ચારે તરફ પાણી જ પાણી, વચ્ચે ફસાયેલી ટ્રેનમાંથી કેવી રીતે બચાવાયા 700થી વધુ યાત્રીઓ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પૂરના પાણીમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ફસાઈ, 700 મુસાફરોને બચાવાયા

થાણેના બદલાપુર નજીક ભારે વરસાદને કારણે ઉલ્હાસ નદીનું પાણી આસપાસના વિસ્તારમાં ભરાઈ ગયું છે.

રેલવે ટ્રૅક પણ પાણીમાં ડૂબી ગયા, મુંબઈ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ પાણીમાં 12 કલાક સુધી ફસાયેલી રહી, લગભગ 700 યાત્રીઓને એનડીઆરએફે બચાવ્યા હતા.

ભારે વરસાદને કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.

રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને સાત ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

સૅન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર (સીપીઆરઓ) સુનીલ ઉદાસીએ જણાવ્યું કે આ ટ્રેનમાં જેટલા યાત્રી હતા તેમને સુરક્ષિત કાઢી લેવાયા છે. બચાવ કાર્ય માટે વાયુસેનાના હેલિકૉપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

જે જગ્યાએ ટ્રેન પાણીમાં ફસાઈ હતી તે મુંબઈથી આશરે 100 કિલોમિટર દૂર છે. ટ્રેન 12-13 કલાક સુધી પાણીમાં ફસાયેલી રહી હતી.

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં યાત્રા કરી રહેલા પ્રકાશ પવારે બીબીસી મરાઠીને કહ્યું,"અમે સવારે 8.20 કલાકે મુંબઈથી કોલ્હાપુર જઈ રહ્યા હતા. પહેલાં ટ્રેન અંબરનાથમાં રોકાઈ હતી. અમે લોકો કેટલાક કલાકો સુધી બદલાપુર અને વાંગણી વચ્ચે ફસાયેલા રહ્યા. અહીં દૂર-દૂર સુધી પાણી ફેલાયેલું છે."

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઈ છે, લોકોનાં ઘર અને રસ્તાઓ બધે પાણી ભરાયેલાં છે.

મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં શનિવારે સવારે ભારે વરસાદ થયો છે. બદલાપુરમાં ઉલ્હાસ નદીનું પાણી ભયજનક સપાટી કરતાં ઉપરથી વહી રહ્યું છે.

રમેશવાડી, બેલવલી, શનિ નગર, વાલીવલી અને પૂણેમાં સાનેવાડી, હેન્દ્રેપાડા વિસ્તારમાં બે-ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે.

ભારે વરસાદને કારણે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી છે.

એનડીઆરએફ, સેના અને નેવીની ટીમોએ મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી નવ ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા