સાણંદમાં ખેડૂતોએ હરાજી અટકાવી નરેન્દ્ર મોદીને શું ફરિયાદ કરી?

સાણંદમાં ખેડૂતોએ હરાજી અટકાવી નરેન્દ્ર મોદીને શું ફરિયાદ કરી?

સાણંદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઘઉંના ભાવ ન મળતા નારાજ થઈ હરાજી અટકાવી દીધી હતી.

ખેડૂતોનો આરોપ છે કે તેમને ઘઉંના પૂરતા ભાવ મળી રહ્યા નથી. ઉપરાંત તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ખરીદી થઈ રહી છે.

સાણંદમાં પૂરતા ભાવ ન મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ સંખ્યાબંધ ટ્રૅક્ટરો એપીએમસીની બહાર ઊભા રાખીને હરાજીને બંધ કરાવી દીધી હતી.

તેમનું કહેવું છે કે જે ભાવ એમએસપીમાં અપાય છે એ અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યાં હોવા છતાં કોઈ સમાધાન આવતું નથી.

ખેડૂતોનો પ્રશ્ન છે કે 'સરકાર એમએસપીની વાત કરે છે પણ ખેડૂતોને તેમના પાક માટે ટેકાનો ભાવ ક્યારે મળશે?'

ધંધુકાના ખેડૂત અનિરુદ્ધ સિંહ ડોડિયા બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે ફેસબુક લાઇવમાં કહ્યું કે '395ની એમએસપી જાહેર કરવામાં આવે છે પરંતુ 330-320 રૂપિયાની આસપાસના ભાવમાં ખરીદી થાય છે તો એ અમને કેવી રીતે પોસાય? દસ વર્ષથી ઘઉંનો આટલો જ ભાવ છે, પેટ્રોલનો ભાવ 100ને અડી રહ્યો છે. સરકાર 395 જાહેર કર્યા પરંતુ આટલા ભાવમાં ખરીદે કોણ?'

તેમની ફરિયાદ છે કે 'ગોડાઉન પણ રાખવામાં નથી આવ્યું તો ખેડૂત ક્યાં જાય?'

ગોરધનભાઈ નામના ખેડૂતોએ કહ્યું કે, કમાણી નથી પણ ખર્ચો વધતો જાય છે. ઘઉંના 400-500 રૂપિયા પ્રતિમણ ભાવ આપે તો જ અમને પોસાય, હાલ જેટલા ભાવ મળે છે એનાથી અમને કોઈ ફાયદો નથી.

છારોડીના માજિદ ખાને કહ્યું કે, અમારો પાક 300 રૂપિયાના ભાવે ખરીદાય છે પરંતુ જ્યારે અમે બિયારણ લેવા જઈએ તો 600 રૂપિયામાં મળે છે. અમારું જ બિયારણ અમને ડબલ ભાવે મળે છે.

સાણંદ એપીએમસીમાં ખેડૂતોએ વિરોધપ્રદર્શન કર્યું અને ચીમકી આપી કે જો સરકાર પૂરતા ભાવ નહીં આપે તો આંદોલન કરવામાં આવશે.

એમએસપી ખેડૂતોનો એક મોટો મુદ્દો છે જે દિલ્હીની સરહદ પર ખેડૂતઓ મહિનાઓથી ચાલી રહેલા આંદોલનમાં પણ મહત્ત્વનો મુદ્દો છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હીની સિંઘુ અને ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહ્યા છે.

આ ખેડૂતો ત્રણ નવા કૃષિકાયદા પાછા લેવાની માગ પણ કરી રહ્યા છે અને એમએસપીને લઈને સરકાર પાસેથી લેખિત બાંહેધરીની માગ કરી રહ્યા છે. જોકે સરકારે કહ્યું છે કે નવા કૃષિકાયદાથી એમએસપી ઉપર કોઈ અસર નહીં આવે અને નવા કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.

કેન્દ્ર સરકારનો દાવો છે કે 'એમએસપી હતી, છે અને રહેશે' પરંતુ ખેડૂતો પોતાની માગ પર હજી અડગ છે.

બીબીસી સંવાદદાતા સાગર પટેલે સાણંદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે વાત કરી. મોદી સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા અને એમએસપી વિશે ખેડૂતોએ શું કહ્યું?

તમે આ વાચ્યું?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો