ભારતીય ક્રિકેટને બીજો લીટલ માસ્ટર મળશે?

અર્જૂન તેંડૂલકર Image copyright Getty Images
ફોટો લાઈન અર્જુનની લેલે ઈંવિટેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી મુંબઈ અંડર-19 ટીમ માટે પસંદગી કરાઈ છે

કહેવાય છે કે પિતાના જૂતા જ્યારે પુત્રને થવા લાગે, તો બન્નેનો સંબંધ મિત્રતામાં બદલાઈ જાય છે. પણ જ્યારે પિતાના પૈડ દીકરાને ફિટ થવા લાગે તો તેને શું કહેવું?

વિશ્વનાં સૌથી મહાન બેટ્સમેનમાંથી એક, ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. સચિને તેમની કારકિર્દીમાં વર્લ્ડ રેકોર્ડ્સ વણઝાર કરી.

તે જ રેકોર્ડ સચિનના પુત્ર અર્જુન તેંડુલકર પણ તેમની રાહ પર સતત ચાલી રહ્યા છે. એટલે કે જુનિયર તેંડુલકર ક્રિકેટના મેદાનમાં પોતાનો દમ બતાવી રહ્યા છે.

અર્જુન પણ પ્રોફેશનલ ક્રિકેટમાં રસ ધરાવે છે. એ વાત તો મોટા ભાગના લોકો જાણે જ છે, પરંતુ હવે ક્રિકેટની દુનિયામાં મોટી છલાંગ લગાવી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ક્રિકેટ જગતના રેકોર્ડમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન પણ પિતાની રાહ પર ચાલી રહ્યા છે

શું કહ્યું હતું સચિને?

અર્જુનના પિતા સચિન તેંડુલકર માને છે કે, અર્જુન માટે આ રસ્તો ખૂબ કપરો સાબિત થશે.

સચિને એપ્રિલ 2016માં એક આર્થિક સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "કમનસીબે અર્જુનના ખભા પર તેમના નામ-પ્રતિષ્ઠાનો વધારાનો ભાર છે અને હું માનું છું કે તે આગળ પણ રહેશે. જે તેના માટે સહેલું સાબિત નહીં થાય."

સચિને કહ્યું હતું, "મારા માટે પરિસ્થિતિ અલગ હતી કેમ કે મારા પિતા લેખક હતા અને કોઈએ ક્રિકેટ મામલે મને સવાલ પૂછ્યા ન હતા.

મારું માનવું છે કે મારા પુત્રની સરખામણી મારી સાથે ન થવી જોઈએ. મેદાન પરના તેના દેખાવના આધારે તેની કારકિર્દીનો નિર્ણય થવો જોઈએ."

પરંતુ સરખામણી થવી સ્વાભાવિક છે. ભૂતકાળમાં પણ પ્રસિધ્ધ ખેલાડીઓના દિકરા ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે પણ સરખામણીનો સામનો કરવો પડ્યો હતો.

તેમાંથી કેટલાક એવા હતા કે જેમણે શરૂઆત તો સારી કરી પરંતુ જલદી રસ્તો ભટકી ગયા હતા.

તેમાંથી કેટલાક નામ છેઃ


રોહન ગાવસ્કર

Image copyright Getty Images
ફોટો લાઈન પિતા સુનીલ ગાવસ્કર સાથે રોહન ગાવસ્કર

પિતા ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન. નામ સુનીલ ગાવસ્કર. એટલે દબાણ તો હોય જ.

રોહન પાસે લોકોએ આશા ખૂબ રાખી અને વર્ષ 2004માં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવીને તેમણે આશાઓને હવા પણ આપી.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં બૉલિંગ કરતા તેમણે એંડ્ર્યુ સાઈમંડ્સનો ઉત્તમ કેચ પકડ્યો હતો અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 50 રન બનાવ્યા ત્યારે લાગ્યું કે રોહન ખૂબ આગળ જશે.

પરંતુ તેઓ આ ફોર્મને કાયમ રાખવામાં નિષ્ફળ રહ્યા. માત્ર 11 વન ડેમાં જ તેમના ઈન્ટરનેશનલ કરીયરનો અંત આવી ગયો હતો.


માલી રિચર્ડ્સ

Image copyright Getty Images
ફોટો લાઈન વિવ રિચર્ડ્સ

જ્યારે દુનિયાએ સચિન તેંડુલકર અને સનથ જયસૂર્યા જેવા બેટ્સમેનને જોયા પણ નહોતા ત્યારે ક્રિકેટની દુનિયામાં સર વિવિયન રિચર્ડ્સનો સિક્કો ચાલતો હતો.

તેમની ઓળખ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે હતી, પરંતુ તેમનો પુત્ર માલી આ વારસાને સંભાળી ન શક્યો.

માલી ઈંગ્લેન્ડમાં યુનિવર્સિટી લેવલ પર રમ્યા અને કાઉંટી ક્રિકેટમાં મિડલસેક્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું. પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટઈંડિઝની ટીમમાં સામેલ થવાનો મોકો તેમને ક્યારે પણ ન મળ્યો.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમના કેટલાક ચમત્કારો દુનિયાને જોવા મળ્યા, પરંતુ દુનિયામાં તે પિતા જેવું નામ ક્યારેય પણ ન બનાવી શક્યા.


રિચર્ડ હટન

Image copyright Getty Images
ફોટો લાઈન સર લેન હટન

સર લેન હટનનું નામ ઈંગ્લેન્ડ તરફથી રમવાનારા મહાન બેટ્સમેનની લિસ્ટમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્ષ 1938માં તેમની 324 રનની ઈનિંગ 20 વર્ષ સુધી ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ રહી.

તેમના પુત્ર રિચર્ડે વર્ષ 1971માં પાકિસ્તાન વિરૂદ્ધ પહેલી મેચ રમી હતી. પિતાથી થોડા અલગ રિચર્ડ બૉલિંગમાં નિપુણતા ધરાવતા હતા અને પહેલી મેચમાં તેમણે વિકેટ પણ ઝડપી હતી.

જો કે તેમનું ઈન્ટરનેશનલ કરીયર ખૂબ ટૂકું રહ્યું. તે પોતાના દેશ તરફથી માત્ર 4 મેચ રમી શક્યા, જેમાં છેલ્લી મેચ ભારત વિરૂદ્ધ હતી.


ક્રિસ કાઉડ્રી

Image copyright Getty Images
ફોટો લાઈન ક્રિસ કાઉડ્રી

કૉલિન કાઉડ્રીના પુત્ર ક્રિસને વર્ષ 1984માં પહેલી વખત ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

તેમણે મુંબઈમાં પહેલી ટેસ્ટ મેચ રમી હતી અને પોતાની પહેલી જ ઓવરમાં તેમણે કપિલ દેવની મોટી વિકેટ ઝડપી હતી.

વર્ષ 1988માં ફરી એક વખત તેમને મોકો મળ્યો હતો. પરંતુ તેમની આ યાત્રા કંઈ ખાસ લાંબી ન ચાલી. પોતાની નાની કારકિર્દીમાં તેમણે કુલ 6 ટેસ્ટ અને 3 વન ડે મેચ રમી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા