સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં રહેતા હીરાવેપારી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતા અને આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે
જે બાદ ચોથો કેસ સુરતમાં નોંધાયો છે અને તે 44 વર્ષીય હીરાવેપારી છે.
ઍરપૉર્ટ પર કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. જોકે ઘરે પહોંચ્યા બાદ આ હીરાવેપારીની તબિયત બગડી હતી, જે બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
આ હીરાવેપારી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી સુરત પરત ફર્યા હતા.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીબીસીના સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ દર્દીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે."
કમિશનર પાનીએ કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં જ ગુજરાત સરકારની જિનોમ સિક્વન્સિંગ લૅબમાં તેમના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.
આ રિપોર્ટ મળતાં જ તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો, મિત્રો અને હૉસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેમનાં બાળકો શાળાએ જતાં હોવાથી સ્કૂલના પણ અન્ય લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દર્દીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે રવિવારે સુરત શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણના આઠ નવા કેસ નોંધાયા હતા, એ અગાઉ શનિવારે 11 કેસ નોંધાયા હતા.
આ સાથે જ સુરત જિલ્લાના વલસાડ અને નવસારીમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા હતા.
શનિવારે સુરતમાં એક આઠ વર્ષીય બાળક પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયું હતું.
અહેવાલો પ્રમાણે આ બાળકના પરિવારજનો પણ પહેલાં સંક્રમિત થયા હતા અને તેઓ જે ઍપાર્ટમૅન્ટ રહે છે, એ ઍપાર્ટમૅન્ટમાં એક અઠવાડિયા દરમિયાન નવ કેસ નોંધાયા છે.
વધુ એક કેસ આવ્યા બાદ આ ઍપાર્ટમૅન્ટને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું હતું.
દેશના માથે ઓમિક્રૉનનું સંકટ? કુલ કેસ 45 થયા
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ચાર નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા 45 થઈ ગઈ છે.
આ પહેલાં સોમવારે ગુજરાતના સુરતમાં એક કેસ નોંધાયો હતો અને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધુ બે કેસ નોંધાયા હતા.
દેશભરની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધારે કેસ ગુજરાતનાં બે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે, જેની સંખ્યા અનુક્રમે 20 અને નવ છે.
આ સાથે જ ગુજરાતમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, કેરળમાં એક, આંધ્રપ્રદેશમાં એક, દિલ્હીમાં છ અને ચંડિગઢમાં એક કેસ થયા છે.
લખીમપુર ખીરી હિંસા અંગે તપાસ ટીમનું તારણ, 'પૂર્વાયોજિત કાવતરું' હતું
ઇમેજ સ્રોત, ANI
3 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ત્રણ કારના એક કાફલાએ પ્રદર્શનકારી ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં
3 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ત્રણ કારના એક કાફલાએ પ્રદર્શનકારી ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ન્યૂઝ લૉન્ડ્રી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ ત્રણ કારમાંથી બે કાર કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રની હતી.
સમાચાર એજન્સી એએનઆઈ યુપી અનુસાર આ મામલાની તપાસ કરી રહેલી ટીમે જણાવ્યું છે કે આ સમગ્ર હિંસા 'પૂર્વાયોજિત કાવતરું' હતી.
જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતમાં કોરોનાથી થયેલાં મોતના આંકડા મામલે ખુલાસો, જાહેર કરાયા એનાથી વધારે લોકોનાં મોત થયાં
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોના સહાય માટે તેમની પાસે કુલ 22,557 અરજીઓ આવી હતી. જે પૈકી 16,175 કેસોમાં તેમણે સહાય ચૂકવી છે
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોના સહાય માટે તેમની પાસે કુલ 22,557 અરજીઓ આવી હતી. જે પૈકી 16,175 કેસોમાં તેમણે સહાય ચૂકવી છે.
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોરોના મૃતકોનો સત્તાવાર આંકડો 10,099 છે. જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા આંકડામાં સત્તાવાર મૃત્યુ કરતાં 6,076 મોત વધુ દર્શાવવામાં આવ્યાં છે.
સુનાવણી દરમિયાન ગુજરાતના રાહતકમિશનરે કહ્યું હતું કે, "અત્યાર સુધી અમને કોરોના સહાય માટે કુલ 22,557 અરજીઓ મળી છે. જે પૈકી 16,175 અરજીઓ માન્ય રાખવામાં આવી છે અને આ 16,175 અરજીમાંથી 14,215 અરજીઓ અંતર્ગત રકમ ચૂકવાઈ ગઈ છે."
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો