રોહિત ઓસ્ટ્રેલિયા સામે 50 છક્કા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

બેંગલુરુનાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સીરિઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રનથી હરાવ્યું.

જીત માટે 335 રનનો પડકાર લઈને બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઉતરેલી ટીમ ઇંડિયા 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન બાદ 313 રન જ બનાવી શકી.

સતત ત્રણ વન ડે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને ગુરુવારે ભારત સામે જીતનો સ્વાદ ચાખવા મળ્યો.

ભારત તરફથી અજિંક્ય રહાણેએ 53 અને રોહિત શર્માએ 65 રન બનાવ્યા. રોહિત શર્માએ તેની બેટિંગમાં પાંચ છક્કા ફટકાર્યા હતા.

આ સાથે જ રોહિત આંતરરાષ્ટ્રીય વન ડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 50 છક્કા ફટકારનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

Image copyright Reuters

કેદાર જાદવે 69 બોલમાં 67 રન બનાવ્યા. જો કે, મધ્યમ ક્રમે રમવા આવેલા બેટ્સમેન ક્રિઝ પર લાંબુ ન ટકી શક્યા.

ફિંચ અને વૉર્નરની તોફાની ભાગીદારી

પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ઓસ્ટ્રેલિયા એ 50 ઓવરમાં પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાનાં એરૉન ફિંચ અને ડેવિડ વૉર્નરને પહેલી વિકેટની ભાગીદારીમાં 231 રન બનાવ્યા હતા.

ફિંચે 96 બોલમાં 94 રન બનાવ્યા અને વૉર્નરે 119 બોલમાં 124 રન બનાવ્યા હતા.

ભારતના ઉમેશ યાદવે 10 ઓવરમાં 71 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)