ભારતના પાસપોર્ટથી કયા દેશોમાં વિઝા વિના મળે છે પ્રવેશ?

ભારતના પાસપોર્ટથી કયા દેશોમાં વિઝા વિના મળે છે પ્રવેશ?

હવે થોડા જ દિવસોમાં નવું વર્ષ 2019 શરૂ થઈ જશે. તમે નવા વર્ષમાં રજાઓનું કેલેન્ડર પહેલા જ જોઈ લીધું હશે. અને વિદેશની સફરે જવાનું મન પણ હશે જ. તો આજે ધંધા પાણીમાં વાત તમારા ફાયદાની, એટલે કે વગર વિઝાએ માત્ર પાસપોર્ટની મદદથી વિશ્વની લટાર કઈ રીતે થઈ શકે તેની.

સૌથી શક્તિશાળી પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેના દમ પર તમે વગર વિઝા વધારેમાં વધારે દેશોની મુલાકાત લઈ શકો છો. આ સુવિધાની અંદર તમને સંબંધિત દેશ માટે હવામાં ઉડો તે પહેલા વિઝા લેવાની જરૂર નથી. અને ઘણા કિસ્સામાં તમે વિદેશ પહોંચો ત્યારે તમને ત્યાં વિઝા આપવામાં આવશે જેને વિઝા ઑન અરાઇવલ પણ કહે છે.

આ વર્ષે એટલે કે 2018માં અમેરિકાની સંસ્થા હેનલીની ગ્લોબલ રૅંકિંગમાં જાપાનના પાસપોર્ટને દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો છે. એવું એટલા માટે કારણ કે મ્યાનમાર માટે જાપાનને વગર વિઝાએ પ્રવેશ મેળવવાની અનુમતી મળી ગઈ. એટલે કે જાપાનનો પાસપોર્ટ હવે વિશ્વના 190 દેશોમાં વગર વિઝાએ તમને પ્રવેશ અપાવી શકે છે.

તો આ રૅંકિંગમાં જાપાન બાદ સિંગાપોર, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, ડેન્માર્ક, ફિનલૅન્ડ, ઇટલી, સ્વિડન અને સ્પેન છે. જ્યારે બ્રિટન અને અમેરિકાનો પાસપોર્ટ જેની પાસે હોય તે 186 દેશોમાં મુસાફરી વગર વિઝાએ કરી શકે છે.

હવે વાત ભારતની, તો આપણો દેશ આ રૅંકિંગમાં 81મા નંબરે છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2017માં આ રૅંક 86મો હતો. તો આનો મતલબ થયો કે ભારતનો પાસપોર્ટ જો તમારી પાસે છે તો તમે 60 દેશોમાં વગર વિઝાએ પ્રવેશ મેળવવા લાયક છો.જેમાં નેપાલ, ભૂતાન, મોરેશિયસ, ફિજી જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે અમુક દેશો એવા છે જે ભારતના પાસપોર્ટધારકને વિઝા ઑન અરાઇવલની સુવિધા આપે છે.

ભારતનો પાડોશી દેશ...પાકિસ્તાન આ યાદીમાં 104મુ સ્થાન ધરાવે છે. પાકિસ્તાની પાસપોર્ટ પર 33 દેશોમાં વગર વિઝા પ્રવેશ મળે છે જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે.

જ્યારે સૌથી વધારે તણાવ ધરાવતા દેશ અફઘાનિસ્તાન, ઇરાક આ યાદીમાં તો છે પણ 106મા નંબરે. તેમ છતાં અહીંના પાસપોર્ટ ધારકો 30 દેશોમાં વગર વિઝા પ્રવેશ મેળવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો