વડોદરાના એ નર્સ, જેમની 'ફ્લોરેન્સ નાઇટિંગેલ' પુરસ્કાર માટે પસંદગી થઈ

વડોદરાના એ નર્સ, જેમની 'ફ્લોરેન્સ નાઇટિંગેલ' પુરસ્કાર માટે પસંદગી થઈ

વડોદરાની સયાજી હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ નિભાવતા ભાનુબહેનની દેશના સર્વશ્રેષ્ઠ નર્સિંગ પુરસ્કાર 'ફ્લોરેન્સ નાઇટિંગેલ' માટે પસંદગી થઈ છે.

નર્સિંગ પ્રોફેશનના સ્થાપક ગણાતા 'ફ્લોરેન્સ નાઇટિંગેલ'ના નામથી આ પુરસ્કાર આપવામાં આવે છે, જેમણે દર્દીઓની સેવા કરી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરુ પાડ્યું હોય.

આ ઉપરાંત કોરોનાના સમયમાં જ્યારે માતા-બાળકને અલગ રાખવાની જરૂર પડી હતી ત્યારે પણ ભાનુબહેને બાળકોની સારસંભાળ રાખી હતી.

તેમની આ વિશેષ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમની પુરસ્કાર માટે પસંદગી થઈ છે.

ભાનુબહેન વર્ષ 2000થી વડોદરામાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

કોરોનાકાળ દરમિયાન રજા લીધા વગર અવિરતપણે ફરજ બજાવનારાં તથા 400થી વધુ કોવિડ પૉઝિટિવ સગર્ભાઓની ડિલિવરી કરાવનારાં વડોદરાની એસએસજી હૉસ્પિટલનાં નર્સ ભાનુમતિબહેન ઘીવાળાની દેશના બહુપ્રતિષ્ઠિત ફ્લોરેન્સ નાઇટિંગલ ઍવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ અરસામાં તેમને અનેક 'હૃદયદ્રાવક' તથા 'હૃદયસ્પર્શી' અનુભવો થયા હતા. સામાન્ય રીતે દર વર્ષે તા. 12મી મેના રોજ 'લેડી વિથ ધ લૅમ્પ' ફ્લોરેન્સ નાઇટિંગના જન્મદિવસે આ ઍવોર્ડ આપવામાં આવે છે,

જેને 'આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ' તરીકે પણ ઊજવવામાં આવે છે. ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હોવાથી એ કાર્યક્રમને મોકૂફ કરી દેવામાં આવ્યો હતો.

નર્સ, મિડવાઇફ તથા લેડી હેલ્થ વિઝિટર એમ ત્રણ શ્રેણીમાં દેશભરમાં દરેક રાજ્યમાંથી કમ સે કમ પાંચ-પાંચ નામ મંગાવવામાં આવે છે.

'હૃદયદ્રાવક' તથા 'હૃદયસ્પર્શી' અનુભવો

ઇમેજ સ્રોત, Bhanumatibahen Gheewala

ઇમેજ કૅપ્શન,

ગર્ભવતી મહિલાઓ અને તેમનાં સગાંનાં મનમાંથી નકારાત્મકતા નીકળી જાય અને પૉઝિટિવિટી આવે તે માટે કોવિડમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના ઇન્ટરવ્યૂ બતાવતાં

કોરોનાકાળ દરમિયાનના અનુભવોને વાગોળતાં ભાનુમતિબહેને બીબીસી ગુજરાતીના સહયોગી પ્રતિનિધિ જયદીપ વસંતને કહ્યું, "કોઈ દર્દીને કોરોના થયો હોય તો એમ જ પરિવારમાં તણાવ વ્યાપી જતો. એમાં પણ જો તે સગર્ભા મહિલા હોય તો તેમનું ટેન્શન બેવડાઈ જતું. આ સંજોગોમાં પહેલું કામ તો પરિવારજનો તથા સગર્ભાના મનમાંથી કોરોનાનો ભય કાઢવાનું રહેતું."

"નકારાત્મકતા નીકળી જાય અને પૉઝિટિવિટી આવે તે માટે કોવિડમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના ઇન્ટરવ્યૂ બતાવતા. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાનના હકારાત્મક વીડિયો પણ એમની સાથે શૅર કરતી."

આરોગ્યમંત્રાલયે પોતાની માર્ગદર્શિકામાં વૃદ્ધો, બાળકો તથા સગર્ભા માતાઓ, તથા ડાયાબિટીસ, કૅન્સર કે અન્ય કોઈ ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા સૂચના આપી હતી.

વાતને આગળ વધારતાં ભાનુમતિબહેન કહે છે, "એક સગર્ભા મહિલાનું ખાનગી હૉસ્પિટલમાં ચેક-અપ ચાલતું હતું તેને સિઝેરિયન પ્રસૂતિ થશે એવી શક્યતા વ્યક્ત કરી હતી. દરમિયાન તેને કોરોના થતાં હૉસ્પિટલમાં દાખલ થઈ અને એ અરસામાં મારા સંપર્કમાં આવી હતી. કોરોના રિપૉર્ટ નૅગેટિવ આવતાં તેને રજા આપી દેવામાં આવી હતી."

"ત્યારબાદ ડિલિવરી માટે તેનો પરિવાર વડોદરાની અનેક ખાનગી હૉસ્પિટલોમાં ફર્યો, પરંતુ તેમને એસએસજીમાં જવા માટે કહી દેવામાં આવ્યુ. દરમિયાન મહિલાને પ્રસવપીડા ઊપડી, એટલે તેનો મારી ઉપર ફોન આવ્યો એટલે મેં તેને હૉસ્પિટલ આવી જવા કહ્યું."

"હું ડ્યૂટી ઉપરથી પાછી જ ફરી હતી એટલે ફરજ પરના સ્ટાફને કેસનું બૅકગ્રાઉન્ડ સમજાવીને પ્રસૂતિ માટેની તૈયારીઓ કરવા કહ્યું. છતાં એ મહિલાએ મારી હાજરીનો જ આગ્રહ રાખતા હું હૉસ્પિટલે પહોંચી હતી."

"મહિલાની નૉર્મલ ડિલિવરી થઈ અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. માતાએ તેના બાળકને પ્રથમ વખત હાથમાં લીધું અને તેના ચહેરા પર જે સંતોષ હતો તે ભૂલી શકાય તેમ નથી."

કોરોનાકાળ દરમિયાનના એક 'હૃદયદ્રાવક' કિસ્સાને યાદ કરતાં ભાનુમતિબહેન કહે છે, "સંપન્ન પરિવારના વૃદ્ધને કોરોના થતાં તેમને એસએસજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમની સ્થિતિ સારી હતી, પરંતુ ધીમે-ધીમે તેમની સ્થિતિ કથળતાં તેમને ICU (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) અને પછી વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા."

"કમનસીબે તેમનું મૃત્યુ થયું. તેમના નિકટના પરિવારજનોને જાણ કરતા તેઓ હૉસ્પિટલે આવ્યા. મેં તેમના માટે પીપીઈ (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટ તથા જરૂરી મંજૂરી મેળવી દેવાની તૈયારી દાખવી, જેથી કરીને તેઓ વૃદ્ધની અંતિમવિધિ કરી શકે."

"જોકે પરિવારનો કોઈ સભ્ય ઉપર આવવા તૈયાર થયો ન હતો, એટલે મેં જ તેમની વિધિ કરાવી હતી."

કોરોનાકાળમાં માત્ર સામાન્ય પરિવારની જ નહીં, પરંતુ અનેક સંપન્ન તથા અતિધનાઢ્ય પરિવારની મહિલાઓની ડિલિવરી એસએસજી કે ગોતરી હૉસ્પિટલમાં થઈ હતી, કારણ કે ખાનગી હૉસ્પિટલો કોરોના પૉઝિટિવ કેસોમાં હાથ ઊંચા કરી દેતી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો