગામાં એવા ઓછામાં ઓછા 30 કરોડ ગ્રહ હોઈ શકે છે."

ડેવિડ ગ્રિનસ્પૂનના જણાવ્યા અનુસાર આ શોધ એવી ક્રાંતિ હતી જેણે પૃથ્વીની બહાર જીવનની સંભાવના અંગેના વૈજ્ઞાનિકોના વિચારોને બદલી નાખ્યા.

તેમણે જણાવ્યું કે, "મોટા ભાગના ખગોળવિજ્ઞાની કે વૈજ્ઞાનિકો કહેશે કે એમને વિશ્વાસ છે કે બીજા કોઈ ગ્રહ પર પણ જીવન હશે. અત્યાર સુધીમાં પૃથ્વીના વિષયમાં એવું કંઈ ખાસ જાણવા નથી મળ્યું જેનાથી એમ કહી શકાય કે જીવન માત્ર અહીં જ પાંગરી શકે એમ હતું."

દરમિયાનમાં, અહીં ધરતી પર એક્સ્ટ્રીમોફાઇલ્સ જેવા કેટલાક એવા જીવો શોધાયા જે એ સાબિત કરે છે કે અતિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવન ખીલી શકે છે. વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે આ નાના જીવ જે જીવનની શરૂઆતનો આધાર છે એ આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે.

આ નવી ખોજે ફરી એક વાર એલિયનોની શોધમાં દિલચસ્પી વધારી છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, જો ક્યાંક એલિયન્સ મળી ગયા, તો શું?

એલિયન મળશે તો શું કરીશું આપણે?

ઇમેજ સ્રોત, MARK GARLICK/SPL

ઇમેજ કૅપ્શન,

મિલ્કી વે

સ્ટીવન ડિક ખગોળવિજ્ઞાની છે, સાથે વિજ્ઞાનના ઇતિહાસકાર પણ છે. તેઓ નાસામાં મુખ્ય ઇતિહાસકાર હતા. આંતરરાષ્ટ્રીય એસ્ટ્રૉનોમિકલ યુનિયને એમના નામ પરથી એક ગ્રહનું નામ 6544 સ્ટીવનડિક આપ્યું છે.

બીજા ખગોળવિજ્ઞાનીઓની જેમ સ્ટીવનને પણ વિશ્વાસ છે કે પૃથ્વીથી બીજે ક્યાંક પણ જીવન છે. પરંતુ એમને ચિંતા એ વાતની છે કે એની ખબર પડ્યા પછી શું થશે?

તેમણે જણાવ્યું કે, "મને એટલી ખબર છે કે, ના તો અમેરિકન સરકાર પાસે અને ના તો બીજા કોઈની પાસે એવી કોઈ યોજના છે કે જો ક્યાંક એલિયન મળી જાય તો એની અસર શી થશે?"

સ્ટીવન ડિક ઘણાં વરસો સુધી નાસા પ્રાયોજિત એલિયન લાઇફ પ્રિપરેશન પ્રોગ્રામમાં કાર્યકર રહ્યા છે. તેમણે કહ્યું કે, બીજા ગ્રહો પરથી આવતી વસ્તુઓ માટે કેટલાક નિયમો તો છે પણ એ લાંબા સમય માટે નથી બનાવાયા.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તો આપણને એ ખબર નથી પડી કે જેમને આપણે શોધીએ છીએ તે કેવા છે અને આપણને મળીને તેમની પ્રતિક્રિયા કેવી હશે?

તેમણે જણાવ્યું કે "આપણે એમ સમજીને આગળ વધી શકીએ કે એલિયન સારા જ હશે. માઇક્રોબના સ્તરે જોવા જઈએ તો એવો સંભવ છે કે બીજા ગ્રહ પરથી આવેલા બૅક્ટેરિયા અહીં સંક્રમણ ફેલાવી શકે છે."

"આપણને ખબર નથી કે એલિયન્સની દુનિયામાં પરોપકારનો સિદ્ધાંત છે કે કેમ? શું માણસો તરફનું એનું વલણ યોગ્ય હશે?"

વીડિયો કૅપ્શન,

અંતરિક્ષમાં ભેગા થયેલા 8000 ટન કચરાને દૂર કરવાની કહાણી

પરંતુ શું એવો સંભવ છે કે જે એલિયનને આપણે શોધીએ છીએ એ આપણે શોધી રહ્યા હોય અને આપણને મળવા પૃથ્વી પર આવી જાય? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે આપણે એલિયન્સ સાથે વાતચીત કઈ રીતે કરીશું?

સ્ટીવને જણાવ્યું કે, "આ ગંભીર ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે ફિલ્મ અરાઇવલમાં આ વાતને ખૂબ સારી રીતે પ્રસ્તુત કરાઈ છે. એમાં કેટલાક એલિયન માણસો સાથે વાત કરવાની કોશિશ કરે છે. તમારે એવી ભાષા જોઈએ જેને આખું બ્રહ્માંડ સમજતું હોય. ઘણા લોકોને લાગે છે કે ગણિત આનો જવાબ હોઈ શકે, પણ એને લગતી પણ જુદી જુદી થિયરી છે. કેટલાક કહે છે કે ગણિતનો આવિષ્કાર કરવામાં આવ્યો અને કેટલાક માને છે કે ગણિત શોધાયું છે."

આ ઉપરાંત બીજા પણ કેટલાક સવાલો છે જે પરેશાનીનું કારણ બની શકે છે, જેવા કે શું આપણે તેમને ધર્મનાં ચોકઠાંમાં જોઈશું? આપણે એમની સાથે કેવો વ્યવહાર કરીશું? અને પછી દુનિયા તરફથી એમની સાથે વાત કરશે કોણ, સંયુક્ત રાષ્ટ્ર કે બીજા કોઈ?

આ સવાલોના જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. સ્ટીવન ડિકે જણાવ્યું કે આના વિશે ચર્ચા માટે આપણે ખગોળવિજ્ઞાનીઓ, દાર્શનિકો, જીવવિજ્ઞાનીઓ અને રાજનેતાઓનો સાથ લેવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે, "મને લાગે છે કે આપણી પાસે કોઈ યોજના હોવી જોઈએ, આપણને ખબર નથી કે શું કરવું જોઈએ?, પણ આ વિષયમાં પહેલેથી વિચારી લેવું યોગ્ય ગણાશે."

આપણે આપણા સવાલ પર પાછા ફરીએ કે શું ખરેખર એલિયન્સ છે?

વીડિયો કૅપ્શન,

નાસાના વૈજ્ઞાનિકો પ્રમાણે ધીરે ધીરે ચંદ્ર સંકોચાઈ રહ્યો છે, પણ શા માટે?

આપણે જાણીએ છીએ કે બીજા કોઈ ગ્રહ પર જીવન હોવા વિશે અત્યાર સુધીમાં આપણને એક પણ નક્કર પુરાવો મળ્યો નથી. દાયકાઓની શોધ પછી પણ આ બાબતમાં આપણે આજે પણ ત્યાં જ ઊભા છીએ જ્યાંથી શરૂઆત કરી હતી.

પરંતુ આને એક જુદા દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. આ સંભાવનાનો પ્રશ્ન છે. બ્રહ્માંડમાં લાખો આકાશગંગા છે જેમાંની એક આપણી મિલ્કી વે છે, અને આપણી આકાશગંગામાં પણ અબજો ગ્રહ છે.

સંભવ છે કે પૃથ્વી એવો એકલો ગ્રહ નહીં હોય જેના પર જીવન ખીલી શકે છે. બની શકે કે કોઈ અન્ય ગ્રહ પર પણ જીવન હોય અને કદાચ એ આપણા જેવું જ હોય.

બની શકે કે કોઈ દિવસ આપણે એલિયનોને શોધી શકીએ અથવા તો, કદાચ એ જ આપણેને પહેલાં શોધી લે.

પ્રોડ્યૂસર - માનસી દાશ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો