Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

 1. કોરોના વાઇરસ : આજે દિવસભરમાં શું થયું?

  • ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 5,865 થઈ, મૃતકોની સંખ્યા 169 પર પહોંચી.
  • કોરોનાથી વિશ્વભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 15 લાખને પાર, મૃતકોની સંખ્યા 90 હજારને પાર.
  • અમેરિકામાં સૌથી વધુ 4,32,132 સંક્રમિત દર્દીઓ.
  • અત્યાર સુધીમાં ઇટાલીમાં 17,669, સ્પેનમાં 15,238, અમેરિકામાં 14,802 અને ફ્રાન્સમાં 10,869 લોકોનાં મૃત્યુ.
 2. બ્રિટનમાં મૃતકોની સંખ્યા અંદાજે 8,000

  બ્રિટનના વિદેશમંત્રી ડૉમિનિક રાબે કહ્યું કે વડા પ્રધાન બોરિસ જૉન્સન હજુ પણ આઈસીયુમાં છે, પરંતુ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

  દેશની વર્તમાન સ્થિતિની જાણકારી આપતાં તેઓએ કહ્યું કે બુધવાર સુધીમાં બ્રિટનમાં 7,978 લોકોનાં મૃત્યુ થયાં છે.

  અગાઉના દિવસની સંખ્યાના હિસાબે બ્રિટનમાં વધુ 881 લોકોએ જીવ ગુમાવ્યા છે.

  ડૉમિનિક રાબ
 3. કોરોના વાઇરસ : દિલ્હીમાં ગુરુવારે 3 લોકોનાં મૃત્યુ, 51 નવા કેસ

  દિલ્હી સરકારે ગુરુવારે હેલ્થ બુલેટિન જાહેર કરીને જણાવ્યું કે ગુરુવારે કોવિડ-19થી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

  તો ગુરુવારે નવા 51 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં 35 લોકો વિદેશની યાત્રા કરનારા છે.

  આ સાથે જ દિલ્હીમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 720 થઈ ગઈ છે.

  View more on twitter
 4. ચીનના વુહાનમાં હાલની સ્થિતિ શું છે?

  બીબીસીના ચીન મામલાના વિશ્લેષક કેરી ઍલને જણાવ્યું કે ચીનના વુહાન શહેરમાં લૉકડાઉન પૂરું થયાને 24 કલાક થયા છે અને એવું લાગે છે કે લોકો 77 દિવસ બાદ મળેલી આઝાદીનો આનંદ ઉઠાવી રહ્યા છે.

  ચીની મીડિયા અનુસાર 65,000 લોકોએ ટ્રેન અને વિમાનના માધ્યમથી બુધવારે શહેર છોડી દીધું.

  શહેરમાં પણ 6 લાખ 20 હજાર લોકોએ અંદાજે અઢી મહિના બાદ કાર, ટેક્સી, બોટ અને મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો.

  જોકે ચીનના સરકારી અખબાર ચાઇના ડેઇલીનું કહેવું છે કે વુહાનમાં સખત નિરીક્ષણ ચાલુ રહેશે અને લોકોનું તાપમાન માપવા સહિત માસ્ક પહેરવા જેવી બાબતો ચાલુ રહેશે.

  ચીન સરકાર એવો ઉપાય શોધી રહી છે કે શંકા જતાં જ બે કલાકમાં આવા મામલાનો રિપોર્ટ કરી શકાય.

  જોકે વુહાનના લોકો હજુ પણ સિનેમા અને અન્ય મનોરંજનનાં સ્થળોએ જઈ નહીં શકે.

  તેને થોડા દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યાં હતાં પણ સરકારના આદેશ બાદ ફરી તેને બંધ કરી દીધાં છે.

  વુહાન
 5. ગુજરાતમાં કુલ 262 કેસ, સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો

  ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યાથી વધુ 21 કેસ નોંધાયા છે.

  તેઓએ માહિતી આપી કે કુલ 262 કેસમાંથી 215 કેસ ઍક્ટિવ, 212 પેશન્ટ સામાન્ય સ્થિતિમાં, ત્રણ દરદી વૅન્ટિલેટર પર છે.

  "24 કલાક દરમિયાન 1975 ટેસ્ટ થયા, 17 હજાર ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ, કોરોના કેસની સંખ્યામાં થયેલો ઉછાળો ચિંતાજનક નહીં, પરંતુ અપેક્ષિત હતો."

  "મહાનગર તથા જિલ્લાસ્તરે કોવિડ હૉસ્પિટલ્સ સાધન તથા સંશાધનની દૃષ્ટિએ સજ્જ, શુક્રવારે દરેક જિલ્લામાં આઈ.એમ.એ.ના તબીબો તથા જિલ્લા કલેક્ટરની સંકલન સમિતિની બેઠક મળશે."

  તેમણે કહ્યું, "હૉટસ્પૉટમાં સઘન તપાસ હાથ ધરી હોવાથી આગામી બે-ચાર દિવસમાં કેસોમાં ઉછાળો નોંધાય તેવી શક્યતા છે."

  જોકે તેઓ હાલમાં સ્થિતિ નિયત્રંણમાં હોવાનો દાવો કર્યો હતો.

  તેમણે કહ્યું કે હૉટસ્પૉટ્સમાં આવતી આરોગ્ય ટીમોને જનતા સહકાર આપે.

 6. અમેરિકા : કોરોના ફેલાવવાની ધમકી પર આતંકવાદનો કેસ દાખલ

  અમેરિકામાં બે લોકોએ કોરોના વાઇરસ ફેલાવવાની ધમકી આપી હતી. બાદમાં તેમની સામે આતંકવાદનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  અમેરિકન સરકારે કોરોના વાઇરસને એક જૈવિક હથિયાર જાહેર કર્યો છે અને અફવા ફેલાવનારને પાંચ વર્ષ સુધી સજા થઈ શકે છે.

  પહેલી ઘટના ફ્લોરિડાની છે, જ્યાં એક વ્યક્તિ પર પોલીસકર્મીઓ પર ખાંસવા અને થૂંકવાનો આરોપ છે. પોલીસકર્મી ઘરેલુ હિંસાની ફરિયાદ મળતાં તેઓની ધરપકડ કરવા માટે પહોંચ્યા હતા.

  અદાલતમાં રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર 31 વર્ષીય આ વ્યક્તિએ પોલીસવાળાને કહ્યું- "મને કોરોના છે." બાદમાં તેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

  બીજો કેસ ટેક્સાસનો છે, જ્યાં એક વ્યક્તિએ ફેસબુકમાં ખોટો દાવો કર્યો હતો કે તેણે સેન્સ ઍન્ટોનિયો શહેરના સુપરમાર્કેટમાં કોરોના ફેલાવવા માટે કોઈને પૈસા આપ્યા છે.

  ડોનાલ્ડ ટ્રમ્પ
 7. જાપાન : એક દિવસમાં સૌથી વધુ સંક્રમણ

  જાપાનમાં બુધવારે 500થી વધુ સંક્રમણના નવા કેસની પુષ્ટિ થઈ છે.

  ગુરુવારે જાપાનના સ્વાસ્થ્ય મંત્રલાયે કહ્યું કે આફત પછીના દિવસોમાં એક દિવસના સંક્રમણના આ સૌથી વધારે કેસ છે.

  આ 503 કેસમાંથી 144 રાજધાની ટોક્યોના છે.

  જાપાનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5000થી વધુ થઈ ગઈ છે.

  એક દિવસ પહેલાં જ કોરોના સંકટને લીધે જાપાનમાં કટોકટીની જાહેરાત કરાઈ હતી.

  લોકો
 8. કોરોના વાઇરસ : ઇંદોરમાં ડૉક્ટરનું મૃત્યુ, કેટલાય સ્વાસ્થ્યકર્મીઓ સંક્રમિત

  ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે મધ્ય પ્રદેશમાં એક 62 વર્ષીય ડૉક્ટરનું કોવિડ-19ને કારણે મૃત્યુ થયું છે.

  ઇંદોરના સીએમએચઓ ડૉ. પ્રવીણ જડિયાએ બીબીસી હિંદીના શુરૈહ નિયાઝીને કહ્યું કે ડૉ. શત્રુઘ્ન પંજવાણી છેલ્લા કેટલાક દિવસો પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની સારવાર ચાલતી હતી.

  તેમની હાલત ગંભીર હતી અને ગુરુવારે સવારે તેમનું મૃત્યુ થયું છે.

  મધ્ય પ્રદેશમાં પહેલી વાર કોરોનાને કારણે કોઈ ડૉક્ટરનું મૃત્યુ થયું છે. જોકે ઘણા ડૉક્ટરો કોરોના પૉઝિટિવ છે.

  આ મૃત્યુ પછી પ્રશાસન વધુ સતર્ક થયું છે. પ્રશાસને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે.

  મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ડૉ. શત્રુઘ્ન પંજવાણીને ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી છે.

  View more on twitter
 9. સ્પેનમાં મૃતકોની સંખ્યા 15,000ને પાર

  સ્પેનમાં કોરોના વાઇરસને કારણે મૃતકોની સંખ્યા 15,000થી વધુ થઈ ગઈ છે.

  જોકે નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

  છેલ્લા 24 કલાકમાં 683 નવા કેસની પુષ્ટિ કરાઈ છે. બુધવારે આ સંખ્યા 757 હતી.

  સ્પેનની સંસદમાં લૉકડાઉનની સીમાને વધારવા માટે ચર્ચા થઈ રહી છે, પરંતુ ત્યાંના વડા પ્રધાને કહ્યું કે હવે એવું લાગે છે કે સ્થિતિને કાબૂમાં લઈ શકાશે.

 10. લૉકડાઉનના કડક અમલ માટે પોલીસને નિર્દેશ

  અમદાવાદમાં લૉકડાઉનનો વધુ કડકાઈથી અમલ કરાવવા પોલીસ કમિશનરને નિર્દેશ અપાયા છે.

  ગુજરાતના ડી.જી.પી શિવાનંદ ઝાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાગરિકો ઘરે રહીને લૉકડાઉનનો અમલ કરે, અન્યથા કડકાઈથી કાર્યવાહી થશે. નાગરિકો ખાનગી સોસાયટીના ક્લબ-હાઉસમાં એકઠા ન થાય, તે પણ ગુનાપાત્ર અપરાધ છે.

  તો અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે આવશ્યક ચીજવસ્તુ અને સેવાને અવર-જવર માટે પાસ અપાયા છે, પરંતુ જો તેઓ નિષેધાત્મક આદેશોનું પાલન નહીં કરે તો મંજૂરી પાછી ખેંચાશે.

  • એસ.આર.પી.ની પાંચ કંપની તથા આર.એ.એફની બે કંપની અમદાવાદમાં તહેનાત
  • આ સિવાય ચાર હજાર હૉમગાર્ડ અને 200 સિવિલ ડિફેન્સ સેવારત
  • અમદાવાદમાં 14 વિસ્તારને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કરાયા છે, જેને એસ.આર.પી. તથા સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા અપાઈ
  • અમદાવાદમાં કોટ વિસ્તારમાં કૉર્પોરેશનના મૅગા ચેકિંગ ઑપરેશનને પોલીસ રક્ષણ
  • અમદાવાદના ત્રણ ઝોનના પોલીસ કર્મચારીઓના આરોગ્ય પર દૈનિક નજર રખાઈ રહી છે
  View more on twitter
 11. ભારતમાં કેટલા ટેસ્ટ થયા?

  આઈસીએમઆર એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં એક લાખ 30 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 5,374 લોકોના કોરોના વાઇરસના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

  છેલ્લા દોઢ મહિનામાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા આશરે ત્રણથી પાંચ ટકા છે અને એમાં વધારે વૃદ્ધિ થઈ નથી.

  બુધવારે 13,143 સૅમ્પલની તપાસ કરવામાં આવી હતી.

  View more on twitter
 12. લૉકડાઉનમાં બાળશોષણ અને હિંસાના કૉલમાં વધારો

  ચાઇલ્ડલાઇન ઇન્ડિયાને હેલ્પલાઇન પર 11 દિવસમાં બાળશોષણ અને હિંસાથી સુરક્ષા માટે 92,000થી વધુ કૉલ આવ્યા છે.

  ધ હિન્દુએ ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી આ અહેવાલ છાપ્યો છે.

  માર્ચ 20-31 વચ્ચે દેશભરમાંથી બાળકો માટેની 'CHILDLINE 1098' હેલ્પાલાઇન પર 3.07 લાખ કૉલ આવ્યા છે. લૉકડાઉનના પહેલા અઠવાડિયામાં આવેલા કૉલમાં 30% કૉલ બાળકો પર દુર્વ્યવહાર અને હિંસા સામેની સુરક્ષા અંગે હતા.

  અહેવાલમાં જણાવાયું છે કે ચાઇલ્ડલાઇન ઇન્ડિયાના ઉપનિદેશક હરલીન વાલિયાએ સૂચન કર્યું છે કે કોરોના વાઇરસ લૉકડાઉન દરમિયાન હેલ્પલાઇનને એક જરૂરી સેવા જાહેર કરવી જોઈએ.

  વાલિયા અનુસાર, 24 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ શરૂ થયેલા લૉકડાઉન બાદ કૉલની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.

  લૉકડાઉન બાદ મળેલા અન્ય કૉલમાં શારીરિક સ્વાસ્થ્ય (11 ટકા કૉલ), બાળશ્રમ (8 ટકા), બાળકો ગુમ અને ભાગી જવાના (8 ટકા), બેઘર (5 ટકા) કૉલનો સમાવેશ થાય છે.

  બાળક
 13. કોવિડ-19 માટે ઇમરજન્સી પૅકેજને મંજૂરી

  કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અને રાજ્યની સ્વાસ્થ્ય સેવાને મજબૂત કરવા માટે કોવિડ-19 માટે ઇમરજન્સી પૅકેજને મંજૂરી આપી દીધી છે.

  સમાચાર એજન્સી એએનઆઈએ આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

  રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં નિદેશક વંદના ગુરુનાની દ્વારા હસ્તાક્ષરિત એક પરિપત્રમાં કહેવાયું છે કે આ પ્રોજેક્ટ હેઠળ 100 ટકા ફંડ જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરાશે.

  પરિપત્રમાં કોવિડ-19 માટેના ઉપાયોગ, રોક, તૈયારી માટે રાષ્ટ્રીય અને રાજ્યની સ્વાસ્થ્ય સેવાને મજબૂત કરવી, જરૂરી ચિકિત્સા ઉપકરણો, સામગ્રી અને દવાઓની ખરીદી, પ્રયોગશાળાની સ્થાપના વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

  પરિયોજનાના ત્રણ તબક્કા છે- પહેલો જાન્યુઆરી 2020થી જૂન 2020, બીજો જુલાઈ 2020થી માર્ચ 2021 અને ત્રીજો તબક્કો એપ્રિલ 2021થી માર્ચ 2024 સુધીનો છે.

  નરેન્દ્ર મોદી
 14. ગુજરાતમાં કોવિડ-19 માટે 9500 બૅડ તૈયાર

  ગુજરાતમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતાં કોવિડ-19 માટે 9500 બૅડ તૈયાર કરાયા છે.

  સી.એમ.ઓ.ના સેક્રેટરી અશ્વિનીકુમારે મીડિયાને આ માહિતી આપી હતી.

  તેમણે કહ્યું કે "ગુજરાતમાં કોવિડ-19નો ચેપ વકરે તો મદદ કરવા આઈ.એમ.એ.ના લગભગ એક હજાર ખાનગી તબીબોએ સ્વૈચ્છાએ મદદ કરવાની તૈયારી દાખવી છે."

  "તેમજ જિલ્લાકક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિ રચાશે, જે આઈ.એમ.એ.ના અગ્રણીઓ તથા પ્રતિષ્ઠિત ખાનગી તબીબો સાથે મળીને કામ કરશે."

  અશ્વિનીકુમારે એમ પણ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ ખાનગી તબીબોને ઓ.પી.ડી.ને ચાલુ રાખવા અનુરોધ કર્યો અને કોવિડ-19નાં લક્ષણ જણાય તો સરકારી હૉસ્પિટલને રિફર કરવા જણાવાયું છે.

  ગુજરાતમાં 1070 પર અત્યાર સુધીમાં 5281 કૉલ નોંધાયા છે. જિલ્લાકક્ષાના 1077 પર અત્યાર સુધી કુલ 24331 કૉલ નોંધાયા છે એમ તેઓએ જણાવ્યું હતું.

 15. ખાનગી હૉસ્પિટલ સામે કોવિડ-19નાં લક્ષણો વાળા દર્દીઓ છુપાવવાનો આરોપ

  કર્ણાટકના કલબુર્ગીમાં એક ખાનગી હૉસ્પિટલ પર દર્દીઓનાં કોવિડ-19 લક્ષણો છુપાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

  કલબુર્ગીમાં બહમણી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના પ્રશાસન અને સ્ટાફના સભ્યો પર કથિત રીતે કોવિડ-19 અંગેની પ્રક્રિયા અને કોરોના વાઇરસનાં લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી છુપાવવાનો આરોપ છે.

  કલબુર્ગીના ઉપજિલ્લા અધિકારી શરત બીએ આ વાતની પુષ્ટિ કરી છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ જિલ્લાના પરિવાર કલ્યાણ વિભાગના નોડલ ઑફિસરે આ બાબત ધ્યાને લીધી કે ખાનગી હૉસ્પિટલો છેલ્લી ઘડીએ સરકારી અધિકારીઓને કોરોનાના દર્દીઓ વિશે જાણ કરે છે.

  શરત બીએ કહ્યું કે ખાનગી હૉસ્પિટલોમાં જ્યારે સારવાર નિષ્ફળ થાય છે, ત્યારે છેલ્લી ઘડીએ દર્દીઓને ઈએસઆઈ હૉસ્પિટલમાં લઈને આવે છે.

  હૉસ્પિટલના સ્ટાફને ક્વોરૅન્ટીનમાં મૂકવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

  સ્વાસ્થ્યકર્મી
 16. ઓડિશાએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું

  કોરોના વાઇરસની મહામારીને પગલે લાગુ કરવામાં આવેલું લૉકડાઉન ઓડિશાએ 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

  આ સાથે જ લૉકડાઉન આગળ ધપાવનારું તે પ્રથમ રાજ્ય બન્યું છે.

  ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે ટ્રેનો અને હવાઇસેવા 30 એપ્રિલ સુધી શરૂ ન કરે.

  ઓડિશામાં અત્યાર સુધી 42 કેસો સામે આવ્યા છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  ઓડિશામાં શિક્ષણસંસ્થાઓ 17 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે લૉકડાઉન લંબાવવા પર રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે. ગઈ કાલે મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોએ કેન્દ્ર સરકારને લૉકડાઉન લંબાવવાની વિનંતી કરી હતી.

  ભારતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે અનેક નિષ્ણાતો પણ આવી જ સલાહ આપી રહ્યા છે.

  કોરોના વાઇરસ
 17. ગુજરાતમાં એક જ દિવસમાં 55 કેસ, અમદાવાદમાં 50 નવા કેસો

  ગુજરાતમાં એક જ દિવસમાં 55 કેસોનો ઉછાળો આવ્યો છે.

  ગુજરાતમાં 9 માર્ચે કોરોના વાઇરસના કેસોની સંખ્યા 241 પર પહોંચી ગઈ છે.

  સરકારની યાદી મુજબ ગુજરાતમાં કુલ નવા 55 કેસ આવ્યા છે જે પૈકી 50 અમદાવાદમાં છે.

  આ ઉપરાંત સુરતમાં 2 અને દાહોદ, આણંદ તથા છોટાઉદેપુરમાં એક-એક કેસ સામે આવ્યા છે.

  ગુજરાતમાં કોરના વાઇરસથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એ રીતે મૃત્યુનો આંકડો 17 પર પહોંચી ગયો છે.

  કોરોના વાઇરસ
 18. 14 માસની દીકરી સાથે લૉકડાઉનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મીની કહાણી

  કેટલાક કપરા સંજોગો કેટલીક વ્યક્તિની વધુ કપરી કસોટી કરે છે તો એ જ સંજોગોમાં કેટલીક વ્યક્તિ નવીનવી શક્યતા પણ શોધી લેતી હોય છે. આપણે વાત કરીશું ગુજરાત પોલીસનાં બે એવી મહિલા પોલીસકર્મીઓ વિશે કે જેઓ કોરોનાના કપરા સમયમાં જે રીતે કામ કરી રહ્યાં છે એ ઉદાહરણરૂપ છે.

  આ બે મહિલા પોલીસકર્મીમાંથી એક ટંકારાનાં મહિલા પીએસઆઈ(પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) લલિતાબહેન ભોજાભાઈ બગડા છે અને બીજાં ભુજના કૉન્સ્ટેબલ અલકાબહેન દેસાઈ છે.

  લલિતાબહેન ભોજાભાઈ બગડાએ પોલીસ પેટ્રોલિંગનો એક નવો નુસખો અમલમાં મૂક્યો છે.

  તેઓ મોઢા પર માસ્ક બાંધીને, સિવિલ ડ્રેસમાં એટલે કે સામાન્ય પોશાકમાં સાઇકલ લઈને રોજ ટંકારા તાલુકાનાં વિવિધ ગામોમાં નીકળી પડે છે.

  અહીં વધુ વાંચો

  મહિલા પોલીસ કૉન્સ્ટેબલ અલકાબહેન
  Image caption: મહિલા પોલીસ કૉન્સ્ટેબલ અલકાબહેન
 19. ટ્રમ્પે મોદીના વખાણ કર્યા, કહ્યું 'મદદ ભૂલાશે નહીં'

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.

  ટ્રમ્પે કોરોના વાઇરસની સારવારમાં સંભવિત રીતે કારગર એવી હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવા અમેરિકાને આપવા માટે ભારતના વડા પ્રધાન મોદીના વખાણ કર્યા.

  તેમણે કહ્યું કે અસાધારણ સમયમાં ભારતની આ મદદને ભૂલવામાં નહીં આવે.

  ગત અઠવાડિયે ટ્રમ્પ અને મોદીની ફોન પર વાત થઈ હતી જેમાં તેમણે ભારત પાસેથી આ દવા માગી હતી. એક તબક્કે ટ્રમ્પે ભારત નિકાસ પરનો પ્રતિબંધ હઠાવી મદદ નહીં કરે તો પરિણામ ભોગવવું પડશે એવી ચીમકી પણ આપી હતી.

  દુનિયામાં મલેરિયાની સારવારમાં કામ આવતી આ દવાનું ભારત પ્રમુખ ઉત્પાદક છે.

  મોદી સરકારે દવાના નિકાસ પર લાગેલા પ્રતિબંધને આંશિક રૂપે હઠાવવાનો નિર્ણય કરીને અમેરિકા અને અન્ય જરૂરિયાતમંદ દેશોને આ દવા આપવાનું નક્કી કર્યું હતું.

  મોદી અને ટ્રમ્પ
 20. સલમાન ખાને 23,000 રોજમદારોને 7 કરોડ રૂપિયા વહેંચ્યાં

  બોલીવૂડ ઍક્ટર સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 23,000 રોજમદારોના ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

  ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમપ્લોયીએ કહ્યું છે કે એમણે સલમાન ખાનને 23,000 રોજમદારોની યાદી સોંપી હતી અને એ દરેકના બૅન્કખાતામાં સલમાન ખાને 3,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

  એમણે વધુમાં કહ્યું કે, લોકો પૈસાનો દુરુપયોગ ન કરે તે માટે સલમાન ખાન હપ્તાવાર પૈસા ટ્રાન્સફર કરે છે. સલમાન ખાને 8 એપ્રિલે દરેકના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કર્યા અને તેઓ થોડા સમય પછી ફરી પણ કરશે.

  પીટીઆઈ સૂત્રોને ટાંકીને કહે છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા રોજમદારોને સલમાન ખાન મદદ કરતા રહેશે.

  ફેડરેશનનું કહેવું છે કે આ જ રીતે અમિતાભ બચ્ચને અને યશરાજ ફિલ્મે તથા નેટફ્લિક્સે ફિલ્મ કામદારોને મદદનું વચન આપ્યું છે.

  Salman Khan