26/11 હુમલાના દસ વર્ષ બાદ શું કહે છે ભારતીય નેવી ચીફ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

26/11 હુમલાના દસ વર્ષ બાદ શું કહે છે ભારતીય નેવી ચીફ?

ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આવતા અઠવાડીયે આ હુમલાને દસ વર્ષ પૂરા થશે. મોડી રાત્રે થયેલા આ હુમલામાં 195થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

હુમલાખોરોએ હોટલ તાજ સહિતના અન્ય સ્થળોએ હુમલો કર્યો હતો. 10 હુમલાખોરોમાંથી 9 ને ઠાર મરાયા હતા અને અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને ફાંસીની સજા કરવામાં આવી હતી.

આ હુમલા પછી દરિયાઈ સુરક્ષાને લઈને કેવા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારે હાલ આવા હુમલાને ખાળવા માટે ભારતીય નૌકાદળ હાલ કેટલું સજ્જ છે, તે જાણવા બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે ભારતીય નૌકાદળના વડા સુનિલ લાંબા સાથે વાતચીત કરી.

સુનિલ લાંબાએ જણાવ્યું, "દરિયાઈ સુરક્ષાને લઈને છેલ્લા દસ વર્ષોમાં અમે ખૂબ જ તૈયાર થયા છે. આ સમયગાળામાં ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ બન્ને વચ્ચે તાલમેલ સાધી એક સુદૃઢ વ્યવસ્થા સાધી શક્યા છીએ."

ભારતની જળસીમામાં 20 મીટરથી નાની કોઈ હોડી ઘૂસી આવે તો તેની ભાળ મેળવવામાં આપણી રડાર સિસ્ટમ સક્ષમ નથી. આવી હોડીઓની સંખ્યા લગભગ 2.2 લાખ છે. આ માહિતી હાલમાં જ બહાર પડેલા એક રિપોર્ટમાં બહાર આવી હતી.

આ અંગે લાંબા કહે છે, "છેલ્લા એક દાયકામાં દરેક ફિસિંગ બોટને રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને સાથે જ દરેક માછીમારને બાયોમેટ્રિક ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે."

"ઇસરો સાથે મળીને અમે એક પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે જે અંતર્ગત ગુજરાત અને તામિલનાડુના વિસ્તારોની બોટમાં એક હજાર એઆઈડી (ઑટોમૅટિક આઇડેન્ટિફેકેશન સિસ્ટમ) લગાવવામાં આવી છે. જેની મારફતે અમે સહેલાયથી તેની પર નજર રાખી શકીએ."

તેમણે એવું પણ જણાવ્યું કે તેઓ સમગ્ર ભારતીય દરિયાઈ સીમા પર રડાર દ્વારા નજર રાખી રહ્યા છે. એટલા માટે જો કોઈ નાની બોટ એક રડારમાં ના દેખાય તો અમારી પાસે તેની ટ્રેસ કરવાના અન્ય ઉપાયો પણ છે.

લાંબાએ ઉલ્લેખ કર્યો કે એક વખત આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થશે તો મોટાપાયે પણ તેને આવરી લેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા