ચીનમાં મુસ્લિમો માટેના ડિટેન્શન સેન્ટરમાં ડોકિયું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચીનમાં મુસલમાનોનાં ઘરો પર QR કોડ્ઝ અને ચહેરાની ઓળખ માટે કૅમેરા

હાલમાં જ ચીનમાં વીગર મુસ્લિમોની સાથેના વ્યવહારને લઈને અનેક ચર્ચાઓ થતી રહે છે.

એવું માનવામાં આવે છે કે ચીનમાં લાખો મુસ્લિમોને વિશાળ અટકાયત કૅમ્પોમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે.

ચીન કહે છે કે આ માત્ર ઇસ્લામિક ચરમપંથી વિચારધારાને નાથવા માટેની એક શાળા છે.

જે મુસલમાનો સરકારનો વિરોધ કરે છે, ડીએનએ માટે નમૂના આપવાનો ઇન્કાર કરે, અધિકારીઓ સાથે દલીલ કરે કે લઘુમતીઓની ભાષા બોલે, તેમને આવા કૅમ્પોમાં કોઈ પણ આરોપ વગર અનિશ્ચિતકાળ માટે ગોંધી રાખવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિને ઑગસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શિનજિયાંગમાં લગભગ 10 લાખ મુસલમાનોને એક ખાસ પ્રકારે અટકાયતમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને 'ફરી શિક્ષણ' આપવામાં આવી રહ્યું છે.

ચીનના શિનજિયાંગ પ્રાંતના આવા જ એક કૅમ્પ ખાતેથી બીબીસી સંવાદદાતા જ્હોન સડવર્થનો વિશેષ અહેવાલ જુઓ વીડિયોમાં.


કોણ છે વીગર?

Image copyright AFP

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા વીગર સમુદાયના એક કરોડથી વધુ લોકો પૈકી મોટાભાગના મુસલમાન છે.

એ લોકો તેમને સાંસ્કૃતિક રીતે મધ્ય-એશિયાના દેશોની નજીકના ગણે છે. તેમની ભાષા તુર્કીને મળતી આવે છે.

તાજેતરનાં વર્ષોમાં ચીનના બહુમતી વંશીય સમૂહ હાનના લોકોનું શિનજિયાંગમાં મોટા પ્રમાણમાં વસવું એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે.

વીગર લોકોને લાગે છે કે હવે તેમની રોજીરોટી અને સંસ્કૃતિ પર જોખમ છે.


ક્યાં આવ્યું શિનજિયાંગ?

Image copyright Getty Images

શિનજિયાંગ ચીનની પશ્ચિમે આવેલો દેશનો સૌથી મોટો પ્રાંત છે. તેની સીમા ભારત, અફઘાનિસ્તાન અને મંગોલિયા જેવા અનેક દેશોની સરહદને અડીને આવેલી છે.

શિનજિયાંગ કહેવા ખાતર તો તિબેટની માફક એક સ્વાયત ક્ષેત્ર છે, પરંતુ શિનજિયાંગની સરકાર ચીનની સરકારના ઈશારે જ ચાલે છે.

આ પ્રાંતનું અર્થતંત્ર સદીઓથી ખેતી તથા વેપાર પર આધારિત રહ્યું છે. ઐતિહાસિક સિલ્ક રૂટને કારણે અહીં સુખશાંતિનું વાતાવરણ રહ્યું છે.

વીસમી સદીની શરૂઆતમાં વીગર સમુદાયે થોડા સમય માટે જ શિનજિયાંગને આઝાદ જાહેર કર્યું હતું, પણ 1949ની સામ્યવાદી ક્રાંતિ પછી શિનજિયાંગ પ્રાંત ચીનનો હિસ્સો બની ગયો હતો.


શું ચાલી રહ્યું છે શિનજિયાંગમાં?

સંયુક્ત રાષ્ટ્રની એક માનવાધિકાર સમિતિને આ વર્ષના ઑગસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 'સમગ્ર વીગર સ્વાયત ક્ષેત્ર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.'

સમિતિને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે લગભગ દસ લાખ લોકો અટકાયતમાં હોય તેવી રીતે જિંદગી પસાર કરી રહ્યા છે.

હ્યુમન રાઈટ્સ વોચ પણ આવા અહેવાલોને સમર્થન આપી રહ્યું છે.

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ચોક્કસ પ્રકારના અટકાયતી કેમ્પોમાં રાખવામાં આવેલા લોકોને ચીની ભાષા શિખવાડવામાં આવી રહી છે. તેમણે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પ્રત્યે વફાદારીના સોગંદ લેવાના હોય છે.

હ્યુમન રાઈટ્સ વોચના જણાવ્યા મુજબ, વીગર સમુદાયના લોકો સરકારની ચાંપતી નજરનો સામનો કરી રહ્યા છે.

એ લોકોનાં ઘરો પર QR કોડ્ઝ લગાવવામાં આવ્યા છે અને ચહેરાની ઓળખ માટે કૅમેરા લગાવવામાં આવ્યા છે. ઘરની અંદર કોણ છે તે અધિકારીઓ ઇચ્છે ત્યારે જઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો