જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો શું થશે?
- જોનાથન બીલ
- સંરક્ષણ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
પશ્ચિમના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરવાનો નિર્ણય લેશે તો સંઘર્ષ સમગ્ર યુરોપમાં ફેલાઈ શકે છે.
બીબીસી અને અન્ય પત્રકારો સાથે વાત કરતા આ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આપણે અંધારામાં ન રહેવું જોઈએ. જો રશિયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો તે નાટોના સભ્યો સામે પણ કાર્યવાહી કરશે."
"આ લડાઈ માત્ર એક દેશ પૂરતી જ સીમિત રહેશે એવો વિચાર નરી મૂર્ખતા ગણાશે."
ઇમેજ સ્રોત, Getty Images
2014માં પૂર્વીય યુક્રેનમાં થયેલી લડાઈમાં 14,000 લોકો માર્યા ગયા હતા અને લગભગ 14 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
બ્રિટનના સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિને પણ આવી જ ચિંતા વ્યક્ત કરી છે.
એડમિરલ સર ટોની રાડાકિને મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્ણ આક્રમણની દૃષ્ટિએ આનાથી ખરાબ પરિસ્થિતિ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં જોવા નહીં મળી હોય. તેમણે યુક્રેનની સરહદે રશિયન સૈનિકોના જમાવડાને "અત્યંત ચિંતાજનક" ગણાવ્યો છે.
યુએસ અને તેના નાટો સહયોગીઓએ ચેતવણી આપી છે કે રશિયાનો યુક્રેન પર હુમલાનાં "ગંભીર આર્થિક પરિણામો" આવશે, તેમ છતા રશિયાના સૈન્યનો યુક્રેનની સરહદે જમાવડો ચાલુ છે.
આ સ્થિતિ વિશે ગુપ્તચર અધિકારીનું કહેવું છે કે આમ કંઈ અચાનક નથી થયું પરંતુ "સતત" પ્રક્રિયાનો હિસ્સો છે.
પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓના અંદાજ મુંજબ, 1,00,000 રશિયન સૈનિકો હાલમાં યુક્રેન સરહદે ટેન્ક અને આર્ટિલરી સાથે તહેનાત છે. અમેરિકાનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 1,75,000 થઈ શકે છે.
પશ્ચિમના સંરક્ષણ અધિકારીએ કહ્યું કે જો રશિયાએ અત્યારે હુમલો કરવાનો નિર્ણય લઈ લીધો હશે તો તે તેમ કરી શકે છે.
તેમણે એ પણ ધ્યાન દોર્યું કે રશિયન સૈન્યને હજુ પણ યુક્રેનની સરહદે સંપૂર્ણ લૉજિસ્ટિકલ સપોર્ટ, દારૂગોળો, ફિલ્ડ હૉસ્પિટલો અને બ્લડ બૅન્કો જેવી કેટલીય મહત્ત્વપૂર્ણ સુવિધાઓની ભારે માત્રામાં જરૂરિયાત છે.
આ ગુપ્તચર અધિકારીએ રશિયન સૈન્યના જમાવડાને "ધીમી ગતિનો" અને "ધીમે ધીમે દબાણ વધારતો" ગણાવ્યો હતો.
અમેરિકન અધિકારીઓએ પણ રશિયાના સોશિયલ મીડિયા પર "દુષ્પ્રચાર"માં વધારા તરફ ધ્યાન દોર્યું છે.
કેવી હશે આ લડાઈ?
ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના સમર્થનવાળા અલગાવવાદીઓ સાથેની લડાઈમાં પૂર્વ યુક્રેન ભારે તબાહી થઈ છે.
ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા યુક્રેન પર હુમલો કરે તો મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થઈ શકે છે.
તેમણે કહ્યું, "યુક્રેનમાં તબાહીને કારણે શરણાર્થીઓની સંખ્યા અને મૃત્યુઆંક ખૂબ જ વધારે રહેવાનું અનુમાન છે."
2014માં પૂર્વીય યુક્રેનમાં થયેલી લડાઈમાં 14,000 લોકો માર્યા ગયા હતા અને લગભગ 14 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
ગુપ્તચર અધિકારીએ એમ પણ જણાવ્યું કે આ કાર્યવાહીમાં રશિયા નાટોના સભ્ય દેશો પર સાયબર અને હાઇબ્રિડ હુમલા કરવાની સાથે સીધા હુમલા પણ કરી શકે છે.
"જો આ લડાઈ અન્યત્ર ફેલાશે, તો આ અસરો વધુ વિસ્તૃત થઈ શકે છે," એમ તેમણે કહ્યું.
પુતિનનો ઇરાદો
ઇમેજ સ્રોત, Reuters
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદા અંગે પશ્ચિમી દેશો હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું, "શું પુતિને આક્રમણ કરવાનો નિર્ણય લીધો છે? નિર્ણય લેવાનો હજુ બાકી છે."
જોકે તે ગુપ્તચર અધિકારીએ ચેતવણી આપી છે કે જો રશિયાની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો "ક્રેમલિનના ટેબલ પર લશ્કરી વિકલ્પો મુકાવાની શક્યતાઓ ઘણી વધારે" છે.
ગુપ્તચર અધિકારીએ કહ્યું કે ઘણી બાબતો જોવી પડશે. આમાં મૉસ્કોની કટ્ટર આક્ષેપબાજી, યુક્રેન અને નાટો પર ઉશ્કેરણીનો આરોપ લગાવવો, પારદર્શિતાનો અભાવ અને 2014માં રશિયાનો ક્રિમિયા પર કબજો કરવાના ઇતિહાસનો ચિંતાજનક ટ્રેક રેકૉર્ડ વગેરે.
તેમણે કહ્યું, "આમાં બેલારુસમાં હજારો પ્રવાસીઓના સ્થળાંતર સાથે જોડાયેલા તાજેતરના સરહદસંકટની સાથે કાકેશસ અને અન્ય પ્રદેશોમાં અલગતાવાદીઓને રશિયન સમર્થનનો પણ સમાવેશ થાય છે."
તે અધિકારીએ કહ્યું કે જોકે આ બધા કેસ વ્યૂહાત્મક રીતે જોડાયેલા છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તેમના મતે, આ દર્શાવે છે કે પૂર્વીય યુરોપના પૂર્વ ભાગમાં સમસ્યા છે.
રશિયાની માગણીઓ અને તેમના રાજદ્વારી ઉકેલો
અમેરિકા અને નાટોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંઘર્ષ ટાળવા માટે રશિયા સાથે વાતચીત કરવા માગે છે. મૉસ્કો પણ ઇચ્છે છે કે વાતચીત ચાલુ રહે.
આ અઠવાડિયાની શરૂઆતમાં બાયડન અને પુતિન વચ્ચેની વર્ચ્યુઅલ મીટિંગ એ દિશામાં શરૂઆત છે. એ પછી નાટોના અન્ય સભ્ય દેશો સાથે વધુ વાતચીત થશે.
જોકે રશિયાની માગણીઓ અને કહેવાતી "લાલ રેખાઓ" કૂટનીતિને મુશ્કેલ બનાવી રહી છે. રશિયા ઘણા મુદ્દાઓ પર ખાતરી માગે છે.
જેમ કે યુક્રેન ક્યારેય નાટોમાં જોડાવું ન જોઈએ, યુક્રેનમાં નાટોના સભ્યદેશોનું કોઈ કાયમી દળ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવું જોઈએ અને રશિયન સરહદે લશ્કરી કવાયત કરવા માટે પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું ન જોઈએ.
જોકે નાટોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમનું જોડાણ સુરક્ષા ખાતર રચાયું છે અને તે રશિયા માટે ખતરો નથી.
આ સાથે નાટોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના મતે યુક્રેનને એક સાર્વભૌમ દેશ તરીકે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. આ સિવાય તે યુક્રેનના ભવિષ્ય પર તે રશિયાને વીટો આપવા તૈયાર નથી.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો