પીરો : પિતૃસત્તા અને જ્ઞાતિવાદ વિરુદ્ધ 200 વર્ષ પહેલાં અવાજ ઉઠાવનારાં દલિત મહિલાની કહાણી
“ના હું મુસ્લિમ, ના હું હિંદુ, ના હું સમાજના ચાર વર્ણો, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને માનું છું, અને ના તો કોઈ ખાસ પ્રકારના વેશ ધારણ કરવાને માનું છું.”
શું તમે માની શકો કે આ શબ્દો આજથી લગભગ 200 વર્ષ પહેલાં એક દલિત મહિલાએ લખ્યા હતા? જેમણે બુલંદ અવાજે પિતૃસત્તાક વ્યવસ્થા, જ્ઞાતિવાદ અને રૂઢિવાદને પડકાર ફેંક્યો હતો.
200 વર્ષ પહેલાં આવું દુ:સાહસ?
હા, આને દુ:સાહસ જ કહી શકાય, આવું દુ:સાહસ કરનાર વ્યક્તિ કોણ હતી?
એ હતાં પીરો પ્રેમણ, કેટલાક જાણકારો તેમને પંજાબીનાં પ્રથમ કવયિત્રી પણ માને છે.
કેટલાક લોકોના મત પ્રમાણે પીરોનું સાચું નામ આયશા હતું, પીરો પર લખાયેલું પંજાબી પુસ્તક ‘સૂર પીરો’ પ્રમાણે તેમનો જન્મ વર્ષ 1810ની આસપાસ થયો હોવાનું મનાય છે.
લાહોરની હીરા મંડીથી ભાગીને ધાર્મિક ગુરુ ગુલાબ દાસના આશ્રમમાં આવ્યાં અને એ પછી કવિતાઓનો ક્રમ શરૂ થયો, કહેવાય છે કે આ પછી તેમનું નામ પીરો પ્રેમણ પડી ગયું.
આ ઓગણીસમી સદીની વાત છે, જ્યારે પંજાબમાં રાજકીય ઊથલપાથલ થઈ રહી હતી. મહારાજા રણજિતસિંહના મૃત્યુ બાદ રજવાડાં ધીમે-ધીમે બ્રિટિશરાજનો ભોગ બની રહ્યાં હતાં.
આ સમયે પીરો પોતાની આંદોલનકારી કવિતાઓ દ્વારા સામાજિક રૂઢિઓને પડકારી રહ્યાં હતાં. પીરો માનતાં કે સમાજને ઊંચ-નીચ જેવા ભેદભાવોના બંધનમાં બાંધવો, એ કુદરતના નિયમ વિરુદ્ધ છે.
પીરો વિશે જે પણ માહિતી મળે છે, તે પ્રમાણે તેમણે લગભગ 160 કવિતા લખી છે. પીરો અનુભવોને આધારે કવિતા લખતાં હતાં. જે સમાજમાં રહેતાં, એ જ સમાજને સવાલો પૂછવા એ ખરેખર ક્રાંતિકારી પગલું હતું.
પીરોને તેમના વાચકો ઓગણસમી સદીની પિતૃસત્તાક વ્યવસ્થા, જ્ઞાતિવાદ અને રૂઢિવાદ વિરોધી લડાઈનું પ્રતીક માને છે.
તો ઇતિહાસકારોના મતાનુસાર પંજાબમાં ઘણી મહિલાઓ નિર્ભીક લેખન દ્વારા અવાજ ઉઠાવી રહી છે અને વર્ષોથી ઉઠાવતી રહી છે, આ જુસ્સાને પીરોની કલમે નવી ધાર આપી છે, એ વાતને પણ નકારી ન શકાય.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો